લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ:રાજકોટમાં ભાડા કરારની સમય મર્યાદા પૂર્ણ થવા છતાં 3 શખસ 54.75 લાખનું મકાન ખાલી કરતા નથી, અંતે કંટાળીને મહિલાએ ફરિયાદ નોંધાવી

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
મહિલાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (ફાઈલ તસવીર) - Divya Bhaskar
મહિલાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી (ફાઈલ તસવીર)

રાજકોટના કોઠારિયા રોડ પર માસ્તર સોસાયટીમાં રહેતા રંજનબેન રામજીભાઈ વઘાસીયાએ માલવિયાનગર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે પ્રફુલ તુલશી જોષી, હિરેન જયંતિલાલ કોટક અને ધાર્મીબેન હિરેન કોટકના નામ આપ્યા છે. પોલીસે આ તમામ વિરૂદ્ધ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મકાન ખરીદ્યું ત્યારે આ આરોપીઓએ મૂળ માલિક સાથે ભાડા કરાર કર્યા હતા. બાદમાં ભાડા કરાર પૂરા થયા છતાં મકાન ખાલી કરતા નથી આ મકાનની કિંમત 54.75 લાખ છે.

250 ચો.વારમાં બે માળનું બિલ્ડિંગ પચાવી પાડ્યું
રંજનબેને ફરિયાદમાં જણાવ્યું હતું કે, લક્ષ્મીનગર મેઈન રોડ પર મહાદેવ વાડી કોર્પોરેશન સ્કૂલની બાજુમા આશરે 250 ચોરસવાર જમીન પર બે માળનુ બિલ્ડિંગ આવેલું છે. જે વેચનાર રાજેશભાઇ મકનભાઇ પાદરિયા અને હસમુખભાઇ મકનભાઈ પાદરિયા પાસેથી વેચાણ દસ્તાવેજ કરી ખરીદ્યું છે. આ મિલકતનો મારે ખરીદવાનો સોદો થયો તે વખતે આ બિલ્ડિંગમાં રાજેશભાઇ મકનભાઇ પાદરીયાએ આરોપીઓને 11 માસના ભાડેથી ભાડુઆત કરાર કરી આપ્યું હતું. પરંતુ તે વખતે આ આરોપીઓને આ બિલ્ડિંગમાં ભાડુઆત તરીકે કબ્જો ન હતો, બિલ્ડિંગ ખાલી હતું.

આરોપીઓએ વાંધો તકરાર રજૂ કર્યો નહોતો
બિલ્ડિંગનો ભાડા કરારનો સમય ચાલુ હતો, જેથી મેં અને રાજેશભાઇએ આરોપીઓ પ્રફુલ તુલશી જોષી, હિરેનભાઇ જયંતીલાલ કોટક અને ધાર્મીબેન હિરેનને મૌખિકમાં જાણ કરી હતી કે, આ મકાન અમે ખરીદી રહ્યા છીએ. ત્યારે તેઓએ જણાવ્યું કે, અમારા ભાડા કરારની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ અમે કોઇ ભવિષ્યમાં વાંધો તકરાર કરીશું નહીં અને આ મકાન ખરીદ કરતી વખતે મેં અખબારમાં જાહેર નોટિસ પણ આપી હતી. પરંતુ આ મકાનના દસ્તાવેજમાં આરોપીઓએ કે અન્ય વ્યક્તિએ કોઇ વાંધો તકરાર રજૂ કર્યો નહતો.

આરોપીઓએ પેઢી ખોલી બિલ્ડિંગને ગોડાઉન બનાવી દીધું
આથી બિલ્ડિંગનો દસ્તાવેજ કર્યો હતો અને આ મિલકત મેં ખરીદ કરી હતી. આરોપીઓ આ બિલ્ડિંગના ભાડા કરારની સમય મર્યાદા પૂર્ણ થતા પહેલાં અમારી જાણ બહાર આરોપીઓએ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરી પોતાનો સામાન રાખી મેસર્સ નિયંતા ફાર્મા નામની પેઢી તથા પેઢીને લગતો સામાન રાખી ગોડાઉન તરીકે અમારી મિલકતનો ગેરકાયદે કબ્જો કરી લીધો હતો. અમે જણાવવા છતાં અમારું બિલ્ડિંગ આરોપીઓ આજ દિવસ સુધી ખાલી કરતા નથી.

મકાન ખાલી કરવા લેખિતમાં નોટિસ પાઠવી
આથી અમે તેઓને મારી માલિકીની બિલ્ડિંગ ખાલી કરવા માટે લેખિતમાં નોટિસ પાઠવી હતી. છતાં પણ આ કામના આરોપીઓએ બિલ્ડિંગ ખાલી કર્યું નથી કે છેલ્લા તા.01/01/2020થી મારી માલિકીના બિલ્ડિંગમાં કબ્જો કરી અમારી માલિકીના બિલ્ડિંગ કિંમત 54.75 લાખની પચાવી પાડ્યું હતું. આ મામલે માલવિયાનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...