શેરી શિક્ષણને સરકાર દ્વારા પ્રોત્સાહન આપવામાં આવ્યું છે ત્યારે હવે ઠેર ઠેર શેરી શિક્ષણ સારી રીતે ચાલી રહ્યું છે. એમાં પણ ખાસ કરી ગ્રામ્ય વિસ્તારમાં શેરી શિક્ષણ માટે શિક્ષકો અથાગ મહેનત અને પ્રયત્ન કરી રહ્યા છે. રાજકોટ જિલ્લાના ધોરાજીના નાનીમારડની કુલ 8 શાળાના 40 શિક્ષક શેરીએ-શેરીએ અને ફળિયે-ફળિયે પહોંચી અંદાજિત 450 બાળકને શિક્ષણ અને શૈક્ષણિક માર્ગદર્શન આપી રહ્યા છે. એમાં ક્યાંક ફળિયામાં બેસાડી તો ક્યાંક વૃક્ષના શીતળ છાંયડા નીચે તો ક્યાંક ખેતરમાં કામ કરતા ખેડૂતોનાં બાળકોને ટ્રેકટરની બંધ ટ્રોલીમાં બેસાડી શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.
બાળકો સ્માર્ટફોનના અભાવે શિક્ષણથી વંચિત રહેતાં હતાં
હાલ કોરોનાકાળ ચાલતો હોવાને કારણે છેલ્લા દોઢેક વર્ષથી શાળાઓ બંધ છે, જેથી વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવામાં આવતા નથી અને ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. ઓનલાઇન શિક્ષણ કે જેમાં પણ માઇક્રોસોફ્ટ ટીમ, G-Shala , ડી.ડી. ગિરનાર જેવા માધ્યમોથી વિદ્યાર્થીઓનું ઓનલાઈન અને વર્ચ્યુઅલ શિક્ષણ અપાઈ રહ્યું છે, પરંતુ એમાં પણ ઘણા વિદ્યાર્થીઓ પાસે સ્માર્ટફોન અને ટેલિવિઝન જેવાં ઉપકરણ હતાં નહીં, તેથી આવાં બાળકો શિક્ષણથી વંચિત રહેતાં હતાં એને સરકાર દ્વારા ખાસ ધ્યાનમાં રાખી શેરી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવ્યું છે.
બાળકોને શિક્ષણ અને શૈક્ષણિક માર્ગદર્શન અપાય છે
પાટણવાવ તાલુકા શાળાના આચાર્ય ભરતભાઇ ભાટુએ જણાવ્યું હતું કે હાલની સ્થિતિ જોઈએ તો વિદ્યાર્થીઓને જે સમજ પ્રત્યક્ષ શિક્ષણ દ્વારા આપી શકાય એ ઓનલાઇન શિક્ષણ દ્વારા ન જ આપી શકાય કે ન મેળવી શકાય. ઉપરાંત હાલમાં બ્રીઝકોર્સ (જ્ઞાન સેતુ)નું કાર્ય પૂર્ણ થયું છે અને વિદ્યાર્થીઓએ જ્ઞાન સેતુનું કાર્ય કેવું કરેલું છે એના મૂલ્યાંકન માટે આગામી સમયમાં એકમ કસોટી લેવાની હોય એવી વગેરે બાબતોની સમજ માટે સી.આર.સી નાનીમારડની કુલ 8 શાળાના 40 શિક્ષકે અંદાજિત 450 બાળકને શિક્ષણ અને શૈક્ષણિક માર્ગદર્શન આપી રહ્યા છે.
બાળકો અને વાલીઓમાં પણ ખુશી
જે રીતે અહીં શિક્ષકો દ્વારા બાળકોને શિક્ષણ અપાઈ રહ્યું છે એમાં શિક્ષકો અને આચાર્ય દ્વારા પૂરતી મહેનત કરી કાળજી સાથે તેમને વધુ ને વધુ શિક્ષણ મળે એ માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. એમાં શિક્ષકો દ્વારા આપવામાં આવતા શેરી શિક્ષણથી બાળકો અને વાલીઓમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.