ઠગાઈ:ધનંજય ફાઇનાન્સના સંચાલકોની 17 રોકાણકાર સાથે 4 કરોડની છેતરપિંડી, દંપતી સહિત ત્રણ સામે ગુનો નોંધાયો

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • સારા વળતરનું પ્રલોભન આપી રોકાણકારો પાસેથી નાણાં ઉઘરાવી 2015 થી 2019 સુધી વળતર ચૂકવ્યા બાદ હાથ ઊંચા કરી દીધા

નાનામવા રોડ પર ધનંજય ફાઇનાન્સ નામે ઓફિસ શરૂ કરી રોકાણકારોને સારું વળતર આપવાની લાલચ આપી મંડળીના સંચાલકોએ 17 રોકાણકાર પાસેથી રૂ.4 કરોડથી વધુ રકમ ઉઘરાવી ત્રણ વર્ષ સુધી વળતર આપ્યા બાદ રકમ આપવામાં હાથ ઊંચા કરી દેતા મામલો પોલીસમાં પહોંચ્યો હતો. રૈયારોડ પર આલાપ ગ્રીનસિટી સામે રહેતા જયંતીલાલ અમરશીભાઇ બેચરા (ઉ.વ.48)એ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે હાલમાં સુરત રહેતા ધનંજય ફાઇનાન્સ લિ. ના ડાયરેક્ટર ઘનશ્યામ વલ્લભ પાંભર, તેના પત્ની અસ્મિતા અને પિતા વલ્લભ લાલજી પાંભરના નામ આપ્યા હતા.

ફરિયાદમાં જણાવ્યું હતું કે, છ વર્ષ પહેલા ઘનશ્યામ પાંભરનો પરિચય થતા તેણે કહ્યું હતું કે, નાનામવા રોડ પર સાંકેતપાર્ક રાજ રેસિડેન્સીની સામે ધનંજય નાગરિક ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટી નામે મંડળી ચલાવે છે અને ધનંજય ડેવલોપર્સ, ધનંજય ઇન્ફ્રાટેક પ્રા.લિ. નામે જમીન, મકાન લેવેચનું તેમજ કન્સ્ટ્રક્શન અને ઇન્વેસ્ટમેન્ટનું કામ કરે છે અને રોકાણકારોને દર મહિને દોઢ ટકા લેખે સારું વળતર આપે છે. ઘનશ્યામની લોભામણી લાલચમાં ફસાઇ જયંતીલાલે રૂ.25 લાખનું રોકાણ કર્યું હતું

તેમજ તેના ભાઇ વિપુલ બેચરા પાસે રૂ.18.50 લાખ, સાળા કમલેશ માધવજી રામોલિયા પાસે રૂ.1.17 કરોડ, બનેવી દિનેશ ત્રિભુવન ફેફર પાસે રૂ.8 લાખ અને ગિરીશ રવજી બારૈયા પાસે રૂ.3.50 લાખનું રોકાણ કરાવ્યું હતું. વર્ષ 2015 થી 2019 સુધી મંડળીના સંચાલકોએ વળતર ચૂકવ્યું હતું પરંતુ ત્યારબાદ વળતર આપવાનું બંધ કરી દીધું હતું, અને સંચાલકોએ મોબાઇલ પણ સ્વિચઓફ કરી દઇ સુરત જતા રહ્યા હતા, બે વર્ષ સુધી રાહ જોઇ હતી.

વિસેક દિવસ પૂર્વે જયંતીલાલ મંડળીની ઓફિસે ગયા હતા ત્યારે અન્ય લોકોએ સંચાલન સંભાળી લીધાની જાણ થઇ હતી તેમજ ઘનશ્યામ પાંભરે અન્ય 12 લોકો પાસેથી પણ નાણાં ઉઘરાવ્યા હતા તે તમામ લોકો પણ ઓફિસે આવ્યા હતા અને જયંતીલાલ અને તેના પરિચિત ચાર વ્યક્તિ તેમજ અન્ય બાર વ્યક્તિ મળી કુલ 17 લોકો સાથે 4,04,95,000ની છેતરપિંડી થયાનું સ્પષ્ટ થયું હતું. પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.

આધેડે જમીન વેચી રોકાણ કર્યું હતું
જયંતીલાલ બેચરાએ કહ્યું હતું કે, મંડળીના સંચાલક ઘનશ્યામે ઊંચા વળતરની ખાતરી આપતા પડધરીના ઉકરડા ગામે આવેલી તેમની ખેતીની જમીન વેચીને તેમજ ઓવરડ્રાફ્ટ મેળવી રૂ.25 લાખ ઘનશ્યામને મંડળીમાં આપ્યા હતા તે રકમ ગઇ હતી અને જમીન પણ ગુમાવી હતી. દોઢ વર્ષ પહેલા ઓફિસ બંધ કરી ત્યારે એવા બહાના કાઢવામાં આવ્યા હતા કે હાલમાં આર્થિક સંકડામણ છે, મિલકત વેચીને પૈસા આપી દેશું જોકે બાદમાં હાથ ઊંચા કરી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...