ભારે વરસાદની અસર:રાજકોટ જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાંથી 3 હજાર લોકોનું સ્થળાંતરણ, અસરગ્રસ્તો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા કરાઇ

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ શહેરમાં 1090 લોકોનું સ્થળાંતરણ કરાયું. - Divya Bhaskar
રાજકોટ શહેરમાં 1090 લોકોનું સ્થળાંતરણ કરાયું.
  • બોલબાલા ટ્રસ્ટનાં સાથ સહકાર સાથે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી

રાજકોટમાં ભારે વરસાદ વચ્ચે મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ સતત ફિલ્ડમાં છે. રાજકોટનું વહીવટી તંત્ર પણ ગામડાઓમાં ફરી રહ્યું છે. રાજકોટ શહેર અને જિલ્લામાં નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ 3 હજાર લોકોનું સ્થળાંતરણ કરવામાં આવ્યું છે. તમામ લોકોને પાકા મકાનમાં સુરક્ષિત જગ્યાએ ખસેડીને ફૂડ પેકેટની પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

શહેરમાં 1090 જેટલા લોકોને સલામત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા
રાજકોટ શહેરમાં વરસી રહેલા ભારે વરસાદ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર અમિત અરોરા સહિતના તમામ વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સતત ફિલ્ડમાં ફરજ બજાવી રહ્યા છે. ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાંથી કુલ 1090 જેટલા લોકોને સલામત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત સ્થળાંતરીત લોકો માટે બોલબાલા ટ્રસ્ટનાં સાથ સહકાર સાથે ફૂડ પેકેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મનપા કમિશનર નીચાણવાળા વિસ્તારોમાં ફરી રહ્યાં છે
મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ વહેલી સવારથી જ શહેરના વિવિધ વિસ્તારોમાં ફરતા રહી આવશ્યક કામગીરી માટે સંબંધિત ઈજનેરો અને વહીવટી અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. કમિશનરે લલુડી વોંકળીના નીચાણવાળાં વિસ્તારો, ભગવતીપરા, રામનાથપરા જૂની જેલ પાસેના વિસ્તારો, ચુનારાવાડ, જંગલેશ્વર વગેરે વિસ્તારોમાં રાઉન્ડ લઈ પરિસ્થિતિ ઉપર સતત નજર રાખી હતી.

ગામડામાંથી પણ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતરણ કરાયું.
ગામડામાંથી પણ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતરણ કરાયું.

કોઠારિયા ચોકડી પાસેના વિસ્તારમાંથી કુલ 790નું સ્થળાંતરણ
આજે બપોરે 1 વાગ્યા સુધીમાં શહેરના ઈસ્ટ ઝોનમાં ભગવતીપરા, માલધારી સોસાયટી, સાગરનગર સોસાયટી, એકતા કોલોની અને કોઠારિયા ચોકડી પાસેના વિસ્તારમાંથી કુલ 790 જેટલા લોકોનું અનુક્રમે ભગવતીપરામાં શાળા નં.43, પ્રદ્યુમન પાર્ક પાસે શાળા નં.97, જંગલેશ્વરમાં શાળા નં.70 અને તિરૂપતિ પ્રાથમિક શાળા, કોઠારિયા ગામ રોડ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

આંબેડકરનગરમાંથી 100નું સ્થળાંતરણ
જ્યારે સેન્ટ્રલ ઝોનમાં વોર્ડ નંબર 14ના લલુડી વોંકળીના નીચાણવાળાં વિસ્તારો, રામનાથપરાના વિસ્તારોમાંથી આશરે 375 લોકોનું સુથાર લુહાર કોમ્યુનિટી હોલ, આંગણવાડી સેન્ટર નંબર 60 અને 61 ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ઉપરાંત વેસ્ટ ઝોનમાં બીજા રિંગ રોડ પર કટારીયા ચોકડી પાસે લક્ષ્મીના ઢોરા આંબેડકરનગર તરીકે ઓળખાતા વિસ્તારમાંથી 100 લોકોનું નજીકની સરકારી શાળામાં સ્થળાંતર કરાયું છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.
નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા.

જિલ્લામાં પણ સ્થળાંતરણની કામગીરી ચાલુ
જિલ્લાના શાપર-વેરાવળ ગામના 24 શ્રમિકોનું તેમજ વેરી ડેમના નીચાણવાળા વિસ્તારના બાલાશ્રમ અને આશાપુરા વિસ્તારનાં લોકોનું તથા મોજ નદી વિસ્તારનાં 250થી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું છે. જિલ્લાના કોટડા સાંગાણી તાલુકાના શાપર વેરાવળ ગામમાં નિચાણવાળા વિસ્તારોના 24 શ્રમિકોને ભક્તિધામ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે. જ્યારે વેરી ડેમ ઓવરફલો થતાં તેની નિચાણવાળા વિસ્તાર એવા બાલાશ્રમ અને આશાપુર વિસ્તારમાં સ્થળાંતરની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત મોજ ડેમ અને વેણું ડેમ પુર્ણ સપાટીએ ભરાતા મોજ ડેમના 27 દરવાજા 5 ફૂટ અને વેણુ ડેમના 14 દરવાજા 15 ફૂટ ખોલવામાં આવ્યા છે. મોજ નદીમાં ઘોડાપુર આવતાં આ વિસ્તારના 250થી વધુ લોકોનું ચિત્રાવડ પ્રાથમિક શાળામાં સ્થળાંતર કરવામાં આવ્યું છે.