કોરોના રાજકોટ LIVE:ખોડલધામના નરેશ પટેલ અને તેમના પત્ની કોરોના સંક્રમિત, રાજકોટમાં બપોર સુધીમાં 203 કેસ, 24 કલાકમાં 32ના મોત

રાજકોટ6 મહિનો પહેલા
ફાઇલ તસવીર.
  • રાજકોટમાં 8 જૈન મહાસતીજી, કોંગ્રેસ નેતા જસવંતસિંહ ભટ્ટી અને તેનો પરિવાર કોરોના સંક્રમિત

રાજકોટમાં કોરોનાના નવા કેસ મામલે વધુ બે વિક્રમ સર્જાયા છે. એક જ દિવસમાં સૌથી વધુ 529 કેસ આવ્યા છે તેમજ સપ્ટેમ્બર બાદ પ્રથમ વખત સૌથી વધુ 2932 એક્ટિવ કેસ નોંધાયા છે. એક્ટિવ કેસની સંખ્યા વધુ હોવાથી હોસ્પિટલાઈઝેશનમાં તેની અસર જોવા મળી રહી છે તેમજ છેલ્લા એક સપ્તાહથી ડિસ્ચાર્જ દર્દીઓની સંખ્યા નવા કરતા ઘણી ઓછી છે જેથી એક્ટિવ કેસ વધી રહ્યા છે. આ સાથે કુલ કેસ 30417 થયા છે જ્યારે શનિવાર સવારની સ્થિતિ છેલ્લા 24 કલાકમાં 32 દર્દીના સારવાર દરમિયાન મોત નીપજ્યા છે.

મુખ્યમંત્રીની સૂચના બાદ શહેરમાં કન્ટેઈનમેન્ટ ઝોનમાં કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે. 1000 માઈક્રો કન્ટેઈનમેન્ટ ઝોનમાં રિબન મારીને લોકોને માહિતગાર કરાઈ રહ્યા છે તેમજ નાનામવા, પપૈયાવાડી સહિતના વિસ્તારો કે જ્યાં કેસ વધુ આવ્યા છે તે સોસાયટીઓમાં જાળીઓ અને બેનર લગાવી પ્રવેશબંધી કરી દેવાઈ છે. ઈજનેરો અને પોલીસની વોર્ડ વાઈઝ ટીમ બનાવાઈ છે અને તેઓ ચુસ્ત અમલ કરાવશે.

રાજકોટમાં કોરોના કેસની સંખ્યામાં વધારો થાય છે તેમ મોતના આંકડા પણ વધી રહ્યાં છે. 24 કલાકમાં શહેરમાં 32 દર્દીના મોત નીપજ્યા છે. જ્યારે આજે બપોર સુધીમાં નવા 203 કેસ નોંધાયા છે. રાજકોટમાં 8 જૈન મહાસતીજી અને કોંગ્રેસના નેતા જસવંતસિંહ ભટ્ટી અને તેનો પરિવાર કોરોના સંક્રમિત થયો છે. ખોડલધામના ચેરમેન નરેશ પટેલ અને તેમના પત્ની કોરોના સંક્રમિત થયા છે. હાલ બંને હોમ આઇસોલેટ હેઠળ છે. સામાન્ય લક્ષણો દેખાતા હાલ ઘરે જ સારવાર લઇ રહ્યાં છે.

વહીવટી તંત્રએ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. આ નંબર પરથી લોકોને 24 કલાક હોસ્પિટલમાં ખાલી બેડની માહિતી મળી શકશે. તેમજ રેમડેસિવિર ઇજેક્શનની વ્યવસ્થા કરી આપવામાં આવશે. આ નંબર નીચે આપ્યા છે.

1.94998 04038
2.94998 06486
3.94998 01338
4.94998 06828
5.94998 01383

રાજકોટમાં કુલ કેસની સંખ્યા 21972 પર પહોંચી
રાજકોટમાં કોરોના પોઝિટિવ કુલ કેસની સંખ્યા 21972 પર પહોંચી છે. તેમજ અલગ અલગ હોસ્પિટલમાં 2243 દર્દી સારવાર હેઠળ છે. ગઇકાલે શુક્રવારે 186 દર્દી કોરોનામુક્ત થતા ડિસ્ચાર્જ આપવામાં આવ્યો હતો. સરકારના સત્તાવાર આંકડા પ્રમાણે રાજકોટમાં અત્યાર સુધીમાં કોવિડથી 186 લોકોના મોત નીપજ્યા છે.

7 હજાર ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલને અપાશે
રાજકોટ કલેક્ટર રેમ્યા મોહને જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાને આજે 10 હજાર રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો સરકાર દ્વારા ફાળવવામાં આવ્યો છે. જેમાં 7 હજાર ઇન્જેક્શન સિવિલ હોસ્પિટલને, 2 હજાર ઇન્જેક્શન ખાનગી હોસ્પિટલોને અને 1 હજાર ઇન્જેક્શન રૂરલ વિસ્તારની હોસ્પિટલોને ફાળવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં રેમડેસિવિર ઇન્જેક્શનની અછત નથી. ઇન્જેક્શનનો દુરપયોગ થશે તો તેની વિરૂદ્ધ કડક પગલા લેવામાં આવશે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 150 દર્દીને સમાવી શકાય તેવું પ્રથમ તબક્કાનું કોવિડ કેર સેન્ટર શરૂ કરવા જઇ રહ્યું છે. અહીં હળવા લક્ષણો ધરાવતા જે દર્દીઓ કે જેમને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને માત્ર ડોક્ટરની ભલામણને આધારે ભરતી કરાશે. સિવિલ હોસ્પિટલની જેમ જ સંપૂર્ણ ફ્રીમાં દવા, જમવાનું સાથે મેડિકલ સ્ટાફની ટેમ્પરરી નિમણુંક કરીને શ્રેષ્ઠ સારવાર આપવામાં આવશે.

રાજકોટમાં બેડની સંખ્યા વધીને 4293 થઇ
રાજકોટમાં પણ બેડની સંખ્યા વધીને 4293 થઇ છે અને તે પણ આગામી સપ્તાહમાં 6631 થઈ જશે. આ માટે અમૃત ઘાયલ હોલ એક સપ્તાહમાં શરૂ કરાશે તેમજ સમરસ હોસ્ટેલમાં તબક્કાવાર ફ્લોર શરૂ કરાશે. ગ્રામ્યકક્ષાએ પીએચસી તેમજ સમાજની વાડી કે મોટી જગ્યા હોય ત્યાં સીસીસી શરૂ કરી દેવાશે. જેથી 200 બેડની સુવિધા મળશે.

મુખ્યમંત્રીએ ગઇકાલે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી
રાજકોટ શહેર અને જિલ્લાની કોરોનાની સ્થિતિની સમીક્ષા કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ ગઇકાલે શુ્કવારે રાજકોટ આવ્યા હતા. અહીં તેમણે અધિકારીઓ સાથે બેઠક કરી હતી, બાદમાં લીધેલા નિર્ણયો અંગે જણાવ્યું હતું જેમાં તેઓએ સ્વયંભૂ લોકડાઉન કરવાની ભલામણ કરી હતી. સિવિલમાં અવ્યવસ્થા મુદ્દે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે છૂટકો જ નથી બેડ ઓછા છે. સરકાર સ્વીકારે છે કે રાજ્યમાં સંક્રમણ વધ્યું છે જેમ અન્ય રાજ્યોમાં કેસ વધ્યા તેમ ગુજરાતમાં પણ વધ્યા છે.

મહિલા ભિક્ષુક કેન્દ્ર જ્યાં એક પણ પોઝિટિવ કેસ આવ્યો નથી
દેશભરમાં સાર્વત્રિક કોરોનાનો કહેર મચી ગયો છે, ત્યારે ભારતનું એક માત્ર મહિલા ભિક્ષુક કેન્દ્ર જે રાજકોટમાં ઊભું કરવામાં આવ્યું છે, તેમાં આજદિન સુધી એક પણ ભિક્ષુક મહિલાને કોરોના પોઝિટિવ આવ્યો નથી, આ માટે સંચાલક સાથે વાતચીત કરતા એ વાત સામે આવી હતી કે, તેઓની દર 4 દિવસે તપાસ કરવામાં આવે છે, સાથોસાથ તેમની બેઠક વ્યવસ્થા, તેમના માટે સુવાની વ્યવસ્થા અને તેઓ માટે જમવાની વ્યવસ્થા પણ અલગ રીતે ગોઠવવામાં આવી છે.

સાથોસાથ તેઓને મલ્ટિ વિટામિનની ગોળીઓ પણ આપવામાં આવી છે, અને સતત એવા પ્રયત્નો રહે છે કે તેઓનું પુનઃસ્થાપન કરવામાં આવે. અહીં વસવાટ કરતા 15 મહિલા ભિક્ષુકને કોરોના રસીનો એક ડોઝ પણ આપી દેવામાં આવ્યો છે, અને તેઓની સારસંભાળ લેતા લોકોને પણ ડોઝ આપી કોવિડથી બચાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા.

યુનિવર્સિટીમાં આજથી કોવિડ કેર સેન્ટર શરૂ, હળવા લક્ષણો ધરાવતા દર્દીની મફત સારવાર કરાશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ નિ:શુલ્ક “COVID CARE CENTER” રવિવાર તા.11 એપ્રિલથી શરૂ કરવા જઈ રહ્યું છે. હળવા લક્ષણો ધરાવતા જે દર્દીઓ કે જેમને ઓક્સિજનની જરૂર નથી તેવા દર્દીઓને માત્ર ડોક્ટરની ભલામણને આધારે ભરતી કરશે અને સિવિલ હોસ્પિટલની જેમ જ સંપૂર્ણ નિઃશુલ્ક કોઈ પણ જાતનાં ચાર્જ વિના દવા, જમવાનું સાથે મેડિકલ સ્ટાફની ટેમ્પરરી નિમણૂક કરીને શ્રેષ્ઠ સારવાર લોકોને મળી રહે તેવા હેતુથી એક સેવાનો પ્રયત્ન કરીને લોકોમાં પ્રસરી રહેલા ડરને દૂર કરવા માટે પ્રયત્ન કર્યો છે.

યુનિવર્સિટીના આ સેન્ટરમાં ઈમરજન્સી ઓક્સિજન વ્યવસ્થા ઉપલબ્ધ નથી જેથી હળવા લક્ષણોવાળા જ દર્દીઓએ ભરતી થવું. વધુમાં દર્દીઓને રહેવા-જમવાનું, સામાન્ય સારવાર, ડોક્ટરની દેખરેખ તથા યોગ અને પ્રાણાયામથી સ્વસ્થ કરવા અને હકારાત્મક ઊર્જા પેદા કરવાનો ઉપક્રમ નિયત કરવામાં આવ્યો છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નીતિનભાઈ પેથાણી, ઉપકુલપતિ ડૉ. વિજયભાઈ દેસાણી, સર્વે સિન્ડિકેટ સભ્ય ડૉ. મેહુલભાઈ રૂપાણી તથા ડૉ. નેહલભાઈ શુક્લ તેમજ ડૉ.ધરમભાઇ કાંબલિયા, કુલસચિવ ડૉ. જતિનભાઈ સોની સાથે ડૉ.કલાધરભાઈ આર્ય તથા ડૉ. નિલેશભાઈ સોની તથા ડૉ. મિહિરભાઈ રાવલ અને સમગ્ર યુનિવર્સિટીના કર્મચારીઓ આ સેવા યજ્ઞમાં આહુતિ આપવા તૈયાર છે. કોવિડ દર્દીએ પોતાના જરૂરી સામાન સાથે આપેલ નં. 6355192607 પર કોન્ટેક કરી દાખલ થઈ શકાશે.

અન્ય સમાચારો પણ છે...