આવારા તત્વોની ધરપકડ:રાજકોટના હાથીખાનામાં પથ્થરમારો કરી 3 કારના કાચ ફોડનાર અને ડિસમીસથી બૂલેટમાં નુકસાન પહોંચાડનાર 3 શખસો ઝડપાયા

રાજકોટ17 દિવસ પહેલા
ત્રણેય આરોપી નોહિન પઠાણ, આફતાબ ગાલબ અને શાહબાઝની ધરપકડ કરી.
  • સીસીટીવીના આધારે એ ડિવીઝન પોલીસે ત્રણેય શખસોની ધરપકડ કરી

ગત સોમવારે વહેલી સવારે 3.51 વાગ્યે રાજકોટના હાથીખાના વિસ્તારમાં ટુવ્હિલર પર આવી ત્રણ શખસોએ પથ્થરમારો કરી 3 કારના કાચ ફોડ્યા હતા. તેમજ ડીસમીસ વડે એક બૂલેટમાં નુકસાન કર્યુ હતું. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી કારમાં તોડફોડ કરનાર 3 શખસોની ધરપકડ કરી છે. ત્રણેય શખસોને એ ડિવીઝન પોલીસ સ્ટેશન લાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સોમવારે વહેલી સવારે ઘટના બની હતી
શહેરના હાથીખાના મેઇન રોડ પર રામમઢી સામે રહેતાં રાજકીય આગેવાન ગૌતમ કાનગડની બે કાર, પડોશી નિલેશભાઇ સોનીની એક કાર અને અન્‍ય એક બૂલેટમાં સોમવારે વહેલી સવારે 3.51 વાગ્યે ટુવ્હિલર પર આવેલા ત્રણ શખસોએ પથ્‍થરમારો કરી અને ડીસમીસથી ઘા મારી નુકસાન કર્યું હતું, બાદમાં ભાગી ગયા હતાં. આ બનાવ અંગે સીસીટીવી ફૂટેજના આધારે ગૌતમભાઇના ભત્રીજા હેમલભાઇ ભરતભાઇ કાનગડે એ-ડિવીઝન પોલીસમાં બનાવની જાણ કરી હતી. જેના આધારે એ ડિવિઝન પોલીસે નોહિન ઉર્ફે નોઇલો નઝીરખાન પઠાણ, આફતાબ ગાલબ અને શાહબાઝ ઉર્ફે બાઘોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સીસીટીવીમાં ત્રણેય આરોપીઓ ટુવ્હિલરમાં કેદ થયા હતા.
સીસીટીવીમાં ત્રણેય આરોપીઓ ટુવ્હિલરમાં કેદ થયા હતા.

બે કાર અને એક બૂલેટમાં નુકસાન પહોંચ્યું હતું
સોમવારે વહેલી સવારે સવારે કૂતરા ભસવા માંડતા ગૌતમભાઇના ભાઇ ભરતભાઇ જાગી ગયા હતાં અને બહાર નીકળ્‍યા હતાં ત્‍યારે ત્રણ શખસો રામનાથપરા તરફ ભાગતા દેખાયા હતાં. પોતે જાગ્‍યા ત્‍યારે ઘર પાસે પાર્ક કરેલી ઇનોવા અને એમેઝ કારમાં તોડફોડ થયેલી જોવા મળી હતી. એક બૂલેટમાં પણ નુકસાન થયેલું હતું અને પડોશી નિલેશભાઇ સોનીની કારમાં પણ તોડફોડ થયાનું જોવા મળતાં અમે આસપાસના સીસીટીવી કેમેરાના ફૂટેજ ચેક કર્યા હતા. ઘરના સીસીટીવીમાં સવારે 3.51 વાગ્યે ટુવ્હિલરમાં ત્રણ શખસો આવતાં દેખાયા હતાં.

રાજકીય આગેવાનની કારનો કાચ ફોડી નાખ્યો હતો.
રાજકીય આગેવાનની કારનો કાચ ફોડી નાખ્યો હતો.

સીસીટીવીમાં ત્રણેય શખસો ટુવ્હિલરમાં આવ્યાનું જોવા મળ્યું હતું
આ શખસો પેલેસ રોડ, જયરાજ પ્‍લોટ મેઇન રોડ પર થઇ હાથીખાના રામમઢી પાસે આવ્‍યા હતાં અને એક થાંભલા પાસે વાહન ઉભું રાખ્‍યું હતું. જેમાં બે શખસ પાછળથી ઉતરી થોડે દૂર જઇ પથ્‍થરો હાથમાં લઇ આવ્યા હતાં. બાદમાં આગળ જતાં દેખાયા હતાં. ફૂટેજમાં જોકે ચહેરા દેખાતા ન હોય પણ ત્રણ શખસો સામેલ હોવાનું સ્‍પષ્‍ટ દેખાતુ હોય ફૂટેજ સાથે પોલીસને રજૂઆત કરવામાં આવતાં એ ડિવિઝન પોલીસની ટીમે ત્રણેય શખસોની ધરપકડ કરી હતી.