અઢળક આવક:સૌરાષ્ટ્રના અગ્રીમ ગોંડલ યાર્ડની બંને બાજુ મગફળી ભરેલા વાહનોની 4 કિમી લાંબી લાઇન, દોઢ લાખ ગુણી આવકની શક્યતા

ગોંડલ2 મહિનો પહેલા
ગોંડલ હાઇવે પર મગફળી ભરેલા વાહનોની લાંબી લાઇન.
  • ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા કરાઇ

સૌરાષ્ટ્રના અગ્રીમ ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની અઢળક આવક થઇ છે. ગોંડલ યાર્ડમાં ભાવ સારા મળી રહેતા હોવાને કારણે સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો મગફળીનું વેચાણ કરવામાં આવ્યા છે. આજે યાર્ડની બંને તરફ ચાર-ચાર કિલોમીટર સુધીની લાંબી લાઇન લાગી છે. યાર્ડમાં અંદાજે દોઢ લાખ ગુણીની આવક થવાની શક્યતા છે. હાલ મગફળીનો પાક પાકી ગયો હોવાથી ખેડૂતો મગફળીની સિઝનમાં વ્યસ્ત બન્યા છે. આ વર્ષે ખેડૂતો મગફળી સાચવી રાખવાને બદલે યાર્ડમાં સીધી જ વેચાણ કરી રહ્યા છે.

ટ્રાફિક ન થાય તે માટે વાહનોની એક તરફ લાઇન.
ટ્રાફિક ન થાય તે માટે વાહનોની એક તરફ લાઇન.

યાર્ડ દ્વારા વ્યવસ્થા પણ કરાઇ છે
ગોંડલ માર્કેટ યાર્ડ દ્વારા ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા કરી છે. યાર્ડની અંદર એક પછી એક વાહનને એન્ટ્રી આપવામાં આવી રહી છે. અઢળક આવકથી યાર્ડ પણ મગફળીના પાકથી ઉભરાયું છે. ગત વર્ષે વધુ પડતી આવકને કારણે યાર્ડે વૈકલ્પિક જગ્યા રાખી હતી. આ વર્ષે પણ સારા વરસાદને કારણે મગફળીનો પાક મબલક થતા મગફળી સાથે વાહનોની લાંબી કતાર લાગી ગઇ છે.

બંને બાજુ 4-4 કિમીની લાંબી લાઇન લાગી.
બંને બાજુ 4-4 કિમીની લાંબી લાઇન લાગી.

રાજકોટ માર્કેટ યાર્ડમાં પણ મગફળીથી ઉભરાયું હતું
રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં મગફળીની આવક શરૂ થઈ છે. એક દિવસ પહેલા દિવાળી પૂર્વે મગફળી અને કપાસની જંગી આવક થઈ હતી. સૌરાષ્ટ્રમાં સારા વરસાદના કારણે મગફળીના પાકનું મબલક ઉત્પાદન થતા દિવાળી પૂર્વે ખેડૂતો દ્વારા મગફળી વેચાણ કરી રોકડ રૂપિયા મેળવવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે મગફળીની હરાજીમાં રૂપિયા 1050થી 1200 સુધી ભાવ બોલાયા હતા. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની મબલક આવક થતા દશેરાના દિવસે રાબેતા મુજબ સવારના સમયે મગફળીની હરાજી કરવાની ફરજ પડી હતી.

(દેવાંગ ભોજાણી, ગોંડલ)