ક્રાઇમ:રશિયામાં નોકરીએ રખાવી દેવાનું કહી 3 સાથે 3.30 લાખની ઠગાઇ

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોરબંદરના ત્રણ યુવાનએ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી

વિદેશમાં સારા પગારની નોકરીએ રખાવી દેવાનું કહી ત્રણ યુવાન સાથે રૂ.3.30 લાખની છેતરપિંડી કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોરબંદર આંબેડકરનગરમાં રહેતા રાહુલ મુરૂભાઇ વાઘ નામના યુવાને મંગળસિંહ બળવંતસિંહ સિસોદિયા નામના શખ્સ સામે નોંધાવેલી ફરિયાદ મુજબ, ગત માર્ચ મહિનામાં સોશિયલ મીડિયાના માધ્યમથી રશિયામાં સારા પગારથી નોકરી કરવા ઇચ્છુકે સંપર્ક કરવો તેવી વિગતો વાંચ્યા બાદ તેમાં જણાવેલા મોબાઇલ નંબર પર સંપર્ક કર્યો હતો.

સંપર્ક કરનારે તેનું નામ મંગળસિંહ જણાવ્યું હતું. તેની સાથેની વાતચીતમાં તેને તમામ દસ્તાવેજો સાથે રાજકોટના કોઠારિયા સોલવન્ટ રેલવે સ્ટેશન સામે આવેલા ઓમ કોમ્પ્લેક્સમાં આવી જવા કહ્યું હતું. જેથી તા.24-5ના રોજ પોતે તેમજ અન્ય બે મિત્ર મેહુલ અને સન્ની રાજકોટ આવી મંગળસિંહને મળ્યા હતા. મંગળસિંહે તેની ઓફિસમાં અમને વ્યક્તિદીઠ રૂ.1.10 લાખ થશે અને તે એડવાન્સમાં આપવાની વાત કરી હતી. અને કમિશનના રૂ.10 હજાર વિઝા, ટિકિટ મંજૂર થયા બાદ આપવાની વાત કરી ત્રણેય સાથે એગ્રીમેન્ટ કર્યું હતું. મિત્ર મેહુલે તો તે જ દિવસે રૂ.1.10 લાખ ઓનલાઇન મંગળસિંહને જમા કરાવી દીધા હતા. થોડા દિવસ બાદ પોતે અને મિત્ર સન્નીએ બે કટકે મંગળસિંહને રૂ.1.10 લાખ રોકડા આપ્યા હતા.

બાદમાં મંગળસિંહે બધી પ્રોસેસ પૂરી થતા એક મહિનો થશેની વાત કરી હતી. બાદમાં અમે સંપર્ક કરતા મંગળસિંહે ત્રણેયના વિઝા, ટિકિટ મંજૂર થઇ ગયા છે તેમ કહી સોશિયલ મીડિયા મારફતે વિઝા, ટિકિટની કોપી મોકલી હતી. થોડા દિવસ બાદ તમારી ટિકિટ અને વિઝા રદ થયાનો ફોન કરી તમને તમારા પૈસા બાર ટકા વ્યાજ સાથે પરત મળી જશે તેવું લખાણ સોશિયલ મીડિયામાં મોકલ્યું હતું. ત્યાર બાદ આજ દિન સુધી રકમ પરત નહિ કરતા રાજકોટ આવી તપાસ કરતા તેની ઓફિસને તાળાં મારેલા હતા અને મંગળસિંહ નાસી ગયો હોવાનું જાણવા મળતા આજી ડેમ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...