અનરાધાર ખુશી:ધોરાજીના મોટીમારડ ગામે ધોધમાર વરસાદ પડતા ચેકડેમ તૂટયો,ન્યારી-1 ડેમની સપાટી 18.20 ફૂટ પર પહોંચી,સૌની યોજનાનું પાણી બંધ કરાયું

રાજકોટ4 મહિનો પહેલા
મોતીસર ડેમ છલકાતા તમામ 17 દરવાજા પરથી પાણીનો પ્રચંડ પ્રવાહ વહ્યો.
  • વરસાદથી રાજકોટ જિલ્લાના જળાશયોમાં 1થી 4 ફૂટ નવા નીરની આવક
  • મોતીસર-આજી-2 ઓવરફ્લો, સૌથી મોટો ભાદર-1 ડેમ અડધો ભરાયો
  • રાજકોટ શહેરમાં છેલ્લા 48 કલાકમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાયો

રાજકોટ શહેર અને જિલ્લામાં છેલ્લા બે દિવસથી પડી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે જળાશયોમાં 1થી 4 ફૂટ નવા નીરની આવક થઈ છે. જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ રાજકોટ શહેરમાં છેલ્લા 48 કલાકમાં સાડા આઠ ઇંચ જેટલો વરસાદ નોંધાય ચૂક્યો છે. આથી સિઝનનો 21 ઇંચ વરસાદ થઈ ચૂક્યો છે. જેના કારણે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે. રાજકોટ જિલ્લાને મેઘરાજાએ ધમરોળી નાખ્યો હતો. જિલ્લામાં સૌથી વધુ ધોરાજીના મોટી મારડમાં 10 ઇંચ વરસાદ ખાબકતાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. જ્યાં ચેકડેમ ઓવરફ્લો ડેમ તૂટ્યો હતો. મોટા ભાગનાં ગામડાંમાં પાણી ઘૂસી ગયાં છે અને લોકો પરેશાન થયા છે.

રાજકોટનો આજી-2 ડેમ ઓવરફ્લો થતા 5 દરવાજા ખોલવામાં આવ્યા છે. મોતીસર ડેમ ઓવરફ્લો થતા તમામ 17 દરવાજા ઉપરથી પાણી વહી રહ્યું છે. તેમજ સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-1 ડેમ અડધો ભરાય ગયો છે. હાલ ન્યારી ડેમ-1 માં સૌની યોજનાનું પાણી બંધ કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ન્યારી 1 ડેમની સપાટી 18.20 ફૂટ પર પહોંચી છે. જયારે આજીડેમમાં સૌની યોજનાના પાણીની આવક હજુ બે ત્રણ દિવસ હજુ ચાલુ રાખવામાં આવશે.

રાજકોટવાસીઓની પાણીની તંગી દૂર થઈ
તાજેતરમાં જ રાજ્ય સરકારની મંજૂરી બાદ ગત સપ્તાહ દરમિયાન રાજકોટની જનતાને પીવાના પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે નર્મદા નીર આજી અને ન્યારી ડેમમાં ઠાલવવામાં આવ્યા હતા. બાદમાં મેઘરાજા પણ મહેરબાન બની છેલ્લા 48 કલાકમાં અનરાધાર વરસતા લોકોને પાણીની તંગી સુધી પહોંચતા બચાવી લીધા છે. રાજકોટ શહેર અને જિલ્લામાં પડેલા સાર્વત્રિક વરસાદના કારણે રાજકોટના જળાશયોમાં એકથી ચાર ફૂટ સુધી નવા નીરની આવક થઈ છે. ખાસ કરીને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે મોટાભાગનાં નદી-નાળા બેકાંઠે વહેતા હતા અને જે પાણી ડેમ સુધી પહોંચતા જળાશયોમાં નવા નીર પહોંચ્યા છે.

મોતીસર ડેમમાં ધસમસતો પાણીનો પ્રવાહ.
મોતીસર ડેમમાં ધસમસતો પાણીનો પ્રવાહ.

ભાદર ડેમની સપાટી 18 ફૂટે પહોંચી
રાજકોટ શહેરને પીવાનું પાણી પૂરું પાડતા આજી, ન્યારી અને ભાદર ડેમમાં વરસાદના પગલે નવા નીરની આવક થઈ છે. રાજકોટ જિલ્લાના સૌથી મોટા અને સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટા એવા ભાદર-1 ડેમમાં છેલ્લા 2 દિવસમાં એક ફૂટ કરતા વધુ પાણી આવતા સપાટી 18 ફૂટ પહોંચી ચૂકી છે એટલે કે 50% ડેમ ભરાય ચૂક્યો છે. જ્યારે આજી એક ડેમમાં પણ છેલ્લા 48 કલાકમાં એક ફૂટથી વધુ પાણી આવતા સપાટી 15.80 ફૂટ પહોંચી છે અને ન્યારી એક ડેમમાં ચાર-ચાર ફૂટ જેટલું પાણી આવતા સપાટી 18.20 પહોંચી ચૂકી છે.

રાજકોટ જિલ્લાના ચેકડેમો ઓવરફ્લો થયા.
રાજકોટ જિલ્લાના ચેકડેમો ઓવરફ્લો થયા.
ડેમનું નામકુલ ઊંડાઈહાલની સ્થિતિ
ભાદર-134 ફૂટ18 ફૂટ
ન્યારી-125.10 ફૂટ18.20 ફૂટ
ન્યારી-220.70 ફૂટ13.80 ફૂટ
આજી-129 ફૂટ15.80 ફૂટ
આજી-230.10 ફૂટ28.40 ફૂટ
મોતીસર14.80 ફૂટ14.80 ફૂટ
ભાદર-225.10 ફૂટ12.80 ફૂટ

રાજકોટના જળાશયોમાં સરેરાશ 12 ટકા નવા નીરની આવક
રાજકોટ સિંચાઈ વિભાગના કાર્યપાલક ઇજનેર એસ.જી.પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાના 26 જળાશયોમાં પાણીની સપાટીમાં વધારો થયો છે. રાજકોટ જિલ્લાના 3 આજી-2, મોતીસર અને વેણુ-2 ડેમ ઓવરફ્લો થયા છે. રાજકોટના સરેરાશ પાણીનો જથ્થો 24 ટકા જ હતો. વરસાદ બાદ તમામ જળાશયોનો સરેરાશ પાણીનો જથ્થો 36 ટકા થયો છે. રાજકોટ જિલ્લાના જળાશયોમાં સરેરાશ 12 ટકા જેટલું નવુ પાણી આવ્યું છે. જે જળાશયો ઓવરફ્લો થવાની સ્થિતિમાં છે તેની હેઠળ આવતા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ, કલેક્ટર, મામલતદાર, ટીડીઓ અને ગ્રામ પંચાયત દ્વારા સતત અપડેટ આપવામાં આવી રહ્યું છે.

નદી-નાળા છલકાયા.
નદી-નાળા છલકાયા.

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર-1 ડેમ અડધો ભરાય ગયો
સૌરાષ્ટ્રમાં હવામાન વિભાગની આગાહી મુજબ વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ રવિવારે સવારથી જ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને પગલે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ ભાદર-1 ડેમમાં વરસાદી પાણીની આવક થઈ છે. ભાદર-1 ડેમની સપાટી હાલ 17.45 ફૂટ સુધી પહોંચી છે જે અડધાથી વધુ છે. ભાદર ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. રાજકોટ જિલ્લાના જેતપુર, ધોરાજી, ઉપલેટા અને ગોંડલ પંથકમાં મેઘરાજા મહેરબાન થયા હોય તેમ ધોધમાર વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજકોટ જિલ્લાના શહેરો અને ગામડાઓમાં પાણી વહેતા થયા છે.

અન્ય સમાચારો પણ છે...