રાજકોટ:રેલનગરમાં ત્રિપુટીએ જ્વલનશીલ પ્રવાહી છાંટી ભરત કુંગશિયાના ભાઇની ઓફિસ સળગાવી

રાજકોટએક વર્ષ પહેલા
  • ગુરુવારે મધરાતે બનેલી ઘટના, સીસીટીવી ફૂટેજમાં સમગ્ર ઘટના સ્પષ્ટ બની, કડી ગેંગની સંડોવણીની શંકા
  • કડી ગેંગે ભરતના ઘરે ધાડ પાડી’તી, બીજા દિવસે ફાઇનાન્સરને ભરતના ભાઇએ ધમકી દીધી ત્યાં ત્રીજો બનાવ બન્યો

શહેરના રેલનગરમાં આવેલી ભરત કુંગશિયાના ભાઇની ઓફિસમાં જ્વલનશીલ પ્રવાહી છાંટી ત્રણ શખ્સે ઓફિસ સળગાવી દીધી હતી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી, બે દિવસ પૂર્વે ધમાલ કરનાર કડી ગેંગના શખ્સોની સંડોવણી હોવાની દૃઢ શંકા સેવાઇ રહી છે.

સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
પોપટપરામાં રહેતા અને રેલનગર મેઇન રોડ પર સાધુવાસવાણી કુંજમાં ઇસ્કોન કોમ્પ્લેક્સમાં રામ એન્ટરપ્રાઇઝ નામે કેબલ કનેક્શનની ઓફિસ ધરાવતાં ભાવેશ રઘુભાઇ કુંગશિયા (ઉ.વ.30)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી. ભાવેશ કુંગશિયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, શુક્રવારે સવારે પોતે પોતાની ઓફિસે ગયો હતો ત્યારે ઓફિસની બાજુમાં રાખેલું કેબલ કનેક્શનનું બોર્ડ અને દુકાનનું રામ એન્ટરપ્રાઇઝ લખેલું બોર્ડ સળગેલી હાલતમાં જોવા મળ્યું હતું. રાત્રે શોર્ટ સર્કિટ થતાં બોર્ડ સળગ્યાનું પ્રાથમિક અનુમાન લગાવ્યું હતું, પરંતુ ઓફિસ ખોલીને ત્યાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કરતાં દુકાનના બોર્ડ સળગાવ્યાનું ખુલ્યું હતું. ભાવેશ કુંગશિયાએ ફરિયાદમાં કહ્યું હતું કે, ગુરુવારે મધરાતે ત્રણ શખ્સ ઓફિસ પાસે આવ્યા હતા અને ઓફિસના શટર પર જ્વલનશીલ પ્રવાહી છાંટી કાંડી ચાંપી નાસી ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસ કાફલો દોડી ગયો હતો અને ફૂટેજ કબજે કર્યા હતા.

વિવાદમાં ઓફિસ સળગાવી હોવાની આશંકા
અત્રે ઉલ્લેખનીય છેકે, બે દિવસ પૂર્વે ભરત કુંગશિયાના પત્નીએ કાસમ કડી સહિતના શખ્સો સામે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં ધાડ સહિતના ગુનાની ફરિયાદ નોંધાવી હતી. ભરત અને તેનો ભાઇ ભાવેશ ઘરે નહોતા ત્યારે કાસમ કડી સહિતના શખ્સો તેના ઘરે ધસી ગયા હતા અને ઘરમાં તોડફોડ કરી આતંક મચાવ્યો હતો. તા.18ના ભરત, દેવદાન અને કરશને ફાઇનાન્સ કંપનીના કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બે મામલાની તપાસ ચાલી રહી હતી ત્યાં ભાવેશ કુંગશિયાની ઓફિસ સળગાવવાની ઘટના બનતા પોપટપરા અને રેલનગર વિસ્તારના લોકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. ઓફિસને સળગાવવાની ઘટનામાં કાસમ કડીના સાગરીતોની સંડોવણી હોવાની શંકા સેવાઇ રહી છે.

ફાઇનાન્સ કંપનીના કર્મચારીને ભરત સહિત ત્રણે ખૂનની ધમકી દીધી
રેલનગરના રામેશ્વરપાર્કમાં રહેતા અને ફાઇનાન્સ કંપનીમાં સેલ્સ ઓફિસર તરીકે ફરજ બજાવતાં બ્રિજરાજસિંહ જિતેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.26)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમા તા.20ના ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી તરીકે ભરત કુંગશિયા, દેવદાન ભાનુ કુંગશિયા અને કરશન ભાનુ કુંગશિયાના નામ આપ્યા હતા. બ્રિજરાજસિંહે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તા.18ના પોતે તથા તેના સાળા હરપાલસિંહ મિત્રની કારમાં બેઠા હતા ત્યારે એક કારમાં ભરત કુંગશિયા ધસી આવ્યો હતો અને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી. બ્રિજરાજસિંહના પિતા સાથે હિસાબ બાબતે અગાઉ પણ બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખી ધમાલ કરી હતી ત્યારબાદ દેવદાન અને કરશને પણ શહેરમાં ફરીને બ્રિજરાજસિંહને શોધી ધમકી આપી હતી.