ગુજરાત સરકાર દ્વારા વ્યાજખોરોના ચુંગાલમાં ફસાયેલા લોકોને મુક્ત કરવા માટે એક મહાઅભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમા રાજકોટ શહેર પોલીસે પણ વ્યાજખોરો સામે કાર્યવાહી કરીને વ્યાજખોરોની ચુંગાલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનું મહા અભિયાન આગળ ધપાવ્યું છે. જેમાં રૂપિયાની જરૂરિયાત હોય તેવા લાભાર્થીઓને અલગ અલગ 16 જેટલી બેંક અને શરાફી મંડળીઓના સહયોગથી 1282 જેટલા લાભાર્થીઓને 3.45 કરોડ રૂપિયાની લોન આપવામાં આવી છે. આજે રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે તમામ લાભાર્થીઓને લોન મંજૂર માટે પ્રમાણપત્ર એનાયત કરી ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. લોન વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સ્પીચ વખતે માઈકમાં ખામી સર્જાઈ હતી. આથી ભૂપેન્દ્ર પટેલે હળવી રમૂજ કરતા કહ્યું હતું કે, માણસથી ભૂલ થાય છે ત્યારે આ તો મશીન છે.
પોલીસે એક્ટિવ રહીને વ્યાજખોરી સામે કાર્યવાહી કરી
ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નાના માણસોનો આર્થિક પાયો આપવાનો આ કાર્યક્રમ છે. નાનો માણસ આર્થિક સહાયથી વંચિત ન રહી જાય તેવી નેમ વડાપ્રધાને રાખી છે. નાના માણસોને હર હંમેશ વેપાર-ધંધો કરવો હોય, મુશ્કેલી આવી હોય ત્યારે પૈસાની જરૂર પડે છે. આથી વ્યાજની નાની-મોટી મુશ્કેલીમાં ફસાય છે. ત્રણ ગણા વ્યાજે નાનો માણસ પૈસા લે છે. બાદમાં તેનું ચકરડું અટકે જ નહીં અને તમને એ ઉંઘવા ન દે. આવી ઘણી બધી ફરિયાદો ઉઠતા આપણે અભિયાન શરૂ કર્યું અને પોલીસે એક્ટિવ રહીને કામગીરી કરી છે. ત્યારે પોલીસે વધુને વધુ લોકોને કેવી રીતે મદદ થાય તેવો આ પ્રયાસ કર્યો છે.
આ કાર્યક્રમથી લોકોમાં પોલીસ પ્રત્યેનો ડર દૂર થયો
ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, માણસને બે ફાયદા થયા છે. એક તો સામાન્ય માણસ તરીકેનો અભિપ્રાય અને બીજો પોલીસ સાથે લોકોનો સંપર્ક વધ્યો છે. લોકોને કહીએ તો એ કહે છે કે, મોદી લોન લેવા આવ્યા છીએ. પીએમ સ્વનિધિ યોજના એપ્લાય કરી હતી. તેમાં તમારે કોઈ ગેરેન્ટી આપવાની નથી. મોદી સાહેબ જ ગેરન્ટી ગણાય છે. સરકાર તમારી સાથે ઉભી છે. આજના આ કાર્યક્રમને સુદ્રઢ બનાવીએ.
બે વ્યાજખોરો સામે પાસા વોરન્ટ ઇસ્યુ કરાયા
રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, 5 જાન્યુઆરીથી વ્યાજખોરો સામેની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. રાજકોટ પોલીસ દ્વારા પણ આ ઝુંબેશના ભાગરૂપે હેમુ ગઢવી હોલમાં વ્યાજખોરો સામે સામુહિક લોક દરબાર અને ત્યારબાદ અલગ અલગ પોલીસ સ્ટેશન ખાતે લોક દરબાર યોજીને વ્યાજખોરો વિરુદ્ધ મળેલી કુલ 60 અરજીઓ પૈકી 59 અરજીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જ્યારે બે વ્યાજખોરો સામે કડક કાર્યવાહી કરી પાસા વોરન્ટ ઇસ્યુ કરવામાં આવ્યા છે.
વ્યાજખોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરવા કટિબદ્ધ
ચાર દિવસ પૂર્વે વ્યાજખોરના ત્રાસથી કંટાળી કોલસાના વેપારીએ કરેલી આત્મહત્યાની ઘટના બાદ પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે જણાવ્યું હતું કે, વ્યાજખોરો સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. કોઈ વ્યક્તિ વ્યાજખોરોના ત્રાસથી પીડાતી હોય તો તેઓએ રાજકોટ પોલીસનો સંપર્ક કરવો. એવું કોઈ કૃત્ય ન કરવું જેનાથી તેને અને તેના પરિવારને મોટું નુકસાન થાય. રાજકોટ પોલીસ વ્યાજખોરી કરતા અને કડક પઠાણી ઉઘરાણી કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવા માટે કટિબદ્ધ છે.
કઈ લોનમાં કેટલા લાભાર્થીઓએ લાભ લીધો
લોનનું નામ | લાભાર્થીની સંખ્યા | રકમ |
ગોલ્ડ | 6 | 30.74 લાખ |
હાઉસિંગ | 2 | 21 લાખ |
મુદ્રા | 15 | 70.50 લાખ |
પર્સનલ | 5 | 10.55 લાખ |
એગ્રિકલ્ચર | 3 | 17.40 લાખ |
પીએમ સ્વનિધિ | 1246 | 1.95 કરોડ |
ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2024નો શુભારંભ કરાવ્યો
આ કાર્યક્રમ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગોંડલ ચોકડી પરના ઓવરબ્રિજનું લોકાર્પણ કર્યું હતું. બાદમાં સરદારધામ આયોજીત ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2024ના શુભારંભ કાર્યક્રમમાં પહોંચ્યા હતા. અહીં રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્રભરના ઉદ્યોગપતિઓ હાજર રહ્યા હતા. ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2024 રેસકોર્સમાં યોજાનાર છે. અહીં મુખ્યમંત્રીએ ઉદ્યોગપતિઓ સાથે વાતચીત કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.