કોરોના રાજકોટ:શહેરમાં આજે 12 અને ગ્રામ્ય વિસ્તારમાં 7 નવા પોઝિટિવ કેસ નોંધાયા, 8 દર્દી ડિસ્ચાર્જ

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

રાજકોટ શહેરમાં આજે નવા 12 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 7 કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં આજે 3 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ થયા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 5 દર્દીને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

ગઇકાલે શહેરમાં 10 કેસ નોંધાયા હતા
રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. ગુરુવારે એક જ દિવસમાં 10 નવા પોઝિટિવ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે. કોરોનાના કેસમાં વધારો થતા રાજકોટ મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ ટેસ્ટિંગ વધારવા આરોગ્ય કેન્દ્રોને સૂચના આપી દીધી છે. શહેરમાં 1 માર્ચથી 16 માર્ચ સુધીમાં 2587 ટેસ્ટ થયા છે. જેમાં 33 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બીજી તરફ નવા વાયરસ H3N2ની દહેશત પણ રાજકોટમાં મંડરાઈ રહી છે. જેને ધ્યાને લઈ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

14 વર્ષની કિશોરી કોરોના સંક્રમિત
છેલ્લા 7 દિવસની વાત કરીએ તો 27 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 8 દર્દીઓને ડિસ્ચાર્જ જાહેર કરાયા છે. જે એક્ટિવ કેસ છે તેમાંથી ફક્ત એક જ દર્દી હોસ્પિટલમાં દાખલ છે. બાકીના તમામ દર્દીઓ હોમ આઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે. જે નવા કેસ આવ્યા છે તેમાં એક 14 વર્ષની કિશોરી છે. જોકે આ કિશોરી હાલમાં જે બોર્ડની પરીક્ષા લેવાઈ રહી છે તેની પરીક્ષાર્થી ન હોવાથી તંત્ર અને વાલીઓ બન્નેને રાહત થઈ છે. આ કિશોરીના ચેપ વિશે જાણવા મળ્યું છે કે, પરિવારમાં એક પુરુષની તબિયત બગડતા સેમ્પલ લેવાયા હતા અને કિશોરીમાં પણ હળવા લક્ષણો દેખાતા તેના પણ સેમ્પલ લેવાયા હતા. આ બન્નેના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે.

કોરોનાના કેસ વધતા મ્યુનિ. કમિશનરે ટેસ્ટિંગ વધારવા સૂચના આપી (પ્રતિકાત્મક તસવીર)
કોરોનાના કેસ વધતા મ્યુનિ. કમિશનરે ટેસ્ટિંગ વધારવા સૂચના આપી (પ્રતિકાત્મક તસવીર)

પોઝિટિવિટી રેશિયો 1.28 ટકા
રાજકોટ શહેરમાં હાલ રોગચાળાની સિઝનને કારણે દરેક પ્રકારના ટેસ્ટનો તબીબો આગ્રહ રાખી રહ્યા છે. જેથી હળવા લક્ષણના દર્દીઓ પણ ટેસ્ટ કરાવી રહ્યા છે. એક માર્ચથી 16 માર્ચ સુધીમાં 2587 ટેસ્ટ થયા છે તેમાંથી 33 પોઝિટિવ આવતા પોઝિટિવિટી રેશિયો 1.28 ટકા જેટલો નીચો રહ્યો છે. જોકે સૌથી મહત્ત્વની વાત છે કે એન્ટિજન ટેસ્ટ ફક્ત 605 કરાયા છે અને તેમાંથી એક પણ પોઝિટિવ કેસ નીકળ્યો નથી. આ કારણે ફક્ત આરટીપીસીઆરના 1987 ટેસ્ટ ગણાય તો આ રેશિયો સહેજ વધીને 1.66 ટકા જેટલો થાય છે.

ગઈકાલે આ વિસ્તારોમાંથી નોંધાયા કેસ

જેન્ડરઉંમરવિસ્તાર
સ્ત્રી70વેલનાથ ચોક
પુરુષ23એવરેસ્ટ ગ્રીન મવડી મેઈન રોડ
સ્ત્રી60શ્યામપાર્ક
સ્ત્રી60જંગલેશ્વર
પુરુષ42જ્ઞાનજીવન સોસાયટી-1
સ્ત્રી14જ્ઞાનજીવન સોસાયટી-1
સ્ત્રી31ઓમ તિરુપતિ સોસા. નિર્મલા રોડ
પુરુષ67તક્ષશિલા હાઉસિંગ સોસાયટી
પુરુષ58સ્ટાર પેલેસ, સેન્ટ મેરી સ્કૂલ સામે
પુરુષ54ચાર્મી નિવાસ, તપોવન સ્કૂલ પાસે

H3N2 વાયરસને લઈ સિવિલમાં આઇસોલેશન વોર્ડ તૈયાર
H3N2 વાયરસને લઈ રાજકોટનું સિવિલ તંત્ર પણ તૈયાર હોવાનું સિવિલ અધિક્ષક ડોક્ટર રાધેશ્યામ ત્રિવેદી દ્વારા જણાવવામાં આવ્યું છે. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું છે કે, હાઇરિસ્કમાં રહેલા તબીબોને H1N1 ફ્લુની રસી આપવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ફ્લૂના કેસોમાં 30થી 40 ટકાનો વધારો થયો છે. સિવિલ હોસ્પિટલ ખાતે બાળકો તેમજ મોટી ઉંમરના લોકો માટે ખાસ ઓપીડી તેમજ આઇસોલેશન વોર્ડ પણ ઉભો કરવામાં આવ્યો છે. લોકોએ ગભરાવાની જરૂર નથી. પરંતુ સાવચેતી રાખવી જરૂરી છે. વાયરસને લઈ સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા 500 જેટલી ટેસ્ટિંગ કીટની પણ માગણી સરકાર પાસે કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...