તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સર્વે:36% બાળકો, 45% તરુણો અને 27% યુવાનો ક્રોનીક સ્ટ્રેસના શિકાર, આ સ્ટ્રેસના કારણે લોકોનું મગજ સુનમુન થઈ જાય છે

રાજકોટ12 દિવસ પહેલા
પ્રતીકાત્મક તસ્વીર  
 • સૌ.યુનિ.ના મનોવિજ્ઞાન ભવને કરેલા 1080 લોકોના સર્વેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા

કોરોના, લોકડાઉન અને આર્થિક મુશ્કેલીઓના કારણે લોકોમાં સ્ટ્રેસનું પ્રમાણ જોવા મળ્યું, આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના માર્ગદર્શનમાં વિદ્યાર્થી એન.આર. પટેલ અને કર્તવી ભટ્ટ દ્વારા લોકોને રૂબરૂ મળી અને ટેલિફોનિક સંપર્ક કરી સર્વે કર્યો જેમાં 243 બાળકો હતા જેમની ઉંમર 11 થી 14 વર્ષની હતી, 153 તરુણો 15 થી 17 વર્ષના, 18 થી 45 વર્ષના 234 યુવાનો, 46 થી 60 વર્ષના 270 પ્રૌઢ અને 60 થી વઘુ ઉંમરના 180 વૃધ્ધો આમ 1080 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સર્વેમાં ક્રોનીક સ્ટ્રેસના શિકાર બનેલા લોકો અંગે ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.

ક્રોનીક સ્ટ્રેસ એટલે શું?
સ્ટ્રેસ એ મનોવૈજ્ઞાનિક અને શારીરિક પ્રતિક્રિયા છે જે અસામાન્ય અને મુશ્કેલ પરિસ્થિતિમાં સામે છે. આવી રીતે જો તનાવપૂર્ણ પરિસ્થિતિ વારંવાર પેદા થાય ત્યારે તે ક્રોનીક સ્ટ્રેસમાં તબદીલ થઇ જાય છે.એક સાંધીએ અને તેર તૂટે કહેવત ક્રોનિક સ્ટ્રેસ દર્શાવે છે ક્રોનીક સ્ટ્રેસ એ મનોવૈજ્ઞાનિક અને શારીરિક પ્રતિક્રિયા છે જે અસામાન્ય અને મુશ્કેલ પરિસ્થિતિમાં સામે છે. સરળ શબ્દોમાં કહીયે તો સ્ટ્રેસ કે તણાવનું કારણ રોજની ઘટનાઓ હોય શકે.

મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડો.યોગેશ જોગસણના

શારીરિક અને માનસિક બીમારી થઈ શકે
ઉદાહરણ તરીકે: ઇન્ટરવ્યુ આપવા જવું, નોકરી માંથી કાઢી મુકવાની ચેતવણી મળવી, આઇફોન નીચે પડી જવો, બાળકોને વાગવું, એક્સિડન્ટ થવું, પેટ સાફ ન હોવું, મિત્રને મળવા જવામાં મોડું થવું અને વધતું વજન વગેરે.જો તનાવપૂર્ણ પરિસ્થિતિ વધુ ચાલે તો વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ અસર થાય છે, ડાયાબિટીસ, હાર્ટએટેક, અલ્સર તેમજ અનેક શારીરિક અને માનસિક બીમારી થઈ શકે છે.

પ્રતિક્રિયા અને લાગણીઓને નિયંત્રિત કરે
અમુક માત્રામાં સ્ટ્રેસ હોય તે સારો કહેવાય જેને મનોવિજ્ઞાનમાં પોઝિટિવ સ્ટ્રેસ કહે છે. જે તમને આગળ વધવામાં મદદ કરે છે. પરંતુ જ્યારે આ સ્ટ્રેસ તમારા વિચારોની ક્ષમતાને ઘટાડી દે છે, તમને નબળા બનાવે છે ત્યારે તે સ્ટ્રેસને નકારાત્મક સ્ટ્રેસ કહે છે.નકારાત્મક સ્ટ્રેસની પ્રતિક્રિયા આપણા મગજમાંથી આવે છે. આપણાં મગજમાં હાયપોથેલેમસ હોય તે આપણાં શરીરની પ્રતિક્રિયા અને લાગણીઓને નિયંત્રિત કરે છે. જે આપણા શરીરના નર્વસ સિસ્ટમનું પણ કેન્દ્ર હોય છે. માટે સ્ટ્રેસ આવે ત્યારે ત્રણ રીતે આવે છે. જેમાં ચિંતા લક્ષણ, શારીરિક લક્ષણ અને ભાવનાત્મક લક્ષણ સામેલ હોય છે.

આ લોકોમાં સર્વે કરાયો

 • બાળકોમાં 36% લાંબા ગાળાનો સ્ટ્રેસ, 24% બાળકોમાં સ્ટ્રેસ અને 40% બાળકોમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
 • તરુણોમાં માં 45% લાંબા ગાળાનો સ્ટ્રેસ, 36% તરુણોમાં સ્ટ્રેસ અને 20% તરુણોમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
 • યુવાનોમાં 27% લાંબા ગાળાનો સ્ટ્રેસ, 36% યુવાનોમાં સ્ટ્રેસ અને 37% યુવાનોમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
 • પ્રૌઢમાં 18% ને લાંબા ગાળાનો સ્ટ્રેસ, 32% પ્રૌઢમાં સ્ટ્રેસ અને 50% પ્રૌઢમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
 • વૃદ્ધોમાં 13% લાંબા ગાળાનો સ્ટ્રેસ, 27% વૃદ્ધોમાં સ્ટ્રેસ અને 60% વૃદ્ધોમાં સામાન્ય સ્ટ્રેસ જોવા મળ્યો.
પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

તણાવની અસર શરીર અને મન પર પણ થાય છે
આ અંગે વિસ્તૃત માહિતી આપતા ડો.યોગેશ જોગસણ જણાવે છે કે,હાલના સમયમાં સૌથી વઘુ સ્ટ્રેસમાં તરુણોમાં છે, એક તો તેમની ઉંમરની અસર અને વધુમાં મહામારીના ભયજનક માહોલ ઘરમાં વડીલોની રોકટોકથી તેઓ સૌથી વઘુ કંટાળ્યા. માતાપિતા અને પરિવારના સભ્યોને વિનંતી કે સુઝબુઝ સાથેનો વ્યવહાર તરુણો સાથે કરે. કોઈક દિવસ તમારે ઓફીસ જલ્દી પહોંચવાનું હોય અને તમારે મોડું થાય છે. અને એમાં પણ તમારા સ્કુટરમાં પંચર પડે છે. રીક્ષા મળે છે. પરંતુ રિક્ષા તમારી ઓફીસ સુધી લઈ જવાની ના પાડે છે. ત્યારે તમને લાગે છે હવે ઑફિસ પહોંચવામાં મોડું થાય એમ છે. ત્યારે તમેં વિચારો છો કે ઓફિસમાં મેસેજ કે કોલ કરીને જણાવી દઈએ. આ બધાની વચ્ચે આ પરિસ્થિતિમાં જે તણાવમાં તમે રહ્યા તેની અસર તમારા મન અને શરીર પર કેવી પડી.

વારંવાર પેદા થતી તનાવપૂર્ણ પરિસ્થિતિ ક્રોનીક સ્ટ્રેસમાં તબદીલ થાય છે
વધુમાં તેઓ જણાવે છે કે, શા માટે તમારું મગજ એટલું તેજ કામ કરી રહ્યું હતું, જે તમારા શરીર માં તે પરિસ્થિતિ દરમિયાન થઈ રહ્યું હતું તે જ જ્યારે હરણની પાછળ વાઘ પડે છે ત્યારે હરણના શરીરમાં પણ તે જ પ્રકારના બદલાવ આવે છે. જ્યારે આપણા શરીરમાં હિંમતની જરૂર હોય ત્યારે તે પરિસ્થિતિ અનુસાર હિંમત આવી જ જતી હોઈ છે. તે જ રીતે આપણે જ્યારે અંધારામાં જોવું હોઈ ત્યારે આંખો ફોકસ કરી શકે છે. તેમ આપણું શરીર તણાવપૂર્ણ પરિસ્થિતિમાં તેનો સામનો કરવા સક્ષમ બને છે. સાદી ભાષામાં કહીએ તો જ્યારે મગજની સામે તનાવપૂર્ણ પરિસ્થિતિ આવે ત્યારે શરીરની જે ઉર્જા હોઈ તે પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરે છે. આવી રીતે જો તનાવપૂર્ણ પરિસ્થિતિ વારંવાર પેદા થાય ત્યારે તે ક્રોનીક સ્ટ્રેસમાં તબદીલ થઇ જાય છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

ક્રોનીક સ્ટ્રેસના લક્ષણો
1. ચિંતાના લક્ષણમાં વ્યક્તિ બેચેન રહે છે, એકાગ્રતા જળવાતી નથી, કેટલીક વાર એવું બને છે કે, વ્યક્તિનું મગજ સુનમુન થઈ ગયું હોય અને કોઈ પ્રતિક્રિયા આપી શકતું ન હોય.
2. શારીરિક લક્ષણમાં વ્યક્તિના શરીર પર અસર પડે છે. જેમ કે, ધડકન તેજ થવી, પેશાબ વારંવાર લાગવો, ગળું સુકાય જવું, ગભરાહટ થવી, પગમાં ખાલી ચડવી, ચેન ન પડવું, પેટમાં ગડબડ થવી,
3. ભાવનાત્મક લક્ષણમાં વ્યક્તિ આવેગ અસંતુલનનો અનુભવ કરે છે, મહત્વના નિર્ણય લેવામાં મુશ્કેલી, કાર્ય દરમિયાન ધ્યાન અન્ય વ્યક્તિ કે વસ્તુ પર જતું રહે છે.

ક્રોનીક સ્ટ્રેસની અસર કઈ રીતે થાય છે
એ નકારાત્મક સ્ટ્રેસ તમારા શરીરમાં અસર કરે છે જેનું ગંભીર પરિણામ આવી શકે છે. વ્યક્તિને ક્રોનીક સ્ટ્રેસમાં સાયકોસેમેટિક સ્ટ્રેસનો સામનો કરવો પડે છે. મતલબ કે તમારા મનની અસર તમારા શરીર પર પડે છે તો કેટલીક શારીરિક સમસ્યાઓ થાય છે. જેમ કે, એસીડીટી, અલ્સર, અસ્થમા અને ગેસ થવો વગેરે જેવી સમસ્યાઓ થાય છે.

વૈવાહિક સંબંધ પર અસર
ક્રોનીક સ્ટ્રેસ શરીરની સાથે વ્યક્તિના વૈવાહિક જીવનમાં પણ સમસ્યા પેદા કરે છે. જેમ કે સેક્સમાં રુચિ ઘટવી, અને પ્રજનનમાં સમસ્યા થવી.વ્યક્તિ સતત સ્ટ્રેસનો સામનો કરે છે તો તેને પ્રજનનને લગતા ડિસઓર્ડર થઈ શકે છે. મહિલાઓમાં પીરિયડ્સ અનિયમિત થવાની સમસ્યા અથવા સંપૂર્ણપણે બંધ પણ થઈ શકે છે. પુરુષોમાં સ્પર્મ કાઉન્ટ અને ટેસ્ટોસ્ટેરોન લેવલ ઘટે છે. તેમજ મહિલા ને પુરુષ બન્નેમાં જાતિય પ્રવૃત્તિ ઘટી જાય છે.

પ્રતીકાત્મક તસ્વીર
પ્રતીકાત્મક તસ્વીર

વ્યક્તિ વારંવાર તણાવ અનુભવે છે
ક્રોનીક સ્ટ્રેસના કારણે શરીરમાં કેટલાક પ્રકારની બીમારી થાય છે. રોગપ્રતિકારક ક્ષમતાને અસર થાય છે અને વ્યક્તિ વારંવાર બીમાર પડે છે. સાંભળ્યુ હશે કે, ડાયાબિટીસના દર્દીઓને ડિપ્રેશન વધુ થાય છે. કેમ કે, તેમની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે. ક્રોનીક સ્ટ્રેસ સૌથી વધુ રોગપ્રતિકારક શક્તિને અસર કરે છે. જેથી ઘણીવાર એવું બનતું હશે કે, અન્ય કારણસર વ્યક્તિ તણાવ અનુભવે છે અને તેમાંથી બહાર નીકળી શકતી નથી.હવે યુવાનોમાં સ્ટ્રેસના પ્રમાણની સાથે બાળકોમાં પણ સ્ટ્રેસનું પ્રમાણ વધ્યું છે.

ક્રોનીક સ્ટ્રેસનો સામનો કઈ રીતે કરવો

 • મનોવૈજ્ઞાનિકોની સલાહ લેવી.
 • સવારે કસરત, પ્રાણાયામ કરો, અથવા મોર્નિંગ વૉક પર જવાનું શરૂ કરો
 • પરિવાર, મિત્રો અથવા ગમતી વ્યક્તિ સાથે મનની વાત શેર કરો
 • પોતાના માટે સમય કાઢો જેમાં માત્ર તમને ગમતી પ્રવૃત્તિ કરો. જેમ કે તમારા રૂટિનથી અલગ કઈક કરો, ગાર્ડનીગ, ડ્રોઇંગ, આર્ટ એન્ડ ક્રાફટ, વગેરે
 • અન્ય લોકોની મદદ કરો
 • દારૂ, સિગારેટ અને કેફી પદાર્થોનું સેવન ન કરો
 • હકારાત્મક રહેવાની કોશિશ કરો. અને બીજા લોકોમાં હકારાત્મકતા કેળવાય તેવા કાર્ય કરો.
 • ટીવી, મોબાઈલ નો ઉપયોગ ઘટાડો અને આઉટડોર પ્રવૃત્તિઓ કરો
 • સારા પુસ્તકોનું વાંચન કરો.
 • અઠવાડીયું કે પંદર દિવસે પિકનીકનું આયોજન કરો અથવા પરિવાર સાથે બહાર જમવા જવું,
 • ગમતી વ્યક્તિને મળો અને તે સમયે મોબાઈલ કે અન્ય ગેજેટ્સનો ઉપયોગ ટાળો.

ક્રોનીક સ્ટ્રેસ ઘટાડવાના ઘરેલુ ઉપાય
તુલસીના પાનનો ઉપયોગ સ્ટ્રેસની સ્થિતિ ઘટાડવામાં મદદ કરશે. સવારે તુલસીના પાન ચાવવા અથવા ગરમ પાણીમાં થોડા પાન ઉમેરીને તાજુ પાણી પીવું. તુલસીની ચા પીને અથવા તુલસી સિવાય ગ્રીન ટીનું સેવન કરવાથી સ્ટ્રેસ પણ દૂર થાય છે. એક કપ ગ્રીન ટી સાથે મધ અને લીંબુ સ્ટ્રેસમાં રાહત મેળવવાનો ઉત્તમ માર્ગ છે. દરરોજ રાત્રે એક ગ્લાસ ગરમ દૂધમાં અશ્વગંધાનું મૂળ ઉકાળો. જે ઉંઘમાં પણ સુધારો કરશે અને સ્ટ્રેસ ઘટાડવામાં મદદ કરશે. મનોવિજ્ઞાન ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સીટી

અન્ય સમાચારો પણ છે...