શહેરમાં આજે નવા 5 પોઝિટિવ કેસ નોંધાયા છે. આથી કુલ કેસની સંખ્યા 63754 પર પહોંચી છે. તેમજ આજે 2 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ અપાયો છે. હવે 35 દર્દી સારવાર હેઠળ છે. એક મહિના સુધી રાજકોટમાં ઝીરો અને એક-બે કેસ આવતા પ્રજાએ હાશકારો લીધો હતો. જોકે ફરી ચાલુ માસથી કેસની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં એક તરફ આજથી શાળાઓ શરુ થઈ છે. વધતા કેસને પગલે વિધાર્થી અને વાલીઓમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ વેક્સિનના 3 ડોઝ લીધા અને કોઈ પણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેવા લોકો કોરોના પોઝિટિવ આવતા તંત્ર દ્વારા પણ ટેસ્ટિંગ વધારવાનો નિર્ણય કર્યો છે.
કોઈ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી
રાજ્યમાં કોરોના કેસો વધ્યા પછી રાજકોટમાં પણ સંક્રમણ વધ્યું છે. રાજકોટમાં ગઇકાલે 3 નવા કેસ સામે 4 દર્દી સાજા થયા હતા. શહેરના 62 વર્ષીય વૃદ્ધ સહિત 3 કોરોના સંક્રમિત થયા છે.4 દર્દી સાજા થતા એક્ટિવ કેસની સંખ્યા 32 થઈ છે. શહેરના અલય પાર્કમાં રહેતા 62 વર્ષીય વૃદ્ધ, બાલાજી હોલ પાસે રહેતા 70 વર્ષીય વૃદ્ધા અને ધરમ ટોકીઝ એટલે કે આર વર્લ્ડ સિનેમા નજીક રહેતા 30 વર્ષીય પુરુષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા મનપાની આરોગ્ય ટીમે આ દર્દીઓના સંપર્કમાં આવેલા લોકોનો ટેસ્ટ કરવા તજવીજ કરી છે.આજે રાજકોટમાં સંક્રમિત થયેલા 30 વર્ષીય પુરુષે કોવિડ વેક્સિનના બે ડોઝ લીધા છે. જ્યારે 62 વર્ષીય વૃદ્ધએ વેક્સિનના 3 ડોઝ લીધા છે. કોઈ દર્દીની ટ્રાવેલ હિસ્ટ્રી નથી.
87 હજાર લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે
કોરોના કેસમાં વધારા અંગે રાજકોટ કોર્પોરેશનના આરોગ્ય વિભાગના નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જે રૂટિન કામગીરી કરવામાં આવે છે તે શરૂ જ છે. મોટાભાગના કેસ વિદેશની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવે છે. 21 આરોગ્ય કેન્દ્રમાં વેક્સિનની કામગીરી ચાલુ છે. 1.40 લાખથી વધુ લોકોએ ફર્સ્ટ ડોઝ, 1.27 લાખથી વધુ લોકોએ સેકન્ડ ડોઝ અને 87 હજાર લોકોએ બૂસ્ટર ડોઝ લીધો છે. આજે શાળાઓ શરૂથઈ છે એટલે વિદ્યાર્થીઓને પણ રસી લેવા જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવશે. માસ્ક અને રસી બે જ કોરોના સામે લડવા માટે ઉપાય છે.
ગ્રામ્યસ્તરે વેક્સિનેશન લેવામાં લોકો બેફિકર
નોંધનીય છે કે કોરોનાનું જોખમ વધી રહ્યું છે ત્યારે ગ્રામ્યસ્તરે લોકો હજુ પણ વેક્સિનેશન લેવામાં બેફિકર હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. બૂસ્ટર ડોઝ તો દૂરની વાત છે પરંતુ રાજકોટ જિલ્લામાં કુલ 27.08 લાખના વેક્સિનેશન સામે 41,093 લોકોએ હજુ બીજો ડોઝ પણ નથી લીધો ! ખાસ કરીને 12-17 વર્ષના તરુણોમાં વેક્સિનેશન મુદ્દે વધુ નિરુત્સાહ જોવા મળ્યો છે.
15થી 17 વર્ષના તરુણોમાં રસી પ્રત્યે નિરુત્સાહ
રાજકોટ જિલ્લાના 11 તાલુકામાં મળીને વેક્સિન ડ્રાઇવમાં અત્યાર સુધીમાં કુલ 27,08,134 ડોઝ અપાયા છે, જે પૈકી પહેલો ડોઝ 13,40,796 લોકોને આપવામાં આવ્યો છે. જ્યારે તેમાંથી 12,99,703 લોકોને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આરોગ્ય શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, 60 વર્ષથી વધુ લોકો અને હેલ્થ વર્કર્સને બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી છે ત્યારથી અત્યાર સુધીમાં 72,009 લોકોને બૂસ્ટર ડોઝ અપાયો છે. 15 થી 17 વર્ષના તરુણોમાં 64,274એ પહેલો ડોઝ અને 55,156ને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. એટલે, આ કેટેગેરીમાં 9,118ને બીજો ડોઝ લેવાનો બાકી છે.
વેક્સિનેશન માટેની જાગૃતિનો અભાવ
જ્યારે 12 થી 14 વર્ષની કેટેગરીમાં 39,953ને પહેલો અને 25,395ને બીજો ડોઝ આપવામાં આવતા આ કેટેગરીમાં 14,558ને હજુ બીજો ડોઝ આપવાનો બાકી છે. જિલ્લામાં ઠેર ઠેર રસીકરણ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે, સતત પંચાયતો મારફત લોકોને જાણ કરવામાં આવી રહી છે તેમ છતાં હજુ પણ લોકોમાં સમયસર વેક્સિનેશન માટેની જાગૃતિનો અભાવ જોવા મળી રહ્યો છે. કોરોનાની ત્રીજી લહેર પૂરી થયા બાદ લોકો વેક્સિનેશન અંગે બેફિકર થઇ ગયા હોવાનો ઘાટ જોવા મળી રહ્યો છે.
રાજકોટ શહેરમાં પોઝિટિવ કેસની સ્થિતિ
તારીખ | કેસ | સારવાર હેઠળ | ડિસ્ચાર્જ |
03/06/2022 | 2 | 3 | 3 |
04/06/2022 | 3 | 6 | 0 |
05/06/2022 | 4 | 10 | 0 |
07/06/2022 | 3 | 15 | 0 |
08/06/2022 | 7 | 22 | 0 |
09/06/2022 | 3 | 24 | 1 |
10/06/2022 | 8 | 32 | 0 |
11/06/2022 | 4 | 33 | 3 |
12/06/2022 | 3 | 32 | 4 |
રાજકોટ જિલ્લામાં કોરોના વેક્સિનેશનની સ્થિતિ
કેટેગરી | પ્રથમ ડોઝ | બીજો ડોઝ | બૂસ્ટર ડોઝ |
(18+) | 12,36,569 | 12,19,152 | 72,009 |
(15-17 વર્ષ) | 64,274 | 55,156 | --- |
(12-14 વર્ષ) | 39,953 | 25,395 | --- |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.