તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર રિયાલિટી ચેક:રાજકોટની 33 હોસ્પિટલે આયુષ્માન અને મા કાર્ડ પર સારવાર કરવાની ના પાડી, તંત્રે કહ્યું ‘પરિપત્ર નથી આવ્યો’

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • આયુષ્માન અને મા કાર્ડ દ્વારા ફ્રીમાં સારવાર થશે પણ હજુ અમલ થયો નથી
  • રાજ્ય સરકારે 22 દી’ અગાઉ હાઈકોર્ટમાં સોગંદનામું કર્યું હતું કે, કોવિડના દર્દીને કાર્ડ પર ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર મળશે, પરંતુ હજુ સુધી રાજકોટમાં એકપણ દર્દીને દાખલ કરાયો નથી

કોરોનાની સારવાર ખાનગી હોસ્પિટલમાં થતા ખર્ચ સામાન્ય પરિવાર માટે પરવડે તેમ નથી. જોકે તે માટે 18 એપ્રિલે રાજ્ય સરકારે એવી જાહેરાત કરી હતી કે, ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટે મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ પણ માન્ય ગણાશે. આ કાર્ડના ઉપયોગથી દર્દીઓની સારવાર વિનામૂલ્યે થશે.

આ જાહેરાતને 22 દિવસ વિત્યા બાદ તેમજ રાજકોટમાં ખાલી બેડની સંખ્યા વધતા કાર્ડ ધરાવતા દર્દીઓને દાખલ કરાય છે કે નહિ તે જાણવા ‘દિવ્ય ભાસ્કરે’ શહેરની કોવિડ હોસ્પિટલ્સમાં રિયાલિટી ચેક કર્યું હતું. જેમાં ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. શહેરની કુલ 50 કોવિડ હોસ્પિટલમાંથી 35 હોસ્પિટલમાં કોરોનાના દર્દીને આયુષ્યમાન કાર્ડ કે અમૃતમ કાર્ડમાં સારવાર આપવાની ઘસીને ના પાડી દીધી હતી. કેટલીક હોસ્પિટલમાં એવું પણ કહેવાયું કે, ‘રાજકોટની કોઈપણ હોસ્પિટલમાં અમૃતમ કાર્ડ કે આયુષ્યમાન કાર્ડમાં કોવિડની સારવાર નહીં જ થાય, અને આગામી એક મહિના સુધી તપાસ પણ ન કરતા. કારણ કે, સરકારે જાહેરાત ભલે કરી પરંતુ કોઈ હોસ્પિટલ અમૃતમ કાર્ડમાં કોવિડના દર્દીની સારવાર નહીં કરે.’

ખાનગી હોસ્પિટલમાંથી એક જ સરખો જવાબ મળતા આ મામલે તંત્રને પૂછવામાં આવ્યું હતું. જ્યાંથી એવો જવાબ મળ્યો છે કે, હજુ સુધી આ મામલે કોઇ પરિપત્ર જ ન આવ્યો હોવાથી અમલવારી થઈ નથી અને કોઇ ફરિયાદ કરે તો તેને પણ એ જ જવાબ દેવાય છે કે હજુ સુધી ગાઈડલાઈન ન હોવાથી કાર્ડ પર દાખલ કરી શકાશે નહીં. જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ શાહે આ મામલે કહ્યું હતું કે, ‘હજુ કોઇ પરિપત્ર કરવામાં આવ્યો નથી એટલે અમલવારી કરાઈ નથી. જે હોસ્પિટલમાં કાર્ડ માન્ય છે તે તમામ અલગ અલગ ક્લસ્ટરમાંથી પસંદ કરવાનું હોય કોરોના એકપણ ક્લસ્ટરમાં સામેલ નથી તેમજ ખાનગી હોસ્પિટલ પોતાની રીતે ક્લસ્ટર બનાવી પણ શકતી નથી.’

સરકારી હોસ્પિટલમાં દર્દીને લઈ જવાની સલાહ અપાઈ છે
હોસ્પિટલ સાથે થયેલા સંવાદ
ભાસ્કર : દર્દીને એડમિટ કરવા છે બેડ ખાલી છે

હોસ્પિટલના સંચાલક: હા સાદો બેડ છે, ઓક્સિજન લેવલ કેટલું?
ભાસ્કર : દર્દી નોર્મલ છે. ઓક્સિજન લેવલ 98 રહે છે.
હોસ્પિટલ સ્ટાફ: રિપોર્ટ લેતા આવજો
ભાસ્કર : અમૃતમ કાર્ડ હેઠળ સારવાર મળી રહેશે
હોસ્પિટલ સ્ટાફ: અમૃતમ કાર્ડ કોવિડની સારવારમાં નહિ ચાલે
ભાસ્કર: જાહેરાત તો થઇ છે, તો કેમ ના પાડો છો?
હોસ્પિટલ સ્ટાફ: અમને પરિપત્ર મળ્યો નથી. સરકારી હોસ્પિટલમાં ચાલ્યા જાવ ત્યાં ટ્રીટમેન્ટ મળી જશે અમૃતમ કાર્ડ પર

આ હોસ્પિટલે કોરોનાની સારવાર કરવાની ના પાડી
સ્ટર્લિંગ, શ્રીજી, સેલસ, ક્રિષ્ના, એચ. જે. દોશી, વેદાંત, પ્રાઈમ, સારથી, નીલકંઠ, વોકહાર્ટ, ઓલમ્પસ, સદભાવના, પ્લેક્સસ, સૌરાષ્ટ્ર, કે.જે પટેલ, કુંદન, જલારામ, જયનાથ, જીનેસિસ, સુરભી, સત્કાર, મેડિકેર, શ્રેયસ, ગોકુલ, શિવ, બી.ટી સવાણી, રંગાણી, નોવા, સીનર્જી (અમૃત ઘાયલ હોલ), એચસીજી, સમર્પણ, ફિનિક્સ, ગિરિરાજ સહિતની હોસ્પિટલના સંચાલકોએ મા અમૃતમ કાર્ડ અને આયુષમાન કાર્ડ પર કોરોનાની સારવાર કરવાની ના પાડી દીધી હતી.

ખાનગીમાં સારવાર ન મળી, સિવિલમાં દાખલ થયા
મારા પિતાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોમવારે ઓક્સિજન લેવલ ડાઉન આવતા અમે વૈદેહી કોવિડ હોસ્પિટલમાં ગયા. અમને અમૃતમ કાર્ડ હેઠળ સારવાર માટે ના પાડી. આખરે અમે સિવિલ હોસ્પિટલ પહોંચ્યા. જ્યાં એમનો રિપોર્ટ તો નેગેટિવ આવ્યો પરંતુ એમને ઓક્સિજન લેવલ ડાઉન આવતા આખરે તેમને દાખલ કરવા પડ્યા છે. - બ્રિજેશભાઈ ગોસાઈ, દર્દીના પુત્ર

અન્ય સમાચારો પણ છે...