સુતેલા પરિવાર પર હુમલો:નિદ્રાધીન માતા-પુત્રને ધોકાના ઘા મારી 3 લૂંટારુ રૂ.1.91 લાખની મતા લૂંટી ગયા

રાજકોટ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • લોધિકા તાબેના મોટાવડા ગામમાં ગત મોડી રાત્રીના ઓસરીમાં સુતેલા પરિવાર પર હુમલો થયો
  • મહિલાના માથા પર કપડું ઓઢાડી એક લૂંટારુએ કહ્યું, ‘કંઇ બોલતી નહીં નહીંતર તારા પુત્રને પતાવી દઇશું’

રાજકોટ જિલ્લાના લોધિકા તાબેના મોટાવડા ગામે ત્રણ બુકાનીધારીએ નિદ્રાધીન માતા-પુત્ર પર ખૂની હુમલો કરી રૂ.1.91 લાખના મતાની લૂંટ ચલાવ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ભારતીબેન દિનેશભાઇ પરસાણા નામના પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમને ગામમાં 25 વીઘા ખેતીની જમીન ઉપરાંત રાજકોટના નિમેશભાઇ સોરઠિયાની 4 વીઘા જમીન વાવવા રાખી છે. મંગળવારે રાતે પતિ વાડીએ પાણી વાળવા ગયા હતા.

જ્યારે પોતે અને મોટો પુત્ર પારસ રાતે ડેલીને તાળું મારી ઓસરીમાં સૂઇ ગયા હતા. દરમિયાન ગત રાતે ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના માથામાં કોઇએ ધોકાનો ઘા ફટકારતા પોતે સફાળા જાગી ગયા હતા. આ સમયે ત્રણ બુકાનીધારી શખ્સ દેખાયા હતા. પોતાને ધોકાનો ઘા ફટકાર્યા બાદ પુત્ર પારસને પણ આડેધડ ઘા ફટકાર્યા હતા. ત્યારે ત્રણ પૈકી એક શખ્સ પોતાની પાસે આવી મોઢે ડૂમો દઇ માથા પર કપડું ઓઢાડી ગુજરાતીમાં કહ્યું કે, કંઇ બોલતી નહિ નહીંતર તને અને તારા દીકરાને પતાવી દઇશુંની ધમકી આપી હતી.

આ સમયે પુત્ર પારસ પણ બૂમો પાડતો હતો. માથામાં પોતાને ગંભીર ઇજા થતા બેભાન થઇ ગઇ હતી. એક કલાક બાદ ભાનમાં આવી નજર કરતા પુત્ર પારસ પણ ખાટલામાં લોહીલુહાણ હાલતમાં બેભાન પડ્યો હતો. તેમજ રૂમને મારેલા તાળાં તૂટેલા અને દરવાજો ખુલ્લો દેખાયો હતો. ઘરમાં તપાસ કરતા કબાટ તેમજ પટારો પણ ખુલ્લો હતો. જેથી સામે રહેતા પડોશીને બોલાવતા તેઓ દોડી આવ્યા હતા અને પાડોશીનો દીકરો પતિ દિનેશભાઇને વાડીએથી ઘરે લઇ આવ્યા હતા.

ત્યાર બાદ ઘરમાં તપાસ કરતા કબાટમાં રાખેલા રૂ.41 હજારના જુદા જુદા સોનાના ઘરેણાં તેમજ રોકડા રૂ.1.50 લાખ મળી કુલ રૂ.1.91 લાખની માલમતાની લૂંટ થયાનું માલૂમ પડ્યું હતું. બનાવની દિયરને તેમજ જેની જમીન વાવીએ છીએ તે નિમેશભાઇ મોટાવડા ગામે દોડી આવ્યા હતા અને પોતાને તેમજ પુત્ર પારસને રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સારવાર દરમિયાન પોતાને તેમજ પુત્રને માથામાં હેમરેજ જેવી ઇજા થયાનું નિદાન થયું હતું. ખૂની હુમલો કરી લૂંટ કરી નાસી ગયેલા બુકાનીધારી શખ્સો ગુજરાતી બોલતા હોય કોઇ જાણભેદુ જ હોવાની શંકાએ પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી છે.

જમીન ખાલી કરવા ધમકી આપનાર શખ્સો પર શંકા
સારવાર લઇ રહેલા ભારતીબેને પોલીસને જણાવ્યું કે, તેમની 25 વીઘા જમીનના કોઇએ પતિ પાસેથી દસ્તાવેજ કરાવી લીધા છે. જેના રૂપિયા અમને મળ્યા નથી, પરંતુ અમને જમીન ખાલી કરી જતા રહેવા અવારનવાર ધમકીઓ મળતી હતી. જેથી જમીન ખાલી કરાવવા અમને જે લોકો ધમકી આપે છે તે લોકોએ હુમલો કરી લૂંટ કર્યાની શંકા છે. ઇજાગ્રસ્ત ભારતીબેનના પતિએ અગાઉ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ કરી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. પોલીસે જમીનના ડખામાં હુમલો, લૂંટ થયાની દિશામાં પણ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...