કોરોના અપડેટ:વિદેશથી આવેલી 2 યુવતી સહિત રાજકોટમાં કોરોનાના 4 કેસ નોંધાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જર્મની-દુબઈથી આવેલી બે યુવતી અને ગીતાનગર અને ઘંટેશ્વરના બે વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, મોરબીમાં એક વૃદ્ધ કોરોનાગ્રસ્ત

રાજકોટ શહેરમાં છેલ્લા બે જ દિવસમાં કોરોનાના કેસે ગતિ પકડી છે અને તેમા પણ વિદેશથી આવેલી બે યુવતીને પોઝિટિવ આવતા તંત્ર દોડતું થયું છે. આરોગ્ય શાખાના જણાવ્યા અનુસાર જર્મનીથી 4 દિવસ પહેલા જ રાજકોટ આવેલી 29 વર્ષીય યુવતી બીમાર પડતા તેના સેમ્પલ લેવાયા હતા જેમાં કોરોનાનું નિદાન થયું છે. તેઓ હાલ યુનિવર્સિટી રોડ પર રહે છે અને હોમ ક્વોરન્ટાઈન છે.

આ ઉપરાંત દુબઈથી સપ્તાહ પહેલા આવેલા 27 વર્ષના યુવતીનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ બંને દેશમાં કોરોનાની સ્થિતિ કાબૂમાં જ છે પણ આરોગ્ય શાખાને શંકા છે કે વિદેશથી ભારત સુધીમાં ટ્રાવેલિંગ દરમિયાન કોઇનો ચેપ લાગી ગયો હોઇ શકે. આ ઉપરાંત ગોંડલ રોડ ગીતાનગરમાં રહેતા 58 વર્ષીય અને ઘંટેશ્વર ગામે રહેતા 62 વર્ષીય બે વૃદ્ધાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે જોકે આ બંને કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી તેમજ તાજેતરમાં કોઇ પોઝિટિવ દર્દીના સંપર્કમાં ન આવ્યા હોવાનું પણ કહે છે.

હાલની સ્થિતિ રાજકોટમાં એક્ટિવ દર્દીઓની સંખ્યા 10 થઈ ગઈ છે હવે કેસ ન વધે તે માટે ફરીથી સર્વેલન્સ મજબૂત કરવામાં આવશે તેવું તબીબો જણાવી રહ્યા છે. મોરબીમાં પણ રવિવારે કોરોનાનો એક કેસ નોંધાયો હતો. જેમાં 86 વર્ષના એક વૃદ્ધની તબિયત બગડતા ટેસ્ટ કરાયો હતો. જેમાં કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. તેમણે વેક્સીનના બન્ને ડોઝ લીધા હોવાથી સ્થિતિ ગંભીર બની નથી.

અન્ય સમાચારો પણ છે...