તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભેદ ઉકેલાયો:ગોંડલમાં સ્પા સંચાલકની 3 શખ્સે તિક્ષ્ણ હથિયારના 30 ઘા મારી હત્યા કરી'તી, સવા મહિને ત્રણેય હત્યારા હરિદ્વારથી ઝડપાયા

ગોંડલ6 દિવસ પહેલા
ગોંડલમાં સ્પા સંચાલકના હત્યારાની પોલીસે ધરપકડ કરી.
  • મૃતક સ્પા સંચાલકે આરોપીઓએ ST બસ પર પથ્થરમારો કર્યો તેવી બાતમી પોલીસને આપી હતી

ગોંડલની સૈનિક સોસાયટીમાં રહેતાં અને રાજકોટ સ્પા ચલાવતાં અજયસિંહ જાડેજાની સવા મહિના પહેલા ત્રણ શખ્સે કરપીણ હત્યા કરી નાસી છૂટ્યા હતા. ત્રણેય હત્યારાઓને પોલીસે સવા મહિના બાદ હરિદ્વારથી ઝડપી લીધા છે. હરિદ્વારના ગંગાઘાટ પરથી ત્રણેયને ઝડપી લીધા હતા. પોલીસ તપાસમાં મૃતક અજયસિંહે પોલીસને ગોંડલમાં એસટી બસ પર પથ્થરમારો કરનાર હત્યારાની બાતમી આપતા તેની ધરપકડ કરી હતી. આ અંગેનો ખાર રાખી ત્રણ શખ્સે અજસિંહને તિક્ષ્ણ હથિયારના 30થી વધુ ઘા મારી લાશ પથ્થર સાથે બાંધી કૂવામાં નાખી દીધી હતી.

તિક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરી હતી
ગોંડલની સૈનિક સોસાયટીમાં રહેતાં અજયસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા (ઉં.વ.21)ની ગત 25 એપ્રીલનાં રોજ તિક્ષ્ણ હથિયારનાં 30થી વધુ ઘા મારી નિર્મમ હત્યા કરાઇ હતી. બનાવ બાદ હત્યા કરનારાં સૈનિક સોસાયટીમાં રહેતાં જયવિરસિહ જયદિપસિહ જાડેજા, સચીન રસીકભાઈ ધડુક તથાં તીરુમાલા રેસીડેન્સીમાં રહેતાં વિવેક ઉર્ફે ટકો મહેન્દ્રભાઇ બારડ નાસી છૂટ્યાં હતા.

ત્રણેય આરોપીઓ સવા મહિનાથી ફરાર હતા.
ત્રણેય આરોપીઓ સવા મહિનાથી ફરાર હતા.

પોલીસે આરોપીઓના રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી
આ આરોપીઓને ઝડપવા માટે પોલીસે આકાશ પાતાળ એક કર્યા હતા. દરમિયાન હત્યારાઓ ઉતરાખંડનાં હરિદ્વારમાં હોવાની ખાનગી બાતમી પોલીસને મળતાં ડીવાયએસપી પ્રતિપાલસિંહ ઝાલા, પીઆઇ સંજયસિંહ જાડેજાનાં માર્ગદર્શન હેઠળ ગોંડલ સિટી પોલીસની ટીમ હરિદ્વાર દોડી ગઇ હતી. અહીં સાદા ડ્રેસમાં હત્યારાઓની શોધખોળ શરૂ કરતાં ભારત માતાનાં મંદિર પાસે પાંચમાં ઘાટ પર નજરે પડતાં ત્રણેય હત્યારાઓને દબોચી લઇ ગોંડલ પરત ફર્યા હતાં. પોલીસે આરોપીઓનાં રિમાન્ડ માટે તજવીજ હાથ ધરી છે.

ત્રીજા દિવસે અજયસિંહનો મૃતદેહ કૂવામાંથી મળ્યો
ગત જાન્યુઆરીમાં ગોંડલનાં રામદ્વાર પાસે એસટી બસ પર થયેલા પથ્થરમારાની ઘટનામાં પોલીસે જયવિરસિહ સહિતનાંને પકડ્યા હોય પોલીસને અજયસિંહે બાતમી આપી હોવાની શંકા સાથે ખાર રાખી તિક્ષ્ણ હથિયાર વડે તેની હત્યા કરાઇ હતી. બાદમાં પથ્થર સાથે તેનાં મૃતદેહને દોરડાંથી બાંધી નાગડકા રોડ પર કૂવામાં નાંખી દેવાયો હતો. અજયસિંહ લાપત્તા બનતાં બનાવનાં બે દિવસ બાદ 27 એપ્રીલના રોજ તેના પરિવાર દ્વારા સિટી પોલીસમાં ગુમ થયાની ફરિયાદ કરાઇ હતી. 28 એપ્રિલના રોજ તેની લાશ કૂવામાંથી મળી આવી હતી.

પોલીસે બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરી.
પોલીસે બાતમીના આધારે આરોપીઓની ધરપકડ કરી.

આરોપીઓએ અલગ અલગ આશ્રમ અને અન્નક્ષેત્રોનો આશરો લીધો હતો
પોલીસ ફરિયાદમાં શકમંદ તરીકે ઉપરોક્ત શખ્સોનો ઉલ્લેખ કરાયો હોય પોલીસે એક સગીર આરોપીને ઝડપી લઇ પૂછપરછ હાથ ધરતાં હત્યાનો ભેદ ખુલ્યો હતો. દરમિયાન હત્યામાં સંડોવાયેલા જયવિરસિહ, સચીન અને વિવેક ઉર્ફે ટકો પલાયન થઇ હરિદ્વાર પંહોચ્યા હતા. છેલ્લા 20 દિવસથી અલગ અલગ આશ્રમ અને અન્નક્ષેત્રોમાં આશરો લીધો હતો. હરિદ્વારમાં અનેક આશ્રમ અને ઘાટ હોય એક તબક્કે હત્યારાઓને શોધવાં પોલીસ માટે કઠીન બન્યું હતું. પરંતું PSI ડી.પી. ઝાલા તથા ટેક્નિકલ તપાસ રંગ લાવી હતી.

(હિમાંશુ પુરોહિત, દેવાંગ ભોજાણી, ગોંડલ)