રાજકોટ એરપોર્ટ પર 4 નવા પાર્કિંગને મંજૂરી મળી છે. જેને લઈ નવી ફ્લાઈટો ઉડાન ભરી શકશે. એરપોર્ટ પરથી હાલ રોજ દિલ્હી - મુંબઈની 4-4 અને ગોવા તથા બેંગ્લોરની 1-1 ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. જોકે રાજકોટ એરપોર્ટ પર એક સમયે એક મોટું અને એક નાનું વિમાન જ પાર્ક થઇ શકે તેટલું જ પાર્કિંગ હોવાથી નવી ફ્લાઈટ શરુ થઇ શકતી નહોતી. પરંતુ હવે 4 નવા પાર્કિંગ મંજુર થતા કોલકાતા, બનારસ, જયપુરની ફ્લાઈટ શરૂ થઈ શકશે.
1 નાનું બોઈંગ પાર્ક થઇ શકે છે
રાજકોટ એરપોર્ટ પર હાલ એક સમયે એક મોટું 180 સીટર અને 1 નાનું બોઈંગ પાર્ક થઇ શકે છે. જો આ સમયે અન્ય કોઈ ફ્લાઈટ આવે તો તેને હવામાં રહેવું પડે છે. જેના કારણે મોંઘુ ઈંધણ પણ વધુ વપરાય રહ્યું છે. તેમજ સ્પાઈસ જેટ દ્વારા રાજકોટથી જયપુર, કોલકાતા અને બનારસ જવા માટે મંજૂરી મંગાઇ હતી. જયારે ઈન્ડીગો દ્વારા જયપુરની ફ્લાઈટ શરુ કરવા મંજૂરી માંગવામાં આવી હતી. પરંતુ વિમાનોના પાર્કિંગના અભાવે નવી ચાર ફ્લાઈટની મંજૂરીમાં વિલંબ થઇ રહ્યો હતો. પરંતુ એરપોર્ટ પર 4 નવા એપ્રેન અર્થાત પાર્કિંગને મંજૂરી મળતા આ મુશ્કેલી દૂર થઈ છે.
સૌરાષ્ટ્રના મુસાફરોને મોટી રાહત મળશે
ઉલ્લેખનીય છે કે રાજકોટ એરપોર્ટ પર એક સમયે એક મોટું અને એક નાનું વિમાન પાર્ક થઇ શકે છે. જેથી એક સાથે મોટા 4 બોઇંગ પાર્ક થઇ શકે તે માટે રાજકોટ એરપોર્ટ પર પાર્કિંગ તૈયાર કરી દેવામાં આવ્યું છે. 15 દિવસ પહેલા દિલ્હી DGCA (ડાયરેક્ટર જનરલ ઓફ સિવીલ એવીએશન) ની મંજૂરી માંગવામાં આવી હતી. જે મંજૂરી મળી જતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રના મુસાફરોને મોટી રાહત મળશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.