રાતોરાત નુકસાની:લગ્નમાં 150ની મર્યાદાથી રાજકોટમાં હોટેલ, પાર્ટીપ્લોટ, ડીજે, ડેકોરેશન, મંડપ સર્વિસ સહિત 20 ધંધાર્થીઓને 4 કરોડથી વધુનો ફટકો

રાજકોટ9 દિવસ પહેલા
  • કૉપી લિંક
લગ્નમાં 150 લોકોની મર્યાદાથી મંડપ સર્વિસના ધંધાર્થીઓને મોટુ નુકસાન. - Divya Bhaskar
લગ્નમાં 150 લોકોની મર્યાદાથી મંડપ સર્વિસના ધંધાર્થીઓને મોટુ નુકસાન.
  • ડિસેમ્બર મહિનામાં ધંધો સારી રીતે ચાલ્યો, ફરી ભાંગી પડવાનો ડરઃ ડેકોરેશનના ધંધાર્થી
  • રાજકોટ શહેરમાં જાન્યુઆરી મહિનામાં લગભગ 500થી વધુ લગ્નના બુકિંગ થયા છે

ગુજરાતમાં કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર દ્વારા સંક્રમણ અટકાવવા માટે નિયંત્રણો મૂકવામાં આવ્યા છે. જેમાં સામાજિક, ધાર્મિક કે રાજકીય કાર્યક્રમ અંદર 400 લોકોની સંખ્યા ઘટાડીને 150 કરી દેવામાં આવી છે. સરકારના આ નિયંત્રણ નિર્ણયથી બે દિવસ બાદ શરૂ થતી લગ્નસરાની સિઝનમાં અનેક ધંધાર્થીઓને આર્થિક નુકસાન થવાનું સામે આવી રહ્યું છે. જેમાં રાજકોટની અંદર હોટેલ, પાર્ટીપ્લોટ, કેટર્સ, ડેકોરેશન, મંડપ સર્વિસ સહિત ધંધાર્થીઓને કુલ 4 કરોડથી વધુ ફટકો થયાનો અંદાજ આંકવામાં આવી રહ્યો છે.

વેડિંગ ઇવેન્ટ વ્યવસાયકારોને ફરી મોટો ફટકો પડ્યો
રાજકોટ સહિત રાજ્યના 10 શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ લદાતા રાત્રિ લગ્ન આયોજનમાં પણ કર્ફ્યૂનું ગ્રહણ લાગી ગયું છે. આગામી 14 જાન્યુઆરી બાદ કમુરતા ઉતરતાની સાથે જ લગ્નસરા સિઝન શરૂ થવા જઇ રહી છે. ત્યારે ફરી સામાજિક, ધાર્મિક કે રાજકીય કાર્યક્રમોમાં 400ના બદલે 150 લોકોની જ છૂટ આવતા વેડિંગ ઇવેન્ટ વ્યવસાયકારોને ફરી મોટો ફટકો પડ્યો છે. રાજકોટ શહેરમાં જાન્યુઆરી મહિનામાં લગભગ 500થી વધુ લગ્નના બુકિંગ થયા છે. જેમાં હવે 400ના બદલે 150 લોકોની જ છૂટ મળતા લગ્નની ઇવેન્ટમાં જોડાયેલા લગભગ 20થી વધુ ધંધાર્થીઓને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવશે. જેમાં એક અંદાજ મુજબ જાન્યુઆરી માસ દરમિયાન આ ગાઇડલાઇન લાગુ રહેતા 15 દિવસના લગ્નના 9 જેટલા મુહૂર્તની અંદર 4 કરોડથી વધુનો ફટકો પડે તેવું સામે આવી રહ્યું છે.

સરકારની નવી SOPથી પાર્ટીપ્લોટધારકોને નુકસાની.
સરકારની નવી SOPથી પાર્ટીપ્લોટધારકોને નુકસાની.

નવેમ્બર-ડિસેમ્બરમાં ધંધાર્થીઓને બે વર્ષ જેટલું કમાવાનો સમય મળ્યો
દિવાળી પછી નવેમ્બર-ડિસેમ્બરમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં લગ્નની મોસમ પૂરબહારમાં ખીલી હતી અને આ બે મહિનામાં હજારો લગ્નના કારણે વેડિંગ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા તમામ ધંધાર્થીઓને બે વર્ષ જેટલું કમાવાનો સમય મળ્યો હતો. આ ઉપરાંત જે પરિવારમાં પ્રસંગો લંબાયા હતા અને જાન્યુઆરી ફેબ્રુઆરીમાં પણ સારા મુહૂર્તો હોવાના લીધે હજારો લગ્ન કર્યા હતા. પરંતુ છેલ્લા એક સપ્તાહથી કોરોનાના કેસમાં બમણો ઉછાળો આવતા ફરી લગ્ન પ્રસંગમાં કોરોનાનું વિઘ્ન આવ્યું છે. જેને લઇને સરકાર નિયંત્રણો જાહેર કરે તે પૂર્વે જ મોટાભાગના પરિવારોએ લગ્ન પ્રસંગની ઝાકમઝોળ ટૂંકાવીને હવે સાદાઈથી જ લગ્ન કરવાનો નિર્ણય લેતાં જેની સીધી અસર વેડિંગ ઇન્ડસ્ટ્રીઝ ખાસ કરીને કેટરિંગના ધંધાર્થીઓ પર પડી છે.

સાઉન્ડ એન્ડ ડોકેરેશનના ધંધાર્થી અલ્કેશભાઈ.
સાઉન્ડ એન્ડ ડોકેરેશનના ધંધાર્થી અલ્કેશભાઈ.

કામે રાખેલા શ્રમિકો માટે ચિંતાનો વિષય બન્યોઃ સાઉન્ડ એન્ડ ડોકેરેશનના ધંધાર્થી
સાઉન્ડ એન્ડ ડોકેરેશનના ધંધાર્થી અલ્કેશભાઈએ જણાવ્યું હતું કે અમારો ધંધો રાત્રિના સમયનો ધંધો છે. સાંજના 7થી રાત્રિના 12 વાગ્યા સુધીનો મુખ્ય ધંધો છે. પ્રથમ 10 વાગ્યાનું કર્ફ્યૂ અને હવે 150 લોકોની મર્યાદાના નિર્ણયથી અમારા બુકિંગ કેન્સલ થવાનો ડર છે. બે વર્ષ બાદ શરૂ થયેલો ધંધો ડિસેમ્બર મહિનામાં સારી રીતે કરી શક્યા. પરંતુ ફરી અમારો આ ધંધો પડી ભાંગશે જેનો અમને ડર છે. અમારી સાથે સાથે અમારા મજૂરો માટે પણ આ એક ચિંતાનો વિષય બની જશે.

થર્ડ વેવની લપેટમાં વધુ એક વખત વેડિંગ ઇન્ડસ્ટ્રીઝના આ લોકોને આર્થિક નુકસાની
1. આમંત્રણ પત્રિકા ડિઝાઇન અને પ્રિન્ટ કરનાર
2. બગ્ગીવાળા
3. બેન્ડવાજા વાળા
4. ડીજે
5. ડીઝલ જનરેટરવાળા
6. ડીજેના ટેમ્પો વાળા
7. રસોઈયા
8. પીરસવાવાળા
9. ઇલેક્ટ્રિશિયન
10. ફોટોગ્રાફર્સ
11. વીડિયો ગ્રાફર્સ
12. શૂટ, શેરવાની, શાફા વગેરે ભાડે આપનાર
13. રેડીમેઈડ કપડાંના વેપારી
14. બ્યુટિપાર્લર સંચાલક અને તેમના સહાયકો
15. એન્કર્સ
16. મહેંદી આર્ટિસ્ટ
17. આમંત્રણપત્રિકા પહોંચાડતી કુરિયર સેવાઓ
18. ડેરી ફાર્મ અને તેના સહાયકો
19. આઇસ્ક્રિમ, ગોલા, જ્યૂસ, સોડા, કોફી વગેરે સપ્લાયર
20. માણસો તથા માલસામાનનાં ટ્રાન્સપોર્ટ કરનાર રિક્ષા, બસ, બોલેરો ટેક્સી વગેરેના ધંધાર્થી

અન્ય સમાચારો પણ છે...