કલેક્ટરનું નિવેદન:શહેરમાં આજે 98 રસીકરણ કેન્દ્ર, જો 25થી વધુ લોકો તૈયાર હશે તો મનપા સામેથી આવીને વેક્સિન આપશે

રાજકોટએક મહિનો પહેલા
રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ પ્રેસ કોન્ફરન્સ યોજી માહિતી આપી.
  • રાજકોટ જિલ્લામાં વિજય રૂપાણીનાં 20 જેટલા સ્થળોએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે

રાજકોટ શહેરમાં 17મીએ વેક્સિનેશનના મેગા કેમ્પનું આયોજન કર્યું છે જેના માટે 50 હજાર ડોઝનો લક્ષ્યાંક રાખ્યો છે. આટલું રસીકરણ એક સપ્તાહમાં થતું હોય છે જેને એક જ દિવસમા કરવા માટે મનપાએ એડીચોટીનું જોર લગાવ્યું છે. દેખીતી રીતે આ લક્ષ્યાંક મોટો લાગે છે પણ મનપાએ પ્રથમ ડોઝ કરતા બીજા ડોઝ પર વધારે ધ્યાન આપવાનું નક્કી કર્યું છે કારણ કે, રાજકોટ શહેરમાં એવા 1.40 લાખ લોકો છે જેમને બીજો ડોઝ લેવાનો સમય થઈ ગયો છે પણ હજુ સુધી ડોઝ લીધો નથી. જો તેમાંથી અડધા લોકોને પણ મનપા એક જ દિવસમાં આકર્ષી શકે તો પણ લક્ષ્ય હાંસલ થઈ જાય. જે લોકોએ રસી નથી લીધી તેની પાછળ રસીકરણ કેન્દ્રોનો સમય, ત્યાં લાગતી કતારો, ભીડ તેમજ સ્ટોકની અનિયમિતતા હોવાના કારણો સામે આવ્યા છે. જેનો અભ્યાસ કરીને લોકોને ભીડમાં ઊભું રહેવું ન પડે તેમજ સમય બગડે નહિ તે મુદ્દાને ધ્યાને રાખીને આયોજન કરાયું છે.

મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે, જે લોકોને રસીનો ડોઝ લેવાનો બાકી છે તેમનો સંપર્ક કરવા માટે 150 લોકોની ટીમ તૈયાર કરાઈ છે જે સવારે તમામને ફોન કરીને વેક્સિન લેવા કહેશે અને બાદમાં સાંજે પણ ફોન કરીને રસી લીધી કે નહિ તે વેરિફાય પણ કરશે આ રીતે વધુમાં વધુ લોકોને સ્થળ પર લઈ જવા પ્રયાસ થશે. શહેરમાં અત્યાર સુધીમાં 98 જગ્યા પર વેક્સિનેશન થશે જેમાં તમામ આરોગ્ય કેન્દ્રો અને વોર્ડ ઓફિસ તેમજ બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશને પણ રસીકરણ થશે. આટલું જ નહિ જે સોસાયટી કે સંસ્થામાં 25થી વધુ લોકો રસી લેવા તૈયાર હશે તો ત્યાં મોબાઈલ વાન પહોંચી જશે અને રસીકરણ કરાશે. જ્યાં 300 લોકો હશે તો તાત્કાલિક ત્યાં જ રસીકરણ કેન્દ્ર ઊભું કરી દેવાશે. આ માટે હાઉસિંગ સોસાયટીઓનો સંપર્ક કરાયો છે.

નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષકુમારના જણાવ્યા અનુસાર 100થી વધુ મોબાઈલ વેક્સિન વાન અલગ અલગ વિસ્તારમાં ફરી લોકોને રસી આપશે. અત્યાર સુધીમાં 272 કરતા વધુ સોસાયટી નક્કી થઈ છે જ્યાં આ વાન ફરશે અને હજુ પણ સોસાયટી, સંસ્થા, કોલેજમાં સંપર્ક કરીને વેક્સિનેશન સાઈટ વધારવામાં આવી રહી છે.

મનપાએ મોડી રાત્રે લોકોને શોધી શોધીને રસીના ડોઝ આપ્યા
વેક્સિનેશનના મેગા કેમ્પની પૂર્વ રાત્રીએ મનપાની ટીમ સક્રિય બની હતી અને અલગ અલગ વિસ્તારોમાં ફરી વળી હતી. રાત્રીના 11 વાગ્યે શહેરના મેયર પ્રદીપ ડવ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, નાયબ કમિશનર આશિષ કુમાર તેમજ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડ સહિતનાઓએ રેસકોર્સ તેમજ બસ સ્ટેન્ડની મુલાકાત લીધી હતી અને સોસાયટીઓમાં પણ ગયા હતા. જે લોકો વોકિંગ કરવા નીકળ્યા હતા કે મુસાફરી કરી રહ્યા હતા તેમને રસી આપી હતી તેમજ સોસાયટીઓમાં ઘરની બહાર બેઠેલા લોકોને પણ રસી આપવામાં આવી હતી. આ રીતે એક જ કલાકમાં 200થી વધુને રસી અપાઈ હતી અને આખી રાત આ કામગીરી ચાલુ જ રહેશે અને બીજા દિવસે પણ રાત સુધી રસીકરણ ચાલુ રહેશે.

રાજકોટ કલેક્ટર અરૂણ મહેશ બાબુએ પ્રેસ કોન્ફરન્સ યોજી જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસે રાજકોટ જિલ્લામાં 1.20 લાખ લોકોનું એક જ દિવસમાં રેકોર્ડબ્રેક રસીકરણ કરવામાં આવશે. તેમજ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીની હાજરીમાં યોજાનાર આ કાર્યક્રમોમાં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના અંતર્ગત 3200 જેટલા ગેસ કનેક્શન આપવામાં આવશે.

રાજકોટ શહેરમાં 50 હજારને વેક્સિન અપાશે
કલેક્ટર રૂણ મહેશ બાબુએ વધુમાં જણાવ્યું હતું કે, આવતીકાલે જિલ્લામાં 1.20 લાખ લોકોનું એક જ દિવસે રસીકરણ કરવામાં આવશે. જે અત્યાર સુધીનું સૌથી વધુ રસીકરણ હશે અને જે રેકોર્ડ બ્રેક સાબિત થશે. રસીકરણમાં ગ્રામ્ય વિસ્તારોમાં અને શહેરમાં લોકોને કોરોનાની વેક્સિન અપાશે. રાજકોટ શહેરમાં 50 હજાર જેટલા લોકોને વેક્સિન આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા 20 હજાર વેક્સિનના ડોઝ ફાળવવામાં આવશે
ઉલ્લેખનીય છે કે ગઈકાલ સુધીમાં રાજકોટ શહેરમાં વેક્સિનના કુલ 15,13,237 ડોઝ લોકોને અપાઈ ચુક્યા છે. જેમાં 10,34,397 નાગરિકોએ પ્રથમ ડોઝ અને 4,78,840 નાગરિકોએ બીજો ડોઝ લીધેલ છે. બે દિવસ બાદ મનપા દ્વારા PMના જન્મદિવસે મેગા વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવશે. જેમાં રાજ્ય સરકાર દ્વારા 20 હજાર વેક્સિનના ડોઝ ફાળવવામાં આવશે.