ગોંડલના છેવાડાની સોસાયટીઓમાં છાશવારે ચોરી-લૂંટનો બનાવ બનતો હોય છે. ત્યારે ગતરાત્રિના નેશનલ હાઈવે પર માર્કેટિંગ યાર્ડ પાછળ આવેલી શ્રીનાથજી સોસાયટીમાં ચોર-લૂંટારૂ ગેંગે આતંક મચાવ્યો હતો. રહેવાસીઓ જાગી જતાં પથ્થરોના ઘા કર્યા હતા. તેમજ એક મહિલાના ગળે છરી રાખી રોકડા રૂ.30,000ની લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. બીજી તરફ ગોંડલ-રાજકોટ નેશનલ હાઈવે પર રીબડા ગામ પાસે ગતરાત્રિના પ્લાસ્ટિકના કારખાનામાં ચડ્ડી- બનિયાન ગેંગ ઘૂસી હતી. જેમાં ઓફિસના ખાનામાં રાખેલા 14,58,900ની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. આ અંગેની જાણ થતા ગોંડલ તાલુકા પોલીસ દોડી ગઈ હતી અને આ ગેંગ વિરૂદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ગોંડલની શ્રીનાથજી સોસાયટીમાં લૂંટારૂઓએ આતંક મચાવ્યો
ગોંડલની શ્રીનાથજી સોસાયટીમાં રહેતા અને કલરકામ કરતા નરેશભાઈ પાલ અને તેમના પત્ની નીલમબેન પોતાના ઘરે સુતા હતા. ત્યારે ઘરમાં કોઈ પ્રવેશ્યા હોવાનો અવાજ આવતા જાગી ગયા હતા. દરમિયાન ઘરની અંદર નરેશભાઈને ચોર દેખાતા તેઓએ પડકાર ફેંક્યો હતો. આ દરમિયાન જ લૂંટારૂના અન્ય સાથીઓએ પથ્થરોના ઘા કરવાનું શરુ કરતા બૂમાબૂમ કરી હતી. આ દરમિયાન આડોશ પાડોશના લોકો જાગી જતા તેઓ બૂમો પાડતા તેમના પર પણ લૂંટારૂઓએ પથ્થરમારો કર્યો હતો.
થેલામાં રાખેલું મંગળસુત્ર અને પગના પાયલની ચોરી
બાદમાં લૂંટારૂઓએ નીલમબેનના થેલામાં રાખેલું મંગળસૂત્ર, પગની પાયલની ચોરી કરી હતી. ઉપરાંત અન્ય એક બ્લોકમાં પણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું નરેશભાઈના પરિવારજનોએ જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે. ત્યાં એક મહિલાના ગળે છરી રાખી રોકડા રૂપિયા 30 હજારની લૂંટ કરી હતી. પથ્થરમારામાં નરેશભાઈને સામાન્ય ઈજા થઈ હોય સરકારી હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
રીબડા પાસે પ્લાસ્ટિકના કારખાનામાં ચોરી કરી
રાજકોટના મવડી- કણકોટ રોડ પર ડ્રીમ સિટીમાં રહેતા અને રીબડા પાસે આવેલા ઉમિયાજી 2 ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં ટેરાફ્લો નામની કંપની પાર્ટનરશીપમાં ચલાવતા પિયુષભાઈ સુભાષભાઈ રાણીપાના કારખાનામાં ગતરાત્રિના ચડ્ડી-બનિયાનધારી ગેંગે ત્રાટકી ઓફિસના ખાનામાં રાખેલા રોકડા રૂપિયા 14,58,900ની ચોરી કરી હતી. આ અંગે ગોંડલ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
અન્ય એક કારખાનામાં ચોરીનો પ્રયાસ કર્યો
પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, કારખાનામાં ફીટ કરવામાં આવેલા CCTV કેમેરા ચેક કરવામાં આવતા રાત્રિના 1:30 વાગે ચડ્ડી-બનિયાન પહેરેલા અને બુકાનીધારી બે વ્યક્તિ ઓફિસમાં જોવા મળ્યા હતા. તેમજ અન્ય બે-ત્રણ વ્યક્તિઓ કારખાનાની બહાર જોવા મળ્યા હતા. તેમજ તેઓના કારખાનાની પાસે આવેલ હિતેશભાઈ દેપાણીના મારતી રબર કારખાનામાં પણ બે વાગે ગ્રીલ તોડી ચોરી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસે સીસીટીવી અને ફરિયાદના આધારે ચડ્ડી-બનિયાનધારી ગેંગને ઝડપવા શોધખોળ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.