ડિજિટલ ડિગ્રી:યુનિવર્સિટીના 3.54 લાખ વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રી ઓનલાઈન જોઈ-ડાઉનલોડ કરી શકશે

રાજકોટ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • કેન્દ્ર સરકારના ડીજી લોકર પોર્ટલ ઉપર હવે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના 2011 પછીના તમામ વિદ્યાર્થીઓની ડિગ્રી ઓનલાઈન જોવા મળશે
  • ​​​​​​​વિદ્યાર્થીઓ હવે દુનિયાના કોઈપણ ખૂણેથી એક ક્લિક કરી ડિગ્રી ઓનલાઈન મેળવી શકશે: હજુ 5 લાખથી વધુ ડિગ્રી અપલોડ કરાશે

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ હવે દુનિયાના કોઈપણ ખૂણેથી પોતે કરેલા કોર્સની ડિગ્રી ઓનલાઈન જોઈ અને ડાઉનલોડ પણ કરી શકશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ વર્ષ 2011થી 2021 સુધીના 3,54,834 વિદ્યાર્થીઓની ડિગ્રી કેન્દ્ર સરકારના પોર્ટલ ડીજી લોકર ઉપર અપલોડ કરી છે.

યુનિવર્સિટીની જુદી જુદી 12 ફેકલ્ટીની ડિગ્રીનો રેકોર્ડ ડીજી લોકર ઉપર અપલોડ કરી દીધો છે જેમાંથી વિદ્યાર્થીઓ પોતાની ડિગ્રી મેળવી શકશે. હજુ આગામી દિવસોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2010 પહેલાના વિદ્યાર્થીઓની ડિગ્રીઓ પણ ડીજી લોકર પોર્ટલ ઉપર અપલોડ કરશે. કુલ 5 લાખથી વધુ ડિગ્રીઓ અપલોડ કરવા માટે યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે તૈયારીઓ આરંભી છે.

દેશની તમામ યુનિવર્સિટીઓ અને શૈક્ષણિક સંસ્થાના વિદ્યાર્થીઓએ મેળવેલ ડિગ્રીનો યોગ્ય રીતે સંગ્રહ થઈ શકે તથા વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતાએ પોતાના ડિગ્રી સર્ટિફિકેટ્સનો જરૂરિયાત પ્રમાણે ઉપયોગ કરી શકે તે માટે, કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ અને યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના (યુજીસી) સંલગ્ન પ્રયાસથી તાજેતરમાં ડીજી લોકરમાં ડિગ્રી સર્ટિ. અપલોડ કરવા માટે દરેક શૈક્ષણિક સંસ્થાઓને જણાવ્યું હતું. જેના અંતર્ગત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ શૈક્ષણિક વર્ષ 2011 થી 2020 સુધીના જુદા-જુદા કોર્સના ડિપ્લોમાથી લઈને પી.એચડી સુધીના કુલ 3,54,834 વિદ્યાર્થીઓના ડિગ્રી સર્ટિફિકેટ ડીજી લોકર પર અપલોડ કર્યા છે.

વિદ્યાર્થીઓ ડીજી લોકર પર આવી રીતે મેળવી શકશે યુનિવર્સિટીની ડિગ્રી
વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ પોતાના મોબાઈલમાં કેન્દ્ર સરકારની ડીજી લોકર એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. એપ ડાઉનલોડ કર્યા બાદ તેના એજ્યુકેશન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે જેમાં દેશની તમામ યુનિવર્સિટીઓના નામ દેખાશે. જેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આઇકોન ઉપર ક્લિક કરવાથી ડિગ્રી ડાઉનલોડ કરવા માટેની સ્લાઈડ ખૂલશે. આ સ્લાઈડમાં વિદ્યાર્થીએ પોતાનો રોલ નંબર, રજિસ્ટ્રેશન નંબર અને પાસિંગનું વર્ષ આટલી વિગતો ભરીને સબમિટ કરવાથી જે-તે કોર્સની ડિગ્રી વિદ્યાર્થીને પોતાના મોબાઈલમાં જ જોવા મળશે. આ ડિગ્રી વિદ્યાર્થી ડાઉનલોડ અને ડીજી લોકર એપમાં સેવ પણ કરી શકશે.

ડીજી લોકરમાં દેશની 196, રાજ્યની 3 જ યુનિ. નોંધાયેલી
કેન્દ્ર સરકારના પોર્ટલ ડીજી લોકરમાં દેશભરમાંથી જુદી જુદી 196 યુનિવર્સિટી નોંધાયેલી છે જેમાંથી વિદ્યાર્થીઓ પોતાની માર્કશીટ અને ડિગ્રી ડાઉનલોડ કરી શકે છે જેમાંથી ગુજરાતમાંથી માત્ર ત્રણ જ યુનિવર્સિટીએ ડીજી લોકરમાં નોંધણી કરી છે. ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ બાદ રાજ્યની ત્રીજી યુનિવર્સિટી તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ડીજી લોકરમાં નોંધણી કરાવી 3.54 લાખ વિદ્યાર્થીઓની ડિગ્રી અપલોડ કરી છે. સૌથી વધુ જીટીયુએ 7 લાખથી વધુ ડિગ્રીઓ અપલોડ કરી છે.

કોઈપણ નોકરીના સ્થળે ડૉક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ સરળતા રહેશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ સરાહનીય કાર્યથી વિદ્યાર્થીઓ દુનિયાના કોઈ પણ ખૂણામાંથી તેમણે મેળવેલ ડિગ્રી સર્ટિફિકેટને પોતાની અનુકૂળતાએ ડાઉનલોડ કરી શકશે. નોકરીના સ્થળે ડૉક્યુમેન્ટ વેરિફિકેશનમાં પણ સરળતા રહેશે. ડીજી લોકર આઈટી એક્ટ-2000 અંતર્ગત વૈશ્વિક માન્યતા પ્રાપ્ત હોવાના કારણોસર તેની ખરાઈ સંદર્ભે કોઈ પ્રશ્ન ઉદ્દભવશે નહીં. વિદેશમાં અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓને એડમિશન પૂર્વે તેમની ડિગ્રી સર્ટિ.નું યુનિવર્સિટીમાંથી હાર્ડ કોપીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવું પડતું હતું. જેના કારણે વિદ્યાર્થીઓના સમય અને નાણાંનો વ્યય થતો હતો. ડીજી લોકર પર અપલોડ કરવામાં આવેલા ડેટાના કારણે ટૂંકા ગાળામાં જ ડોક્યુમેન્ટનું ડિજિટલી વેરિફિકેશન કરી શકાશે. જેથી વિદ્યાર્થીનો સમય અને નાણાંનો વ્યય થતા પણ અટકાવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...