શહેરમાં હાલ ગુનાહિત પ્રવૃત્તિમાં સાયબર ક્રાઇમના બનાવોનો સતત વધારો થતો જાય છે. સાયબર ફ્રોડની સાથે સટોડિયાઓ, જુગારીઓ ઓનલાઇન જુગાર રમાડવા માટે વિવિધ નામોના આઇડી બનાવી લોકોને જુગાર રમાડતા હોવાના બનાવો પણ ખૂબ જ વધી રહ્યાં છે. ત્યારે આવી જ ગુનાહિત પ્રવૃત્તિની માહિતી બાદ પોલીસે દોઢસો ફૂટ રિંગ રોડ, ઓમનગર સર્કલ પાસે ધરમનગર-1માંથી લાકડાં વેચવાનો ધંધો કરતા મયૂર મંગા ખુશ્બા, દરજી કામ કરતા ધીરજ સવજી ઝાલા, દાબેલીની રેંકડી રાખી ખાણીપીણીનો વેપાર કરતો કમલેશ મનજી મકવાણા અને કડિયાકામ કરતો ગોવિંદ મોહન સારોલા નામના શખ્સોને પકડી પાડ્યા હતા.
પોલીસ પૂછપરછમાં મયૂર, ધીરજ અને કમલેશે વરલી ફીચરનો જુગાર રમાડવા માટે મોબાઇલમાં જન્નત નામની આઇડી બનાવી જુગાર રમવાના શોખીનો પાસેથી સોદા લઇ જુગાર રમાડતા હતા. જ્યારે ગોવિંદ જુગાર રમવા આવ્યો હોવાનું જણાવ્યું હતું. પોલીસે ચારેય શખ્સ પાસેથી રોકડા રૂ.16,500, ચાર મોબાઇલ તેમજ જુગારના સાહિત્ય મળી કુલ રૂ.35,500નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી છે.
જ્યારે સાધુવાસવાણી મેઇન રોડ પર એક શખ્સ ક્રિકેટ સટ્ટો રમતો હોવાની માહિતીના આધારે પોલીસે આ જ વિસ્તારના નટરાજનગર-13મા રહેતા જયેશ ડાયા રાતડિયાને પકડી પાડ્યો હતો. પૂછપરછમાં તેને ગૂગલ ક્રોમમાં સાઇટ પરથી આઇડી બનાવી આઇપીએલના ચેન્નઇ-બેંગ્લુરુ વચ્ચેના મેચમાં ઓનલાઇન સેશન્સ, હારજીતના સોદાઓ કરી સટ્ટો રમતો હોવાનું જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.