ચૂંટણી:રાજકોટ બેડી માર્કેટયાર્ડની 14 બેઠક પર ખેતી વિભાગમાં 95.41% અને વેપારી વિભાગમાં 94.91% મતદાન, કાલે પરિણામ

રાજકોટ4 મહિનો પહેલા
મતદારોએ મતદાન માટે લાંબી લાઇન લગાવી હતી.
  • ખેતી વિભાગમાં 10 બેઠક માટે 22 ઉમેદવાર અને 1462 મતદાર
  • વેપારી વિભાગમાં 4 બેઠક માટે 10 ઉમેદવાર અને 570 મતદાર

સહકારી ક્ષેત્રની અગ્રિમ રાજકોટ બેડી માર્કેટ યાર્ડની ખેતી વિભાગની 10 અને વેપારી વિભાગની 4 સહિત 14 બેઠક માટે ચૂંટણી યોજાઈ હતી. આજે સવારે 9 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. સાંજે 5 વાગ્‍યા સુધી મતદાનની પ્રક્રિયા ચાલી હતી. જેમાં ખેતી વિભાગમાં 95.41% અને વેપારી વિભાગમાં 94.91% મતદાન નોંધાયું છે. આવતીકાલે મતગણતરીમાં 32 ઉમેદવારોના ભાવિનો ફેંસલો થશે.

કોરોના ગાઈડલાઇનનો ઉલાળ્યો
14 બેઠક માટે 32 ઉમેદવાર વચ્ચે જંગ છે. ત્યારે 9 વાગ્યાથી જ મતદાન શરૂ થતાં મતદારોની લાંબી લાઇન લાગી હતી. જોકે મતદારો ઉત્સાહમાં કોરોનાની ગાઇડલાઇન્સ ભૂલી ગયા હોય એવાં દૃશ્યો જોવા મળ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સનો ઉલાળિયો અને માસ્ક વગર મતદારો જોવા મળ્યા હતા. જયેશ રાદડિયા યાર્ડ પહોંચતા તેણે જણાવ્યું હતું કે, મેં ક્યારેય મતદારોને ડરાવવાનો કે ધમકાવાનો પ્રયાસ કર્યો નથી.

9 વાગ્યાથી મતદાન શરૂ
ચૂંટણી અધિકારી અને જિલ્લા રજિસ્‍ટ્રારના માર્ગદર્શન હેઠળ ચૂંટણીની સમગ્ર વ્‍યવસ્‍થા ગોઠવવામાં આવી છે, જેમાં ખેતી વિભાગમાં 10 બેઠક માટે 22 ઉમેદવાર અને 1462 મતદાર હતા. જ્યારે વેપારી વિભાગમાં 4 બેઠક માટે 10 ઉમેદવાર અને 570 મતદાર હતા. જે મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી આવતીકાલે સવારે એટલે કે 6 ઓક્ટોબરના રોજ સવારે 9 વાગ્‍યાથી શરૂ થશે.

યાર્ડના હાલના પ્રમુખ ડી.કે. સખિયાએ મતદાન કર્યું હતું.
યાર્ડના હાલના પ્રમુખ ડી.કે. સખિયાએ મતદાન કર્યું હતું.

ભાજપ પ્રેરિત પેનલનો જંગી બહુમતિ સાથે વિજય થશેઃ જયેશ રાદડિયા
જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે, આજે ઉત્સાહપૂર્વક મતદાન થયું હતું. ખેડૂત વિભાગમાં લાંબી લાઇન લાગી હતી. મને વિશ્વાસ છે કે, ભાજપ પ્રેરિત પેનલનો જંગી બહુમતિ સાથે વિજય થશે. સહકારી ક્ષેત્રે લોકોએ અમારી પર ભરોસો મૂક્યો છે. કાલે પરિણામ આવે તેમાં ભાજપ પ્રેરિત પેનલનો વિજય થશે. મેં ક્યારેય મતદારોને ડરાવવાનો અને ધમકાવાનો પ્રયાસ કર્યો નથી. આવી રીતે રાજનીતિમાં મત મળતા નથી. ગુપ્ત રીતે મતદાન થતું હોય છે.

જયેશ રાદડિયા સમર્થકો સાથે.
જયેશ રાદડિયા સમર્થકો સાથે.

મુખ્‍ય સ્‍પર્ધા ખેતી વિભાગની 10 બેઠક માટે
સંઘ વિભાગની બે બેઠકમાં અગાઉ ભાજપ પ્રેરિત પેનલના પુરુષોત્તમ સાવલિયા અને કેશુભાઈ નંદાણિયા બિનહરીફ થઇ ગયા છે. ત્યારે હવે મુખ્‍ય સ્‍પર્ધા ખેતી વિભાગની 10 બેઠક માટે છે, જેમાં ભાજપ પ્રેરિત પેનલના અને ભાજપની જ ભગીની સંસ્થા ભારતીય કિસાન સંઘ પ્રેરિત પેનલના 10-10 ઉપરાંત અન્‍ય 2 મળી કુલ 22 ઉમેદવાર મેદાને છે.

સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

આવતીકાલે સવારે 9 વાગ્યે મતગણતરી
માર્કેટ યાર્ડના ચૂંટણીપ્રચાર વખતે જોવા મળેલો ઉત્સાહ મતદાનમાં જળવાય રહે તો ભાજપ પ્રેરિત પેનલનો ભવ્‍ય વિજય થઇ શકે છે. જોકે બીજી તરફ યાર્ડમાં ખેડૂત પેનલમાં તમામ નવા ચહેરા આવવાથી અમુક ઉમેદવારોતરફી કે વિરોધી ક્રોસ વોટિંગની સંભાવના પણ સેવાઈ રહી છે. જ્યારે વેપારી વિભાગમાં ભાજપ સમર્થિત પેનલ અને વેપારી હિતરક્ષક પેનલ ઉપરાંત અન્‍ય બે સ્‍વતંત્ર ઉમેદવારો સહિત 10 ઉમેદવાર મેદાનમાં છે. ત્યારે હવે રાજકોટ યાર્ડમાં સત્તા પરિવર્તન થાય છે કે પુનરાવર્તન? એ ચિત્ર બુધવારે સ્‍પષ્‍ટ થઇ જશે.

ખેડૂત અને વેપારી વિભાગની ચૂંટણી યોજાઇ.
ખેડૂત અને વેપારી વિભાગની ચૂંટણી યોજાઇ.
સાંજે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ.
સાંજે 5 વાગ્યે મતદાન પ્રક્રિયા પૂર્ણ.
અન્ય સમાચારો પણ છે...