તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી પહેલાં પાળ:કોરોનાની ત્રીજી લહેર બાળકો માટે જોખમી સાબિત થવાનાં આ રહ્યાં 3 કારણ, રાજકોટમાં 75 ચિલ્ડ્રન હોસ્પિટલ તૈયાર

રાજકોટ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની ત્રીજી લહેર સામે લડવા રાજકોટનું તંત્ર સજ્જ, ત્રીજી લહેર બાળકો પર હાવી થવાનું જોખમ વધારે

કોરાનાની પ્રથમ લહેર કરતાં બીજી લહેરમાં દરેક વ્યક્તિને દોડતા કરી દીધી હતી. ઓક્સિજન ઘટતાં લોકોએ પોતાના સ્વજનને બચાવવા સિલિન્ડર માટે રઝળપાટ કરવો પડ્યો હતો. બીજી લહેર ધીમી પડતાં આરોગ્ય વિભાગને પણ રાહત થઈ છે, પરંતુ દેશમાં કોરોનાની ત્રીજી લહેર આવે અને એ પણ બીજી લહેરની જેમ જ વધુ જોખમી હોવાનું અને એની વધુ અસર બાળકો અથવા પુખ્તવયના નથી તેમને થવાની શક્યતા વધુ છે. મહામારીની ત્રીજી લહેર સામે લડવા રાજકોટ સહિત રાજ્યભરમાં તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. રાજકોટમાં 75 ચિલ્ડ્રન હોસ્પિટલ તૈયાર કરી દેવામાં આવી છે અને એમાં 700 બેડ ઉપલબ્ધ કરાયાં છે.

50 જેટલાં વેન્ટિલેટરની વ્યવસ્થા કરાઈ
રાજકોટ મનપાના આરોગ્ય અધિકારી ડો.લલિત વાંઝાએ જણાવ્યું હતું કે વેક્સિનેશન અને નિયમ પાલનથી થર્ડ વેવ આવે તોપણ એનું જોખમ ઓછું થવાની આશા છે છતાં ત્રીજી વેવની પૂરતી તૈયારી કરાઈ રહી છે. આંગણવાડી હેલ્થવર્કરોથી માંડીને મેડિકલ સ્ટાફ, ધન્વંતરિ-સંજીવની રથ વગેરે માટે બાળકોને હોમ આઈસોલેશન, સારવાર વગેરે મુદ્દે તાલીમ આપવા આયોજન કરી રહ્યા છીએ. રાજકોટમાં 74 ખાનગી ચિલ્ડ્રન હોસ્પિટલો આવેલી છે, જેમાં બાળકોને એડમિટ કરવાના થાય તો 500 બેડની અને 50 જેટલાં વેન્ટિલેટરની વ્યવસ્થા હોવાનું સામે આવ્યું છે, જે રિપોર્ટ તૈયાર કરી દેવામાં આવ્યો છે.

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 200 બેડ તૈયાર કરાયાં
તેમણે વધુમાં જણાવ્યું હતું કે જ્યારે કે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ત્રીજી લહેરમાં બાળકો, સગર્ભા મહિલાઓ વગેરે સંક્રમિત થવાનું જોખમ અગાઉથી વિચારીને તૈયારીઓ કરાઈ છે. ચિલ્ડ્રન હોસ્પિટલમાં ઓક્સિજન વગેરે સુવિધા સાથે 200 બેડની વ્યવસ્થા રાખવામાં આવી છે.

બાળકો માટે ત્રીજી લહેર વધુ જોખમરૂપ થવાનાં મુખ્ય 3 કારણ
(1) દેશમાં હજુ બાળકોને રસી આપવાનું શરૂ કરાયું નથી, આથી રસીથી સુરક્ષિત નથી
(2) રસી લેનારી મોટી ઉંમરની વ્યક્તિ કોરોનાથી સંક્રમિત થઈ શકે છે અને આ ચેપ બાળકો સુધી ફેલાય એવું પૂરું જોખમ છે.
(3) બાળકો પોતાનું ધ્યાન રાખે એટલાં બાળસહજ ટેવાયેલાં હોતાં નથી.

ભારતમાં 18 વર્ષથી ઓછી ઉંમર લોકોનું વેક્સિનેશન બાકી
કોરોનાની બીજી લહેરમાં બાળકો પણ મોટી સંખ્યામાં સંક્રમિત થયા હોવાનું સામે આવ્યું છે અને હવે ત્રીજી લહેર આવશે કે નહીં એ તો કહેવું મુશ્કેલ છે, પરંતુ 18 વર્ષથી વધુ ઉંમરના મોટા ભાગના લોકોનું વેક્સિનેશન થઇ રહ્યું છે, માટે ત્રીજી લહેર આવે તો એમાં તેમને માઇલ્ડ સિમ્પ્ટોમ્સ થઇ શકે છે, પરંતુ આ વાતનું જોખમ બાળકો પર આવી શકે છે, જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે અને તેમનું વેક્સિનેશન બાકી છે.

બીજી લહેરમાં બાળકો ઝડપથી સાજા થઇ જતાં
બીજી લહેર દરમિયાન બાળકોમાં માઇલ્ડ સિમ્પ્ટોમ્સ જોવા મળતાં હતાં અને તેઓ ઝડપથી સાજા પણ થઇ જતાં હતાં. એક વાત એ પણ છે કે બીજી લહેર દરમિયાન બાળકોમાં કોવિડનાં 4થી 6 સપ્તાહ પછી PIMS અથવા MISC નામનો સિમ્પ્ટોમ્સ જે હોય છે એ જોવા મળે છે, પણ તબીબો તેની સારવાર માટે તત્પર છે, માટે ગભરાવાની કોઇ જરૂર નથી.​​​​​​​ ત્રીજી લહેર આવશે તો એમાં બાળકો સૌથી વધુ કોરોનાગ્રસ્ત થશે તેવા ઘણા અંદાજો લગાવાય રહ્યા છે. આ વચ્ચે પીડિયાટ્રિશિયન્સ અત્યારથી જ તૈયાર થઈ ગયા છે અને હોસ્પિટલની ગણતરી, બેડની સ્થિતિ, આઈસીયુની સ્થિતિ મેળવી લેવાય છે તેમજ બાળરોગ નિષ્ણાતોની સૌથી અગ્રીમ સંસ્થા ઈન્ડિયન એકેડમી ઓફ પીડિયાટ્રિક્સે કોરોનામાં બાળકોની સારવાર માટે ખાસ ગાઈડલાઈન્સ પણ તૈયાર કરી દીધી છે.

એક એક્સપર્ટ કમિટી બનાવાશે
ગાઈડલાઈન્સમાં અલગ અલગ દવાઓ ઉપરાંત સ્ટિરોઈડ પર પણ નિયંત્રણ લગાવાયું છે. વયસ્કોમાં સ્ટિરોઈડ માટે કોઇ સ્પષ્ટ ગાઈડલાઈન્સનો ખાનગી હોસ્પિટલમાં અભાવ હતો, જ્યારે સરકારી હોસ્પિટલમા દિવસમાં 3 વખત 8 એમજી મર્યાદા હતી. જોકે આ નવી ગાઈડલાઈન્સમાં બાળકોને એક જ વખત અને મહત્તમ 6 એમજી જ ડોઝ આપવાનું નોંધ્યું છે. સ્ટેટ ઈન્ફેક્શિયસ ડિઝીઝ માટે રાજકોટ મેડિકલ કોલેજના પૂર્વ પ્રાધ્યાપક અને હાલ સુરત મેડિકલ કોલેજમાં ફરજ નિભાવતા ડો. યોગેશ પોપટને જવાબદારી સોંપાઈ છે અને તેઓ અલગ અલગ તબીબો અને સંસ્થાઓ સાથે રહીને નિષ્ણાતોની ટીમ તૈયાર કરી રહ્યા છે. આ ઉપરાંત સરકાર કે આઈસીએમઆર દ્વારા પણ અલગ અલગ પ્રોટોકોલ જાહેર કરાતા હોય છે. તબીબો એ સમજવામાં તેમજ દર વખતે બદલાતા પ્રોટોકોલમાં પરેશાન ન થાય એ માટે એક એક્સપર્ટ કમિટી બનાવાશે.

અન્ય સમાચારો પણ છે...