આજે યુવા દિવસની દેશભરમાં ઉજવણી થઈ રહી છે. ત્યારે ગુજરાતના 8 જિલ્લાના જુનિયર ભાઈઓ અને બહેનોની રાજ્યકક્ષાની તૃતીય ઓસમ આરોહણ-અવરોહણ સ્પર્ધાનો ધોરાજી તાલુકાના નાયબ કલેક્ટર જયેશ લીખિયાએ ઓસમ તળેટી ખાતેથી ફ્લેગ ઓફ આપીને શુભારંભ કરાવ્યો હતો. જેમાં 10.08 મિનિટનો જૂનો રેકોર્ડ તોડીને 9.34 મિનિટના રેકોર્ડ સાથે ભાઈઓમાં પ્રથમ ક્રમાંકે મેર ચેતન, દ્વિતીય ક્રમાંકે 10.49 મિનિટ સાથે ડાભી રણછોડ અને તૃતીય ક્રમાંકે 10.51 મિનિટ સાથે કાલરીયા ક્રિશ વિજેતા જાહેર થયા હતા.
બહેનોમાં પ્રથમ ત્રણ વિજેતા
જ્યારે બહેનોમાં 14.04 મિનિટનો જૂનો રેકોર્ડ તોડીને 13.35 મિનિટના નવા રેકોર્ડ સાથે પ્રથમ ક્રમાંકે ચૌહાણ યશના, દ્વિતીય ક્રમાંકે 13.41 મિનિટ સાથે બાવળિયા ત્રિશા અને તૃતીય ક્રમાંકે 13.45 મિનિટ સાથે પામકા કૃપા ઓસમ આરોહણ સ્પર્ધામાં વિજેતા થયા હતા.
8 જિલ્લાના સ્પર્ધકોએ ભાગ લીધો હતો
આ સ્પર્ધામાં રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, મોરબી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ, જામનગર એમ કુલ 8 જિલ્લામાંથી 14 વર્ષથી 18 વર્ષના 252 ભાઈઓ તથા 162 બહેનો સહિત 414 ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં સ્પર્ધકોએ ઓસમ ડુંગર ઉપર આવેલાં માત્રી માતાના મંદિરથી ટપકેશ્વર મહાદેવ થઈ તળેટીએ પરત પહોંચવાનું હતું.
આ સ્પર્ધામાં 53 શિક્ષક અને 30 સ્વયંસેવક જોડાયા હતા
સંપૂર્ણ ખેલદિલી સાથે સ્પર્ધામાં જોડાયેલા ખેલાડીઓને ચેસ્ટ નંબર આપવાથી માંડી સેકન્ડ ટુ સેકન્ડ સમય સાથેનું રિઝલ્ટ આધુનિક ટેકનોલોજીની મદદથી રેડિયો ફ્રિકવન્સી ચીપ સીસ્ટમ સાથે પરિણામ તૈયાર કરવામાં આવ્યું હતું. આ સિસ્ટમનો ઉપયોગ હાલ પોલીસ ભરતી માટે થઈ રહ્યો છે. ખેલાડીઓની સુરક્ષા માટે સીસીટીવી કેમેરાથી સંપૂર્ણ સ્પર્ધાનું સુપરવિઝન કરવામાં આવ્યું હતું. વધુમાં સ્પર્ધામાં સુચારૂ વ્યવસ્થા તથા સ્પર્ધકોનો ઉત્સાહ વધારવા માટે આશરે 53 શિક્ષકો તથા 30 સ્વયંસેવકો જોડાયા હતા.
પ્રથમ નંબરે વિજેતાના 25 હજારનું ઇનામ અપાયું
આ તકે રાજ્ય સરકાર દ્વારા સ્પર્ધામાં પ્રથમ નંબરે વિજેતા થયેલ ખેલાડીને રૂ.25000, દ્વિતિય નંબરને રૂ.20000 તૃતિય નંબરને રૂ.15000 એમ કુલ મળી 1થી 10 નંબર સુધી વિજેતા થયેલ ખેલાડીઓને કુલ રૂ.2,34,000ના રોકડ ઈનામો, પ્રમાણપત્ર અને ટ્રોફી એનાયત કરી સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ઉપરાંત સમય મર્યાદામાં પૂર્ણ કરેલ સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.
2019થી પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે
ઉલ્લેખનીય છે કે, ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં પર્વતારોહકને પ્રોત્સાહન આપવા માટે ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગાંધીનગર દ્વારા વર્ષ 2019થી પર્વતારોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. ગુજરાતમાં જુનાગઢ, ચોટીલા, પાવગઢ, ઇડર સહિત ઓસમ ડુંગર ખાતે આરોહણ-અવરોહણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.