પેપર મૂલ્યાંકન કામગીરી:3500 શિક્ષકો 20મીથી બોર્ડનાં પેપર ચેક કરશે

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સોમવારથી એક-બે વિષયના પેપર તપાસણી શરૂ કરાશે, બાકીના 1 એપ્રિલથી ચેક કરાશે

બોર્ડની પરીક્ષામાં હજુ માત્ર એક જ વિષયની પરીક્ષા ધોરણ 10 અને 12માં લેવામાં આવી છે પરંતુ બોર્ડની પરીક્ષા પૂર્ણ થાય તે પહેલા જ પેપરોનું મૂલ્યાંકન પણ શરૂ કરી દેવામાં આવનાર છે. આગામી તારીખ 20 માર્ચથી ધોરણ 10 અને 12ના કેટલાક વિષયોનું મૂલ્યાંકન શરૂ કરી દેવામાં આવનાર છે.

રાજકોટ જિલ્લાની કેટલીક શાળામાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્ર ફાળવાયું છે અને પેપર ચેક કરવા માટે હાલ 1400 જેટલા શિક્ષકોના ઓર્ડર કરાયા છે પરંતુ તમામ પેપર ચેક કરવા માટે અંદાજે 3500 જેટલા શિક્ષકો કામગીરીમાં જોડાશે. શિક્ષણબોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા બાદ પરિણામ પણ સમયસર જાહેર કરી દેવામાં આવે તે માટે કમર કસી છે અને પરીક્ષા દરમિયાન જ મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રો શરૂ કરી દેવાશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા હાલ બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં લેવામાં આવી રહી છે ત્યારે સૌથી પહેલા જે પેપર પૂરા થઇ જશે તે પેપરના મૂલ્યાંકન પણ શરૂ કરી દેવામાં આવનાર છે.

રાજકોટ જિલ્લામાં સોમવારથી પેપર મૂલ્યાંકન કામગીરી શરૂ કરી દેવામાં આવશે. આ માટે શિક્ષકોના ઓર્ડર પણ ઈશ્યુ કરાયા છે.રાજકોટ જિલ્લામાં શહેરની કેટલીક શાળાઓ ઉપરાંત પડધરી, ધોરાજી અને જસદણની સ્કૂલમાં પેપર મૂલ્યાંકનની કામગીરી કરવામાં આવશે. હાલ બોર્ડની પરીક્ષાનું ધોરણ-10 અને 12નું એક જ પેપર લેવાયું છે ત્યારે શિક્ષણ બોર્ડે પરીક્ષા દરમિયાન જ પેપર મૂલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવાનો નિર્ણય કર્યો છે. ધોરણ-10 અને 12ના જુદા-જુદા વિષયના પેપર જેમ-જેમ લેવાતા જશે તેમ તેમ ઉત્તરવહીઓ નક્કી કરેલા મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં મોકલાશે. જ્યાં શિક્ષકો પેપર તપાસશે.

ધો.10નું ગણિત કુવાડવામાં, ધો.12નું ફિઝિક્સનું પેપર બારદાનવાલા, કોમર્સનું અર્થશાસ્ત્ર ભૂષણ સ્કૂલમાં ચેક થશે
ધોરણ-10માં ગણિતનું પેપર કુવાડવા, વિજ્ઞાનનું પેપર ખામટા, ગુજરાતી પડધરીમાં અને સામાજિક વિજ્ઞાન રાજકોટના મવડીમાં આવેલી સરદાર પટેલ વિદ્યામંદિરમાં ચેક થશે. એવી જ રીતે ધોરણ 12 સાયન્સમાં ફિઝિક્સનું પેપર બારદાનવાલા સ્કૂલ, કેમિસ્ટ્રીનું પેપર અમથીબા સ્કૂલ, બાયોલોજી ચૌધરી હાઈસ્કૂલમાં અને ગણિત બાલકિશોર વિદ્યાલયમાં તપાસણી કરાશે. જ્યારે ધોરણ 12 કોમર્સમાં ઈકોનોમિક્સનું પેપર ભૂષણ સ્કૂલમાં, અંગ્રેજી સરકારી કન્યા વિદ્યાલય ધોરાજી, નામાના મૂળતત્વો જી.કે ભરાડ વિદ્યાલય ત્રંબામાં અને સંસ્કૃતનું પેપર રિદ્ધિ સિદ્ધિ વિદ્યાલય પડધરી સ્કૂલમાં ચેક થશે. ડીઇઓએ પેપર મૂલ્યાંકન માટે વિષય પ્રમાણે શિક્ષકોના ઓર્ડર કાઢ્યા છે.

આજે ધો.10માં સ્ટાન્ડર્ડ ગણિત, સાયન્સમાં રસાયણ વિજ્ઞાન, કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયનું પેપર લેવાશે
બોર્ડની પરીક્ષામાં એક પેપર લેવાયા બાદ આજે ગુરુવારે ધોરણ 10માં સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર લેવાશે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં કેમિસ્ટ્રી અને ધોરણ 12 કોમર્સમાં આંકડાશાસ્ત્ર વિષયનું પેપર લેવાશે. ધોરણ 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન દરેક વિષયના પેપર બાદ બીજા દિવસે રજાનો લાભ મળશે. વિદ્યાર્થીઓના એકાંતરા પેપર હોવાના કારણે બીજા વિષયની તૈયારી સારી રીતે કરી શકશે. જોકે ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને સળંગ પેપર લેવાશે.

અન્ય સમાચારો પણ છે...