કાર્યવાહી:રાજસ્થાનથી 5.13 લાખનો દારૂ લઇ જતા જામનગરના બૂટલેગર સહિત 3 પકડાયા

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટ્રકમાં પાર્સલોની આડમાં છુપાવ્યો’તો દારૂ, મોરબી રોડ પાસે કાર્યવાહી

અન્ય રાજ્યોમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો બેરોકટોક ગુજરાતમાં ઘૂસાડાઇ રહ્યો છે. ત્યારે 5.13 લાખની કિંમતનો દારૂ ભરેલી ટ્રક જામનગર પહોંચે તે પહેલા જ રાજકોટ પોલીસે ઝડપી લીધી છે. મોરબી રોડ બાયપાસથી મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક વિદેશી દારૂનો જંગી જથ્થો ભરીને જઇ રહી હોવાની ક્રાઇમ બ્રાંચને મળેલી માહિતીના આધારે પોલીસે વોચ ગોઠવી મહારાષ્ટ્ર પાસિંગની ટ્રક નીકળતા તેને અટકાવી હતી. ટ્રકમાંથી ચાલક-ક્લીનર સહિત ત્રણ શખ્સ મળી આવ્યા હતા.

પૂછપરછમાં રાજસ્થાનના ચાલક વિનોદસિંહ ભંવરસિંહ રાવત, ક્લીનર સુમેરસિંહ ચરણસિંહ રાવત અને જામનગરના દડિયા ગામનો જયેશ ભોજા માતંગ હોવાનું જણાવ્યું હતું. જ્યારે ટ્રકની તલાશી લેતા પ્રારંભે પાર્સલો જોવા મળ્યા હતા. તમામ પાર્સલો હટાવ્યા બાદ પાછળથી વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. વિદેશી દારૂની જુદી જુદી બ્રાન્ડનો 1860 બોટલ તેમજ પાઉચ મળી આવ્યા હતા.

પોલીસે 5,13,600નો શરાબ, ટ્રક તેમજ બે મોબાઇલ મળી કુલ રૂ.20.23 લાખનો મુદ્દામાલ કબજે કરી સકંજામાં આવેલા ત્રણેય શખ્સની પૂછપરછ કરતા જામનગરના દડિયા ગામનો જયેશ માતંગ રાજસ્થાનથી વિદેશી દારૂનો જથ્થો લઇ જામનગર જતો હોવાની કબૂલાત આપી છે. પોલીસે ત્રણેયની ધરપકડ કરી રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...