રાજકોટના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં 5 દિવસ પૂર્વે યુવકની હત્યા થઈ હતી. આ બનાવમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી ચાર આરોપીની ધરપકડ કરી છે. જ્યાં પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે રાજકોટ અમદાવાદ હાઇવે પર પાનની કેબીન હટાવવા બાબતે થયેલ માથાકૂટનો ખાર રાખી ચારેય શખ્સો દ્વારા શૈલેષ કુંભાણીની હત્યા કરવામાં આવી હતી. જેથી પોલીસે ચારેયની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
દુકાન હટાવવા મામલે બોલાચાલી થઈ
રાજકોટ અમદાવાદ હાઇવે પર નવા બની રહેલા એરપોર્ટ નજીક પાનની દુકાન હટાવવા મામલે થયેલ બોલાચાલીનો ખાર રાખી ચાર જેટલા શખ્સોએ શૈલેષ કુંભાણી નામના યુવકની તીક્ષ્ણ હથિયારોના ઘા ઝીકી હત્યા નિપજાવવામાં આવી હતી. જેના પગલે પોલીસે મૃતકની પત્નીની ફરિયાદ પરથી આરોપીઓને પકડી પાડવા તજવીજ હાથ ધરી હતી. દરમિયાન આજ રોજ ચારેય હત્યારાઓ મળી આવતા તેની ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
5 દિવસ પૂર્વે હત્યા નિપજાવી આરોપીઓ ફરાર
પોલીસ દ્વારા આરોપી નરેન્દ્ર ઉર્ફે નરુ ધોરીયા, મહેશ ઉર્ફે મયલો ધોરીયા , રમેશ ધોરીયા અને વિક્રમ ઉર્ફે ગુલો ધોરીયાની ધરપકડ કરવામાં આવી છે. આરોપીઓ છેલ્લા 5 દિવસથી હત્યા નિપજાવી નાસ્તા ફરતા હતા જે બાદ આજ રોજ તેઓ બિલેશ્વર મહાદેવ મંદિર ડોસલીધુના રોડ પર અંદરના ભાગે વાડીમાં છુપાયા હોવાની બાતમી મળતા સ્થળ પર પહોંચી આરોપીઓને દબોચી પુછપરછ કરતા તેમને જ હત્યા કર્યા હોવાની કબૂલાત પણ આપી હતી..
તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી હત્યા કરી
ગત તારીખ 1 જૂન 2022 ના રોજ સાંજના 6 વાગ્યા આસપાસ નવા બની રહેલા એરોપર્ટ નજીક પાનની દુકાન હટાવવા બાબતે થયેલ માથાકૂટ પગલે આરોપીઓએ શૈલેષ કુંભાણીને મારી નાખવાની ધમકી અનેક વખત આપી હતી. જે બાદ રાજકોટ જિલ્લાના ગારીડા ગામની સીમમાં લઇ જઇ શૈલેષ કુંભાણીને માથાના તથા શરીરના અન્ય ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકી ગંભીર ઇજાઓ પહોંચાડી હત્યા નિપજાવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપીઓ પૈકી એક આરોપી નરેન્દ્ર ઉર્ફે નરુ રાજકોટમાં 3 ગુનાઓ અને મોરબી જિલ્લાના વાંકાનેરમાં પણ અલગ અલગ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુક્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.