સાસરિયાનો ત્રાસ:ગોંડલમાં પ્રેમ લગ્ન કર્યાના 4 મહિના બાદ યુવતીનો આપઘાત, પતિ,સાસુ,સસરા અને દિયર વિરુદ્ધ ગુનો દાખલ

રાજકોટ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • હત્યાના આક્ષેપ સાથે પરિવારજનોએ લાશ સ્વીકારવા કરેલા ઇનકાર બાદ આરોપીઓની અટકાયત કરાઈ
  • ચાર મહિના પૂર્વે જ ગોંડલના આહીર યુવાન સાથે પ્રેમલગ્ન કરી સંસાર માંડ્યો હતો

રાજકોટના સિંધી કોલોનીમાં રહેતી અને ચાર મહિના પૂર્વે જ ગોંડલના આહીર યુવાન સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીના શકાસ્પદ મોતથી પરિવારજનોએ ભારે હંગામો મચાવ્યો હતો અને લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો આ બનાવમાં ગોંડલ પોલીસ તપાસમાં યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું બહાર આવતા પોલીસે આ બનાવ બાબતે પોલીસે ગોંડલ સ્થિત તેના સાસરિયા સામે ગુનો નોંધ્યો અને આરોપીઓની અટકાયત કરી હતી.

સિંધી સમાજના લોકો હોસ્પિટલે ઊમટી પડ્યા હતા
ગોંડલના જેતપુર રોડ પર આવેલી આવકાર રેસિડેન્સીમાં રહેતી ચાર માસ પૂર્વે જ પ્રેમલગ્ન કરનાર ભાવિકા ચિરાગ બલદાણિયા (ઉ.વ.19)ની લાશ તેના જ ઘરમાંથી શનિવારે રાત્રે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.મૃતકના માતા-પિતા ગોંડલ દોડી ગયા હતા અને ભાવિકાને ગળાટૂંપો દઇ હત્યા કરી હોવાનો આક્ષેપ કરતાં ગોંડલ પોલીસે ફોરેન્સિક નિષ્ણાત પાસે પોસ્ટમોર્ટમ કરાવવા લાશને રાજકોટ હોસ્પિટલમાં ખસેડી હતી. ભાવિકાની હત્યા કરવામાં આવ્યાની વાત વાયુવેગે ફેલાઇ જતાં પૂર્વ કોર્પોરેટર દિલીપભાઇ આસવાણી સહિત સિંધી સમાજના લોકો હોસ્પિટલે ઊમટી પડ્યા હતા. પરિવારજનો દ્વારા હત્યાનો આક્ષેપ કરાયો હતો.

સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો
સિવિલ હોસ્પિટલમાં મૃતકના પરિવારજનોએ હોબાળો મચાવ્યો હતો

સિવિલ હોસ્પિટલે યુવતિનો મૃતદેહ લઇને પહોંચ્યા
ભાવિકાના માતાએ જણાવ્યું કે ભાવિકાના લગ્ન 3 મહિના અગાઉ આહીર યુવાન ચિરાગ સંજય બલદાણિયા સાથે થયા હતા. ભાવિકાના સિંધી જ્ઞાતિની હોય જયારે ચિરાગની માતા મીના ઉર્ફે સોનું પણ સિંધી સમાજના છે તેથી લગ્નન સહમતી આપી હતી.આ લગ્નના 15-20 દિવસ બાદ સાસરિયાં પક્ષ દ્વારા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. તેમજ દિયર દ્વારા પણ રિલેશનશિપ રાખવા અંગે દબાણ અપાતું હોવાનો આરોપ લગાવાયો છે. આ અંગેની જાણ પરિણીતાએ તેના માતાને પણ કરી હતી. બનાવની આગલી રાતે પણ પરિણીતાને અતિશય માર મારતા તેનું મૃત્યુ થયા હોવાનો અને ગોંડલ પોલીસ સાસરિયાઓને છાવરતી હોવાનું પણ આક્ષેપમાં જણાવ્યું હતું.પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્પિટલે યુવતિનો મૃતદેહ લઇને પહોંચ્યા હતા.

ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા
સિંધી પરિવારજનો દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. અને ન્યાય નહીં મળે અને હત્યાનો ગુનો નોંધાઇ નહીં ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. જેન પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી, ભાવિકાના શરીર પર અગાઉ કરાયેલી મારકૂટના ઇજાના નિશાન પણ હતા બીજી તરફ ફોરેન્સિક નિષ્ણાતો એ કરેલા પોસ્ટમોર્ટમમાં યુવતીએ ફાંસો ખાઇ આપઘાત કરી લીધાનું રિપોર્ટમાં જાણવા મળ્યા બાદ અંતે પોલીસે મૃતકના સાસરિયાં સામે આપઘાતની ફરજ પાડવાનો ગુનો નોંધ્યો હતો.

પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્પિટલે યુવતિનો મૃતદેહ લઇને પહોંચ્યા હતા
પરિવારજનો રાજકોટ સિવિલ હોસ્પિટલે યુવતિનો મૃતદેહ લઇને પહોંચ્યા હતા

આપઘાત માટે મજબુર કર્યાનો ગુનો દાખલ
આ બનાવ બાબતે ગોંડલ સીટી પોલીસે રાજકોટ સિંધી કોલોનીમાં રહેતા મૃતકની માતા મમતાબેન અશોકભાઈ હાસાનંદ શર્મા (ઉવ 39)ની ફરિયાદને આઘારે ગોંડલના જેતપુર રોડ પર આવેલી આવકાર રેસિડેન્સીમાં રહેતા ભાવિકાના પતિ ચિરાગ સંજયભાઈ બલદાણિયા, સાસુ સોનલબેન સંજયભાઈ બલદાણિયા,સસરા સંજયભાઈ મનસુખભાઈ બલદાણિયા,દિયર રિતિક સંજયભાઈ બલદાણિયા સામે ભાવિકને આપઘાત માટે મજબુર કર્યા અંગેનો ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે.

( દેવાંગ ભોજાણી અને હિમાંશુ પુરોહિત ગોંડલ )