સત્તા માટે મથામણ:રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન તરીકે 4 નામની ચર્ચા, સિનિયર તરીકે એક માત્ર પરસોત્તમ સાવલિયાનું નામ મોખરે

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાલ તો સિનિયર તરીકે એક જ નામ પરસોત્તમ સાવલિયાનું આગળ ચાલી રહ્યું છે (ફાઈલ તસવીર). - Divya Bhaskar
હાલ તો સિનિયર તરીકે એક જ નામ પરસોત્તમ સાવલિયાનું આગળ ચાલી રહ્યું છે (ફાઈલ તસવીર).
  • યુવા ચહેરા તરીકે વિજય કોરાટ અને જયેશ બોઘરા મજબૂત દાવેદાર
  • વર્તમાન ચેરમેન ડી.કે. સખિયાએ તેમના પુત્રનું લોબિંગ શરૂ કર્યું

રાજકોટ બેડી માર્કેટ યાર્ડના સુકાનીઓની ચૂંટણી માટે ચૂંટણી અધિકારી તિરથાણીએ તારીખ 2 ડિસેમ્‍બરને ગુરૂવારના રોજ સવારે 11 વાગ્યાનો સમય નક્કી કરવામાં આવ્યો છે. ત્યારે હાલ રાજકોટ યાર્ડના સત્તાધીશોની ચૂંટણી જાહેર થતા ભાજપમાં આંતરિક માહોલ ગરમાયો છે. ચેરમેન પદ માટે કુલ 4 નામો ચર્ચામાં ચાલી રહ્યા છે. યાર્ડના નવા ચેરમેન પદ માટે સિનિયર તરીકે એક માત્ર પરસોત્તમ સાવલિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે. જ્યારે યુવા ચહેરા તરીકે વિજય કોરાટ અને જયેશ બોઘરા મજબૂત દાવેદાર ગણાય છે. સાથે સ્‍થાનિક તરીકે કેશુભાઇ નંદાણિયાનું નામ મોખરે ચાલી રહ્યું છે.

જુથવાદને કારણે ચેરમેન-વાઇસ ચેરમેનની પસંદગીમાં ખેંચતાણ
ગત 5 ઓક્ટોબરના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડની ચૂંટણી યોજાઈ હતી અને 6 ઓક્ટોબરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થયું હતું. જેમાં વેપારી પેનલની એક બેઠકે બાદ કરતા તમામ બેઠક પર ભાજપ પ્રેરિત પેનલની જીત થઈ હતી. ત્યારે હવે સત્તાધિશો માટેની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ જેવો માહોલ જોવા મળી છે. માર્કેટ યાર્ડની સામાન્‍ય ચૂંટણીમાં ખેતી, સંઘ અને વેપારી સહિત 3 વિભાગની કુલ 16 પૈકી 14 બેઠકો ભાજપ પ્રેરિત પેનલને મળેલા ઉમેદવારની પસંદગી વખતે મામલો પ્રદેશ સુધી પહોંચ્‍યો હતો. ભાજપમાં જુથવાદને કારણે ચેરમેન-વાઇસ ચેરમેનની પસંદગીમાં પણ ખેંચતાણ ચાલી રહી છે.

વર્તમાન ચેરમેન ડી.કે. સખીયાએ પુત્ર જીતુ સખિયા માટે લોબિંગ શરૂ કર્યું.
વર્તમાન ચેરમેન ડી.કે. સખીયાએ પુત્ર જીતુ સખિયા માટે લોબિંગ શરૂ કર્યું.

સિનિયર નેતાઓ કોના પર કળશ ઢોળે છે તેની જોવાતી રાહ
ઉલ્લેખનીય છે કે વર્તમાન ચેરમેન ડી.કે. સખિયા દ્વારા તેમના પુત્ર જીતુ સખિયાનું લોબિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. ચર્ચાતા નામો પૈકી કોઇ બે ચહેરા પસંદ થાય તેવા સંજોગો છે. ત્યારે યાર્ડના નવા સુકાનીઓની પસંદગીમાં જયેશ રાદડિયા, મનસુખ ખાચરિયા, મોહન કુંડારિયા, ભરત બોઘરા વગેરેની ભૂમિકા મહત્‍વની હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.