રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાંચ મહિના બાદ લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજાઇ હતી. જેમાં કુલ 39 કેસનું હિયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 5 કેસમાં ફોજદારી ફરિયાદ નોંધવા કલેક્ટરે હુકમ કર્યો હતો. જેમાં ગ્રામ્ય વિસ્તારના 3 કેસ અને શહેરી વિસ્તારના 2 કેસનો સમાવેશ થાય છે.
5 કેસ પેન્ડિંગ રાખવાનો નિર્ણય કરાયો
રાજકોટ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને લેન્ડ ગ્રેબિંગ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. જેમાં કુલ 39 કેસોનું હિયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી સરકારી જમીનના 2 સહિત ગ્રામ્ય વિસ્તારના 3 કેસ તથા શહેરી વિસ્તારના 2 કેસ મળી કુલ 5 કેસમાં ફરિયાદ નોંધવાનો જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ હુકમ કર્યો હતો. જ્યારે પાંચ કેસ પેન્ડિંગ રાખવાનો નિર્ણય કરાયો હતો. 29 કેસ દફ્તરે કરવામાં આવ્યા હતા. એટલે કે લેન્ડ ગ્રેબિંગ સમિતિના નિર્ણય મુજબ પાંચ કેસમાં ટૂંક સમયમાં ફોજદારી ફરિયાદ નોંધાવાની કાર્યવાહી હાથ ધરાશે.
80 જેટલા કેસનું હિયરિંગ હજુ પણ બાકી
લેન્ડ ગ્રેબિંગની ફરિયાદના 120 પેન્ડિંગ કેસમાંથી 39 કેસનું હિયરિંગ થતા 80 જેટલા કેસનું હિયરિંગ હજુ પણ બાકી હોવાની હકિકત સામે આવી છે. આ કેસના હિયરિંગ માટે આવતા સપ્તાહમાં ફરી લેન્ડ ગ્રેબિંગ કમિટીની બેઠક યોજાશે અને કમિટીની ચર્ચા બાદ તેનું નિરાકરણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણીના કારણે આ બેઠક મળી શકી નહોતી. માટે હવે ફરી બેઠક શરૂ કરી લેન્ડ ગ્રેબિંગ અરજીનું નિરાકરણ કરવામાં આવી રહ્યું છે.
2020માં રૂપાણી સરકારમાં લેન્ડ ગ્રેબિંગનો કાયદો બન્યો
ઓગસ્ટ 2020 રાજ્યની કેબિનેટ બેઠકમાં ભૂમાફિયાઓ પર અંકુશ મેળવવા માટે સરકારે ર્નિણય કર્યો હતો. આ માટે લાવવામાં આવેલાં લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબિશન એક્ટને કેબિનેટે મંજૂરી આપી દીધી હતી. આ કાયદામાં જમીન હડપનારને 10થી 14 વર્ષની સજાની જોગવાઈ છે. કોર્ટમાં લેન્ડ ગ્રેબિંગ કેસનો ચુકાદો 6 માસમાં આવશે. આ કાયદા હેઠળ ગેરકાયદેસર કબ્જો લેનાર, આ જમીન ઉપર બાંધકામ માટે નાણાકિય સહાય કરનાર, તેમજ ભોગવટેદારો પાસેથી ધાક-ધમકીથી ભાડુ, વળતર કે અન્ય વસૂલાત કરનાર અને તેમાં મદદગારી કરનાર એવા તમામને જમીન પચાવી પાડનારની વ્યખ્યામાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.