તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • 40% Candidates Absent In Information Department Examination, Thermal Screening Not Conducted, Two Students Seated In One Bench

કોવિડ ગાઈડલાઈનનો ભંગ:માહિતી ખાતાની પરીક્ષામાં 40% ઉમેદવાર ગેરહાજર, થર્મલ સ્ક્રીનિંગ ન કરાયું, એક બેંચમાં બે વિદ્યાર્થીને બેસાડ્યા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ક્લાસ 1-2નું પેપર મધ્યમ, ક્લાસ-3નું સરળ નીકળ્યું
  • નેગેટિવ માર્કિંગની સ્પષ્ટતા નહીં કરાતા વિદ્યાર્થી મૂંઝાયા

એપ્રિલમાં કોરોના મહામારીને કારણે મોકૂફ રખાયેલી માહિતી ખાતાની વર્ગ 1-2 અને 3ની પ્રિલિમ્સ પરીક્ષા રવિવારે રાજકોટ સહિત રાજ્યભરમાં લેવામાં આવી હતી. રાજકોટમાં લાલપરી તળાવ પાસે આવેલી એચ.એન શુક્લા કોલેજમાં પરીક્ષા કેન્દ્ર ફાળવાયું હતું. પરીક્ષા કેન્દ્રમાં કોવિડ-19ની ગાઈડલાઈનનો ભંગ કરાયો હોય એમ વિદ્યાર્થીઓનું ન થર્મલ સ્ક્રીનિંગ કરાયું હતું કે ન સેનિટાઈઝ કરાયું હતું. સવારના સેશનમાં ક્લાસ 1 અને 2ના પેપરમાં તો એક બેંચમાં બે-બે વિદ્યાર્થીઓ બેસાડ્યા હતા. રવિવારે પણ જે વિદ્યાર્થીઓએ પૂરતી તૈયારી કરી ન હતી તેઓ પરીક્ષા દેવા આવ્યા ન હતા.

આ ઉપરાંત બહારગામના પણ ઘણા વિદ્યાર્થીઓ રાજકોટ પરીક્ષા આપવા આવ્યા ન હતા. સવારના સેશનમાં 30 ટકા અને બપોરના સેશનમાં 40 ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. પરીક્ષા શરૂ થઇ ગઈ ત્યાં સુધી નેગેટિવ માર્કિંગ પદ્ધતિ છે કે નહીં તેની કોઈ સ્પષ્ટતા નહીં કરાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા. ક્લાસ 1 અને 2નું પેપર પ્રમાણમાં મધ્યમ નીકળ્યું હતું જ્યારે ક્લાસ-3નું પેપર સરળ રહ્યું હતું.

રવિવારે યોજાયેલી માહિતી ખાતાની પરીક્ષામાં અનેક ક્ષતિઓ બહાર આવી હતી. સવારે વર્ગ-1અને 2ની પરીક્ષામાં રાજકોટ કેન્દ્રમાં 165માંથી 115 વિદ્યાર્થી હાજર, 50 ગેરહાજર રહ્યા હતા. બપોરે વર્ગ-3ની લેવાયેલી પરીક્ષામાં કુલ 415માંથી 241 વિદ્યાર્થી હાજર, 174 વિદ્યાર્થી ગેરહાજર રહ્યા હતા. ગુજરાતમાં રાજકોટ સહિત કુલ 11 કેન્દ્રમાં પરીક્ષા લેવાઈ હતી. પરીક્ષા કેન્દ્રમાં કોવિડ-19ની ગાઈડલાઈન પ્રમાણે કોઈ વ્યવસ્થા ન હતી.

બીજી બાજુ બંને પેપરમાં જાહેરાત સમયે અપાયેલા કોર્સ મુજબ પ્રશ્નો નહીં પૂછાતા વિદ્યાર્થીઓમાં કચવાટ જોવા મળ્યો હતો. વિદ્યાર્થીઓએ કહ્યું કે, દરેક વિષયને જેટલા માર્કનું વેઈટેજ હતું તે પ્રમાણે પ્રશ્ન પૂછ્યા ન હતા. વર્ગ-3ના પેપરમાં અમદાવાદના મોટેરા ખાતેના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, 2021નો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ એવોર્ડ, કેન્દ્ર સરકારના જન સંપર્ક વિભાગ સહિતના પ્રશ્નો પૂછાયા હતા, જ્યારે વર્ગ-2ના પેપરમાં બંધારણ, બજેટ, ઇન્ડિયન પિનલ કોડ સહિતના પ્રશ્નો પૂછાયા હતા. એકંદરે વર્ગ 1-2નું પેપર મધ્યમ કક્ષાનું અને વર્ગ-3નું પેપર પ્રમાણમાં સરળ નીકળ્યું હતું.

જોકે છેલ્લી ઘડી સુધી નેગેટિવ માર્કિંગ અંગેની કોઈ સ્પષ્ટતા તંત્ર દ્વારા નહીં કરાતા વિદ્યાર્થીઓ મૂંઝાયા હતા અને નેગેટિવ માર્કિંગના ડરથી મોટાભાગના વિદ્યાર્થીઓએ ઓપ્શન ‘ઈ’ ટીક કર્યો હોવાનું પરીક્ષાર્થીઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...