ભાસ્કર એક્સક્લુઝિવ:સૌરાષ્ટ્રની 350 સ્કૂલ FRCના નિયમ કરતા વધુ ફી વસૂલે છે છતાં 40 ટકા વધારો માગ્યો અને કમિટીએ 7 ટકા આપ્યો

રાજકોટએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • સ્કૂલમાં રિનોવેશન, ફર્નિચર કામ, શિક્ષકોનો પગાર વધારો, સાધનો ખરીદી સહિતના ખર્ચાઓ બતાવી ફી વધારો માગ્યો
 • અમુક શાળાએ પ્રિન્સિપાલને કાર, બંગલો આપ્યા હોવાનું કારણ આપ્યું
 • કમિટીએ ધો.1થી 8ની 15 હજાર, 9થી 12ની 25 હજાર અને સાયન્સની 30 હજાર ફી નિર્ધારિત કરી છે: 2022-23ની ફી એકાદ મહિનામાં ફાઈનલ થઇ જશે

કોરોના મહામારી દરમિયાન રાજકોટ સહિત સૌરાષ્ટ્રની ખાનગી શાળાઓને ફી વધારો મળ્યો ન હતો. હાલ વર્ષ 2020-21, 2021-22 અને 2022-23ની ફી નિર્ધારિત કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં ચાલી રહી છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 10 જિલ્લાની અંદાજિત 5600 જેટલી શાળાની ફી નિર્ધારિત થશે. જેમાં અત્યાર સુધીમાં સૌરાષ્ટ્રમાં 350 જેટલી શાળા એવી છે જે FRC ( ફી નિયમન સમિતિ)ના 15થી 30 હજાર ફીના સ્લેબમાંથી નીકળી ગઈ છે અને ધો.10ની 40 હજારથી વધુ, ધો.12 સાયન્સની 85 હજારથી વધુ ફી વસૂલી રહી છે.

કોરોના મહામારી બાદ જે શાળાઓએ ફી વધારો માગ્યો છે તેમાં મોટાભાગે સ્કૂલમાં રિનોવેશન, ફર્નિચર કામ, શિક્ષકોના પગાર વધારો, સાધનો ખરીદી સહિતના ખર્ચ રજૂ કરીને 40% સુધીનો ફી વધારો માગ્યો છે પરંતુ ફી નિયમન સમિતિએ હાલ વધુમાં વધુ 7% સુધીનો ફી વધારો અપાયો છે. ફી નિર્ધારણ સમિતિએ ધો.1થી 8ની 15 હજાર, 9થી 12ની (ધો.11-12 કોમર્સ) 25 હજાર અને સાયન્સની 30 હજાર ફી નિર્ધારિત કરી છે.

હજુ પણ વર્ષ 2022-23 માટેની કેટલીક શાળાની ફી નક્કી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. સંભવત આગામી એકાદ મહિનામાં સૌરાષ્ટ્રની દરેક સ્કૂલની 2022-23ના વર્ષની ફી પણ ફાઈનલ થઇ જશે અને વાલીઓ પણ FRCના પોર્ટલ પર દરેક સ્કૂલની ફી ઓનલાઈન જોઈ શકશે.

450 શાળાએ સામેથી કહ્યું, ‘અમારે ફી નથી વધારવી!’
એકબાજુ બે વર્ષથી ફી વધારો નહીં મળ્યો હોવાને લીધે મોટાભાગની શાળાઓએ ફી વધારો માગ્યો છે ત્યારે સૌરાષ્ટ્રની 450 શાળા એવી પણ છે જેમણે સામેથી ફી નિયમન સમિતિને કહ્યું કે, અમારે ફી વધારવી નથી, વર્ષ 2019-20ની જે ફી મંજૂર થઇ હતી તે જ ફી હાલ યથાવત્ રાખવામાં આવે. સૌરાષ્ટ્રની આવી 450 શાળાએ ફી નહીં વધારતા હજારો વાલીઓને રાહત થઇ છે.

3 વર્ષની ફી નક્કી કરવામાં રાજકોટ ઝોન સૌરાષ્ટ્રમાં નંબર-1, નિર્ધારિત કરેલી ફીની વિગત પોર્ટલ પર મુકાઈ
કોરોના મહામારીમાં બે વર્ષ સુધી શાળાઓને ફી વધારો મળ્યો નથી તેથી હાલ વર્ષ 2020-21, 2021-22 અને 2022-23 એમ ત્રણ વર્ષની ફી નિર્ધારિત કરવામાં રાજકોટ ઝોન કે જેમાં સૌરાષ્ટ્રના 10 જિલ્લાની અંદાજિત 5600 શાળાનો સમાવેશ થાય છે તે રાજ્યમાં પ્રથમ નંબરે છે. રાજકોટ ઝોનની મોટાભાગની શાળાઓની ફી નક્કી કરી એફઆરસી પોર્ટલ ઉપર પણ મૂકી દેવામાં આવી છે.

ફી વધારો કરવા માટે આવા આપ્યા કારણો!

 • પ્રિન્સિપાલને કાર લઇ આપી હોય
 • શાળાના આચાર્યને રહેવા માટે બંગલો આપ્યો હોય
 • શિક્ષકોને મોબાઈલ-રિચાર્જની સુવિધા આપી હોય
 • શિક્ષકોને પેટ્રોલ એલાઉન્સ આપતા હોય
 • ટ્રસ્ટી કે પ્રિન્સિપાલે વ્યક્તિગત કોઈ પ્રોપર્ટી વસાવી હોય
 • શિક્ષકોનો પગાર વધારો
 • સ્કૂલમાં રિનોવેશન
 • સ્કૂલમાં નવું ફર્નિચર બનાવ્યું
 • શાળામાં નવા સાધન-સામગ્રીની ખરીદી
 • સ્કૂલમાં નવી લેબોરેટરી બનાવી હોય
 • સ્કૂલમાં એરકંડિશનર નાખ્યા હોય
 • નવા કમ્પ્યૂટર ખરીદ કર્યા હોય
 • ક્લાસરૂમમાં નવા બોર્ડ, બેંચ ખરીદી હોય
 • ફાયર સેફ્ટીના સાધનો ફિટ કરાવ્યા
 • આર.ઓ. પ્લાન્ટ નખાવ્યા હોય
 • બાળકો માટે રમકડાં ખરીદી કર્યા હોય
અન્ય સમાચારો પણ છે...