પડ્યા પર પાટું:બેરોજગારોના 326 કરોડ પાણીમાં + 12 કરોડ કલાકનું ધોવાણ + સહન ન થઇ શકે તેવો માનસિક ત્રાસ = પેપર લીક

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • રૂપિયાના લાલચુ કૌભાંડીઓએ પેપર ફોડ્યું, પોલીસે તપાસ કરીને આરોપીઓને પકડ્યા
  • સરકારે ગૌણ સેવાના ચેરમેનને પાસ જાહેર કર્યા પણ નોકરી મેળવવા રૂપિયા ખર્ચીને તનતોડ મહેનત કરનાર નિર્દોષ ઉમેદવારોએ હવે નવી તૈયારી કરવી જ પડશે

થોડા દિવસો પહેલાં લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષા અંતે રદ કરી દેવાનો નિર્ણય સરકારે કર્યો છે અને આગામી માર્ચ-2022માં નવી પરીક્ષા લેવાશે તેવી જાહેરાત કરીને પ્રકરણ પર પડદો પાડી દેવાની કોશિશ કરવામાં આવી છે ત્યારે અહીંયા સવાલ એ ઉપસ્થિત થાય છે કે, એ 88,000 ઉમેદવારનું શું કે જેઓએ હજારો રૂપિયાનો ખર્ચ કર્યો અને કલાકો સુધી મહેનત કરી હતી. જોકે હાલના તબક્કે ગૌણ સેવાના ચેરમેન કે સરકાર પાસે આનો કોઈ જવાબ નથી. ત્યારે, દિવ્ય ભાસ્કરે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા ક્લાસીસના સંચાલકો અને પરીક્ષા રદ થાય ત્યારે ઉમેદવાર પર તેની માનસિક અસર શું પડતી હોય છે તે સંદર્ભે માહિતી મેળવવાનો પ્રયાસ કર્યો તેમાં કેટલીક ચોંકાવનારી હકીકતો બહાર આવી હતી.

ઉમેદવારોની મહેનત પર પાણી ફરી વળ્યું
રાજકોટના શિક્ષણવિદ્દ અને વર્ષોથી ઉમેદવારોને સરકારી નોકરી મળે તે માટેની તૈયારી કરાવતા એક્સપર્ટે જણાવ્યું હતું કે, હેડ ક્લાર્કની પરીક્ષા પાસ કરવા માટે કોઈપણ ઉમેદવારને ઓછામાં ઓછી આઠ મહિનાની તૈયારી કરવી પડતી હોય છે અને દરરોજ છ કલાક અધ્યયન કરવું પડતું હોય છે. આ કાર્યશૈલી મુજબ ઉમેદવાર તૈયારી કરે તો એક વ્યક્તિના આઠ મહિનામાં 1,440 માનવ કલાક ખર્ચવા પડે. ગુજરાતમાં 88,000 ઉમેદવારે હેડ ક્લાર્કની પરીક્ષા આપી હતી તે તમામના અહીંયા માનવ કલાકોની ગણતરી કરવામાં આવે તો તેનો આંક થાય છે 12,67,20,000 કલાક. આ તમામ કલાકો પર હાલના તબક્કે તો પાણી ફરી વળ્યું છે. હવે માર્ચ મહિના સુધી નવેસરથી તૈયારી કરવી પડશે અને ક્લાસીસની ફી ચૂકવવી પડશે તે અલગથી.

વધારાની ફી ચૂકવવી પડશે
આ ઉપરાંત 88,000 ઉમેદવારને કરોડો રૂપિયાનો ફીનો તેમજ રહેવા-જમવાનો ખર્ચ માથે પડ્યો છે. ક્લાસીસના સંચાલકો એવું જણાવે છે કે, મોટાભાગે ત્રણ મહિનાનો કોર્સ હોય છે અને અલગ અલગ ક્લાસીસમાં અલગ-અલગ ફી હોય છે. 12થી 50 હજાર સુધીની ફી વસૂલવામાં આવતી હોય છે પરંતુ સરેરાશ ગણતરી કરવામાં આવે તો એક ઉમેદવારને હેડ ક્લાર્કની પરીક્ષા પાસ કરવાનો કોર્સ પૂરો કરવા માટે ઓછામાં ઓછી 35 હજાર રૂપિયા ફી ચૂકવવી જ પડે છે.

326 કરોડ રૂપિયાનો બોજો પડશે
આ મુજબ ગણતરી કરવામાં આવે તો 88,000 ઉમેદવારે 308 કરોડ રૂપિયાની ફી ચૂકવીને તૈયારી કરી હતી. 30 ટકા ઉમેદવારો એવા હોય છે કે જેઓને અન્ય શહેરમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે જવું પડતું હોય છે. તેઓનો એક મહિનાનો ફી ઉપરાંતનો વધારાનો ખર્ચ એક મહિનાનો પાંચથી સાત હજાર રૂપિયા કરવો પડતો હોય છે. તેની ગણતરી કરવામાં આવે તો લગભગ 18 કરોડ રૂપિયા 30 ટકા વિદ્યાર્થીઓ રહેવા અને જમવા માટે કરે છે. ફી અને રહેવા-જમવાની રકમ અંદાજે 326 કરોડ રૂપિયાથી વધુ થાય છે.

ત્રણથી આઠ મહિના સુધી તૈયારી કરી હતી
કરોડો રૂપિયા અને માનવ કલાકની વાતને સરકારે જે પ્રમાણે નિર્ણય લીધો છે તે મુજબ સહજતાથી લેવામાં આવે તો ઉમેદવારોને સૌથી વધુ આઘાત લાગ્યો છે પરીક્ષા રદ થવાનો. કારણ કે, તેઓએ સતત ત્રણથી આઠ મહિના સુધી તૈયારી કરી હતી, ક્લાસીસની ફી ભરી હતી, પરિવારથી અલગ રહ્યા હતા, મનોરંજનથી દૂર રહ્યા હતા, આમ છતાં આ તમામ બાબતો પર પાણીઢોળ થઈ ગયું છે એટલે આવા ઉમેદવારોને ન સહન કરી શકાય તેઓ ત્રાસ વેઠવાનો વારો આવી પડ્યો છે તેમ નિષ્ણાતો કહી રહ્યા છે.

આ રસ્તો પણ અપનાવી શકાય
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારી ભરતી માટેની પરીક્ષામાં 9થી વધુ પેપર લીક થયા છે અને લગભગ દરેક કિસ્સામાં પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી. હેડ ક્લાર્કની પરીક્ષા 88,000 ઉમેદવારે આપી હતી. 186 જગ્યા હતી એટલે પરીક્ષા આપનારાઓમાંથી 186 ઉમેદવાર એવા હતા કે તેઓને નોકરી ચોક્કસપણે મળી જ જવાની હતી. કારણ કે, તેઓએ ખંતથી મહેનત કરી હતી અને હોશિયાર પણ હતા. જોકે સરકારે પરીક્ષા રદ કરી નાખી છે ત્યારે આ નિર્ણય લેવા કરતા અન્ય એક રસ્તો પણ અપનાવી શકાય તેમ પણ હતો. જે કૌભાંડી ઉમેદવારો સુધી લીક થયેલું પેપર પહોંચ્યું હતું તેઓની બાદબાકી કરી જેટલી ભરતી કરવાની હતી તેના દસગણા ઉમેદવારોને પાસ કરી તેનું મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવે, ત્યારબાદ તે ઉમેદવારોની નવેસરથી પરીક્ષા લઈને તેમાંથી 178ની પસંદગી કરવામાં આવે. જો આમ કરવામાં આવે તો જે હોશિયાર ઉમેદવારો હતા. તેઓને અન્યાય નહીં થાય, તેઓના માનવ કલાકો પણ બચી જશે અને માનસિક ત્રાસ પણ અનુભવવો નહીં પડે.