સ્નાયુનો દુખાવો અને એસિડીટી મુખ્ય કારણ:હાર્ટએટેકના નિદાન માટે મનપાના આરોગ્ય કેન્દ્રમાં 3 જ દી’માં 37 લોકોએ કરાવ્યું ઈસીજી

રાજકોટ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક પણ દર્દીમાં હૃદયરોગના લક્ષણો હતા નહિ, સ્નાયુનો દુખાવો અને એસિડીટી મુખ્ય કારણ

ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામથી હાર્ટએટેકનું ઝડપી નિદાન થાય છે અને સારવાર અપાય છે. હાલ હાર્ટએટેકના જે રીતે કેસ વધ્યા છે તેને લઈને ઝડપી નિદાન અને સારવાર માટે રાજકોટ મહાનગરપાલિકાએ તમામ આરોગ્ય કેન્દ્રોમાં ઈલેક્ટ્રોકાર્ડિયોગ્રામ મશીન મુકાવ્યા છે. આ મશીન કાર્યરત થતા માત્ર 3 જ દિવસમાં 37 લોકો છાતીમાં દુખાવાની સમસ્યા સાથે આવ્યા હતા અને તમામના ઈસીજી રિપોર્ટ કરાવાયા હતા.

રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય અધિકારી ડો. જયેશ વંકાણીના જણાવ્યા અનુસાર વિવિધ આરોગ્ય કેન્દ્રમાં છાતીના દુખાવા સાથે લોકો આવતા તુરંત જ ઈસીજી કરવામાં આવી રહ્યા છે. જેથી જો હાર્ટએટેકની સંભાવના હોય તો તુરંત જ ઝડપી પ્રાથમિક ઉપચાર અને રીફર કરવાની પ્રક્રિયા હાથ ધરી શકાય. મશીન મુકાયાના 3 દિવસમાં 37 લોકોની ચકાસણી કરવા માટે ઈસીજી કરાયા છે જોકે એકપણ કેસમાં હૃદયરોગનો હુમલો કે પછી તેને લગતા કોઇ લક્ષણ જોવા મળ્યા નથી. મોટાભાગના કેસમાં એસિડિટી તેમજ સ્નાયુના દુખાવા સહિતની સમસ્યા હોય છે જેની સારવાર અપાય છે.

તબીબો જણાવે છે કે, છાતીનો દરેક દુખાવો હાર્ટએટેક હોતો નથી એટલે ગભરાયા વગર તુરંત જ નિદાન કરાવવું જોઈએ. ઘણા કેસમાં દર્દીઓ ગભરાઈ જતા હોય છે જેનાથી નિદાન અને સારવાર સરળ બનવાને બદલે વધુ અઘરી બને છે.

યુવાનો- રમતવીરોમાં વધતા હાર્ટએટેકના કિસ્સાની તપાસ માટે SIT રચો
હાલમાં યુવાનો અને રમતવીરોને આવેલા હાર્ટએટેકની તપાસ માટે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ડૉ.નિદત બારોટે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પત્ર લખી માગણી કરી છે.

તેમાં જણાવ્યું છે કે, છેલ્લા થોડા સમયમાં રાજ્યમાં ઘણા વિસ્તારમાંથી મેદાનોમાં હસતા રમતા યુવાન અચાનક હાર્ટએટેકનો શિકાર બને અને હોસ્પિટલ સુધી પણ ન પહોંચી શકે આ સામાન્ય ઘટના ગણવી જોઈએ નહિ. રાજ્ય સરકારની મેડિકલ કોલેજો અને રાજ્યના નિષ્ણાત કાર્ડિયોલોજિસ્ટ ડોક્ટરોની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બનાવવી જોઈએ.

આ ટીમ તલસ્પર્શી અભ્યાસ કરે, શક્ય હોય તો યોગ્ય તારણો સુધી પહોંચી અને કોઈ ચોક્કસ ગાઈડલાઈનો સાથે રિપોર્ટ આપે તો ભવિષ્યમાં આવી દુઃખદ ઘટનાઓ નિવારી શકાય. આપણે દારૂ પકડાય તેવી ઘટનાઓમાં પણ SIT બનાવતા હોઈએ છીએ ત્યારે આવા અતિ સંવેદનશીલ વિષયમાં SIT બને તે જરૂરી છે. આપનું આ પગલું ઘણાના જીવન બચાવવા માટે ઉપયોગી સાબિત થશે.

ઈસ્ટ ઝોનમાં માત્ર 2 અને સેન્ટ્રલ ઝોનમાંથી 21 દર્દીએ કરાવ્યા ઈસીજી
ઈસીજી અંગે જાગૃતિ પણ સેન્ટ્રલ ઝોનમાં જ વધુ જોવા મળી છે. જે 37 દર્દી આવ્યા છે તે પૈકી 21 દર્દી ફક્ત સેન્ટ્રલ ઝોનના જ આરોગ્ય કેન્દ્રના છે. જ્યારે સૌથી વધુ 9 દર્દીનારાયણનગર આરોગ્ય કેન્દ્રમાં ગયા છે. વેસ્ટ ઝોનમાં આવતા આરોગ્ય કેન્દ્રમાં 9 દર્દી જ્યારે સૌથી ઓછા માત્ર 2 દર્દી ઈસ્ટ ઝોનમાં નોંધાયા છે. એક એક દર્દી રામપાર્ક અને પ્રણામી ચોક આરોગ્ય કેન્દ્રમાં ગયા છે.

અન્ય સમાચારો પણ છે...