તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ પર્યાવરણ દિવસ:રાજકોટમાં 4 સરકારી કર્મચારી ઓક્સિજનમેન બન્યા, 2 વીઘા પડતર જમીનમાં 3500 વૃક્ષ વાવ્યાં, જીવની જેમ જતન કરે છે

રાજકોટ2 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
  • પાણીની બચત થાય એવા ઉમદા હેતુથી ડ્રિપ ઇરિગેશન અપનાવી

આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે આપણે સૌ કોરોનાની બીજી લહેરમાં પર્યાવરણના મહત્ત્વ વિશે જાણી ચૂક્યા છીએ. કોરોનાની બીજી લહેરમાં ઓક્સિજનની અછત સર્જાતાં દેશભરમાં કોરોના દર્દીના ટપોટપ મોત થવા લાગ્યા હતા, પરંતુ જો આપણે પર્યાવરણની જાળવણી કરીએ તો એ દિવસો ફરી આવે નહીં. આજે આપણે વાત કરવી છે રાજકોટના ઓક્સિજનમેનની. રાજકોટ પાણીપુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર એચ.બી.જોધાણી સહિત 4 સરકારી કર્મચારીએ 2 વીઘા જમીનમાં 3500 વૃક્ષ વાવી જીવની જેમ જતન કર્યું અને આજે ઓક્સિજન પાર્કમાં પરિવર્તિત થયાં છે.

સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટનો સહકાર મળ્યો
રાજકોટના વર્ગ-4ના ચાર કર્મચારીએ વૃક્ષો દ્વારા અપાતા પ્રાણવાયુનું મહત્ત્વ સમજી બે વીઘાની પડતર જમીનમાં 3500 દેશી વૃક્ષોને જીવની જેમ ઉછેરી જતન કરતાં આજે રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રોડ પર પાસે આવેલી પાણીપુરવઠા બોર્ડની જલભવનની કચેરી હરિયાળી થઈ ગઇ છે. નાના કર્મચારીઓની મોટી સિદ્ધિની વાત કરતાં રાજકોટ પાણીપુરવઠા બોર્ડના કાર્યપાલક ઇજનેર એચ.બી.જોધાણીએ કહ્યું હતું કે ગયા વર્ષમાં કોરોનાકાળના પ્રારંભે અમને વિચાર આવ્યો કે અમારી જલભવન હસ્તકની પડતર જમીનનો પર્યાવરણના ઉમદા હેતુ માટે ઉપયોગ કરીએ અને એમાં અમને સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ અને ફોરેસ્ટના નિવૃત્ત અધિકારી વરસાણીભાઈનો સહયોગ મળ્યો.

નોકરીની સાથોસાથ વૃક્ષોનું પણ જતન
તેમણે વધુમાં જણાવ્યું હતું કે વૃક્ષોનું વાવેતર તો થઈ ગયું, પરંતુ અમારી સામે તેના રોજના જતન, ઉછેરનો, પાણી પાવાનો, માલ ઢોરથી રક્ષણ આપવાનો અને ઝાડના મૂળ આસપાસમાંથી નીંદણ કાઢીને નિયમિત કામગીરી કરવાનો પડકાર આવ્યો. આ પડકાર અમારા ચોથા વર્ગના ત્રણ-ચાર કર્મચારીઓએ ઝીલી લીધો અને ખંતથી કચેરીનાં કામકાજની સાથે સાથે વિશેષ સમય ફાળવીને આ તમામ ઝાડ ઉછેરવાનું બીડું ઝડપી લીધું.

નોકરીની સાથોસાથ પર્યાવરણનું જતન.
નોકરીની સાથોસાથ પર્યાવરણનું જતન.

કર્મચારીઓને આ કામ કર્યાનો આનંદ અને ગૌરવ
કાર્યપાલક ઇજનેર કહે છે, આજે અમને અમારા કર્મયોગીઓ પર ગર્વ છે કે એક વર્ષમાં આ તમામ ઝાડ 10થી 15 ફૂટનાં થઈ ગયાં છે અને જલભવનની પડતર જમીન હરિયાળી બની ગઈ છે. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે ત્યારે પાણીપુરવઠા બોર્ડના કર્મયોગીઓએ પર્યાવરણના જતન માટેનું સામાજિક ઉત્તરદાયિત્વ સાચા અર્થમાં ચરિતાર્થ કર્યું છે. ઝાડનો ઉછેર કરતા કર્મચારીઓ અને અધિકારીઓને એની ઉછેરની બાબતમાં સામેથી કોઈપણ કાર્ય કરવાનું કહેવું પડ્યું નથી. કર્મચારીઓને આ કામ કર્યાનો આનંદ અને ગૌરવ છે.

સાથી કર્મચારીઓનો સાથ મળ્યો.
સાથી કર્મચારીઓનો સાથ મળ્યો.

બધા સાથે મળીને ઉછેર કરી રહ્યા છે
આ બાબતે પ્રતિભાવ પૂછતાં કચેરીએ આવીને પહેલું કામ ઝાડ માટે પાણીની મોટર ચાલુ કરી ટપક સિંચાઈ પદ્ધતિથી ઝાડનો ઉછેર કરતા રમેશભાઈ ધરમશીભાઈ સનુરાએ કહ્યું હતું કે આ ઝાડને ઉછેરવામાં મને અનેરો આનંદ મળે છે. પહેલાં આ ઉજ્જડ જમીન હતી. આજે બધું લીલુંછમ જોવા મળે છે. મારા સાથી કર્મચારીઓ સાથે મળીને અમે ઝાડનો ઉછેર કરીએ છીએ.

આજે લીલોછમ ઓક્સિજન પાર્ક બની ગયો.
આજે લીલોછમ ઓક્સિજન પાર્ક બની ગયો.

આજે આ ઓક્સિજન પાર્કમાં પક્ષીઓનો કલરવ ગુંજે છે
બીજા એક કર્મયોગી અશોકભાઈ સાગઠિયા કહે છે, આજે આપણને ઓક્સિજનની જરૂર છે. એ ઓક્સિજન ઝાડ આપે છે. અમારી પાસે પડતર જમીન હતી એમાં વૃક્ષોનું વાવેતર થતાં અમે આ ઝાડ ઉછેરનો સંકલ્પ લીધો હતો. વૃક્ષોને વાવી દીધા પછી ઉછેર કરવો મહત્ત્વનું હોય છે અને એ કામ ન થાય તો પરિણામ મળે નહીં. રાજ્ય સરકાર પણ વૃક્ષોના વાવેતર ઉછેર અને જતન માટે ઝુંબેશ ચલાવે છે. આ કામને અમે એક સત્કર્મ તરીકે ગણીને કર્યું છે. આજે એક વર્ષ પછી ઝાડ 10થી 15 ફૂટનાં થઈ ગયાં છે. પહેલાં અહીં જોવા મળતા ન હતા એ પોપટ, મોર, ચકલી તેમજ કોયલ સહિતનાં પક્ષીઓ બપોર પછી જલભવનમાં ઝાડ પર આવતાં થયાં છે. લીલુંછમ જલભવન અને પક્ષીઓના કલરવથી અમને કંઈક કર્યાનો આનંદ મળે છે.

અન્ય કર્મચારીઓ માટે પ્રેરણારૂપ સાબિત થયા
અન્ય એક કર્મચારી નારણભાઈ અને રાજેશભાઈએ જણાવ્યું હતું કે અમે ઉમરો, જાંબુ, દાડમ અને લીમડો સહિતનાં દેશી વૃક્ષો વાવ્યાં છે. ઉમરાનાં વૃક્ષમાં તો ટેટા પણ વધારે આવ્યા હોવાથી બપોર પછી પક્ષીઓ અહીં આશરો લેતાં થયાં છે. પાણીપુરવઠા બોર્ડની કચેરી દ્વારા આ 3500 વૃક્ષોના જતન માટે અને તેમને નિયમિત પાણી મળે તેમજ પાણીની બચત થાય ેવા ઉમદા હેતુએ ડ્રિપ ઈરિગેશન અપનાવી છે. આમ, રાજકોટના પાણીપુરવઠા બોર્ડની કચેરીના ચોથા વર્ગના કર્મચારીઓએ પર્યાવરણ સંરક્ષણનું ઉમદા કાર્ય કરીને રાજકોટની અન્ય સરકારી કચેરીઓના કર્મયોગીઓને પણ પ્રેરણા મળે તેવું મોટું કાર્ય કર્યું છે.

અન્ય સમાચારો પણ છે...