કુવાડવા તાબેના ગારીડા ગામની સીમમાં બુધવારે રાતે ગામના જ શૈલેષ ચનાભાઇ કુંભાણી નામના યુવાનની હત્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. ગારીડા ગામે રહેતા ચનાભાઇ કુંભાણીએ એરપોર્ટ પોલીસને આપેલી વિગતો મુજબ, તેમને સંતાનમાં ત્રણ પુત્ર છે. જેમાં શૈલેષ વચેટ પુત્ર હતો. તેને સંતાનમાં એક દીકરો, દીકરી છે.
પુત્ર શૈલેષ ગામની સીમમાં ચા-પાનની કેબિન ધરાવતો હતો. પુત્ર શૈલેષે ચા-પાનની કેબિન બનાવી હોય ગામમાં જ રહેતા રમેશ દેવસીને ખટકતું હતું. જેને કારણે અવારનવાર રમેશ પુત્ર શૈલેષને ધાકધમકીઓ દઇ માથાકૂટ કરતો રહેતો હતો. દરમિયાન એક મહિના પહેલા રમેશે પુત્ર શૈલેષ સાથે ઝઘડો કરી મારી નાંખવાની ધમકી આપી હતી.
ધમકી આપ્યા બાદ છેલ્લા એક મહિનાથી રમેશ ઉપરાંત ગુલા રમેશ, નરેશ રગા અને મયૂર શૈલેષને શોધતા હોય શૈલેષ ઘણા સમયથી ઘરે પણ આવતો ન હતો. ત્યારે આજે રાતે પુત્ર શૈલેષ ગામની સીમમાં હોવાની રમેશને ખબર પડતા તે ગુલો, નરેશ અને મયૂરને સાથે લઇ ગામની સીમમાં પહોંચ્યા હતા. જ્યાં શૈલેષનો ભેટો થઇ જતા માથાકૂટ કરી ચારેય શખ્સ લાકડી, ધોકા, પાઇપ સાથે ખૂની હુમલો કરી નાસી છૂટ્યા હતા.
પુત્ર શૈલેષ ઉપર રમેશ સહિતના શખ્સોએ માર માર્યાની પોતાને જાણ થતા પોતે અન્ય પુત્રો સાથે ગામની સીમમાં દોડી ગયા હતા. અને લોહીલુહાણ હાલતમાં શૈલેષને 108 મારફતે સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા હતા. પરંતુ શૈલેષને સારવાર મળે તે પહેલા જ ફરજ પરના તબીબે મોત નીપજ્યાનું જાહેર કર્યું હતું. નાના એવા ગારીડા ગામે હત્યા થઇ હોવાની જાણ થતા પીઆઇ વી.આર.રાઠોડ સહિતનો કાફલો ગારીડા ગામ દોડી ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.