રાજકોટ શહેરમાં કોરોના વિસ્ફોટ થયો હોય તેમ એક જ દિવસમાં 1336 પોઝિટિવ કેસ નોંધાયા છે. બીજી લહેર પીક પર હતી ત્યારે પણ એક દિવસમાં સૌથી વધુ 764 પોઝિટિવ કેસ ચોપડે નોંધાયા હતા આ તેના કરતા બમણા જેટલા કેસ છે. બીજી તરફ ટેસ્ટની સંખ્યા પણ સાવ જૂજ જ છે તેથી શહેરમાં ટેસ્ટ વધશે તેમ હજુ આ આંક ઘણો વધશે.
રાજકોટ શહેરમાં એક સપ્તાહ દરમિયાન 37409 ટેસ્ટ કરાયા હતા અને તેમાં 4016 પોઝિટિવ કેસ આવ્યા હતા જે સરેરાશ 10 ટકાનો પોઝિટિવ રેશિયો ધરાવે છે એટલે કે દર 10 ટેસ્ટમાંથી એક વ્યક્તિ પોઝિટિવ નીકળ્યો છે પણ મંગળવારે જે કેસ જાહેર થયા છે તેમાં 4500 ટેસ્ટમાંથી 1336 વ્યક્તિ પોઝિટિવ નીકળ્યા છે જે 29 ટકા કરતા વધુ પોઝિટિવિટી રેશિયો ધરાવે છે. સરળભાષામાં દર 10 ટેસ્ટમાં 3 વ્યક્તિ પોઝિટિવ નીકળે છે અને દર ત્રીજો વ્યક્તિ કોરોનાગ્રસ્ત હોય છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યા સતત વધી રહી છે પણ ટેસ્ટની સંખ્યા વધારાતી નથી.
બીજી લહેરમાં 20 એપ્રિલે સૌથી વધુ 13011 ટેસ્ટ કરાયા હતા જેમાંથી 764 પોઝીટીવ આવ્યા હતા જે અત્યાર સુધીનો સૌથી મોટો આંક હતો પણ તેનો રેકોર્ડ હવે તૂટ્યો છે. ઓછા ટેસ્ટ પાછળ એક કારણ એ પણ છે કે, મનપાએ હાલ 7 જગ્યાએ ટેસ્ટિગ ડોમ શરૂ કર્યા છે અને આરોગ્ય કેન્દ્રોમાં પણ ટેસ્ટ થાય છે પણ આ બધી જગ્યાએ બપોરે 2 કલાક જેટલો લંચ ટાઈમ હોય ત્યારે ટેસ્ટ થતા નથી અને સાંજે 5 પહેલા ટેસ્ટિંગ બંધ કરી દેવાય છે.
આ કારણે કામે જતા વ્યવસાયિકો લંચ સમયે કે છૂટીને પણ ટેસ્ટ કરાવી શકતા નથી. ત્રીજી લહેર આવી ગઈ હોય તેટલા કેસ નોંધાઈ રહ્યા છે પરંતુ તંત્ર હજુ ટેસ્ટ વધારવામાં ગંભીર નથી. આ મામલે નાયબ મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમારે જણાવ્યું હતું કે, ટેસ્ટ બૂથ વધારવાની હાલ કોઇ તૈયારી નથી.
સૌરાષ્ટ્રમાં નોંધાયેલા કેસ | |
વિસ્તાર | કેસ |
રાજકોટ શહેર | 1366 |
રાજકોટ ગ્રામ્ય | 125 |
ભાવનગર શહેર | 399 |
ભાવનગર ગ્રામ્ય | 102 |
જામનગર શહેર | 252 |
જામનગર ગ્રામ્ય | 102 |
મોરબી | 318 |
જૂનાગઢ શહેર | 116 |
જૂનાગઢ ગ્રામ્ય | 15 |
અમરેલી | 76 |
ગીર સોમનાથ | 42 |
દ્વારકા | 34 |
પોરબંદર | 30 |
કુલ | 2977 |
અત્યાર સુધી 12 હોસ્પિટલમાં હતા હવે આંક કેટલો વધે તે બુધવારે સ્પષ્ટ થશે
રાજકોટ શહેરમાં અત્યાર સુધીમાં જે કેસ આવ્યા તે પૈકી માત્ર 12 જ દર્દી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. બાકીના તમામ હોમ આઈસોલેશનમાં છે. જોકે એક જ દિવસમા 1336 કેસમાંથી કેટલા દર્દીઓ હોસ્પિટલમાં છે તે અંગે આરોગ્ય શાખાનો સ્ટાફ તમામને ફોન કરીને પૂછપરછ કરી કેટલા દાખલ છે તે બુધવારે જાહેર કરાશે.
વીરપુરના કોવિડ પોઝિટિવ યુવકનું રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મોત
જેતપુરના વીરપુર માનકેશ્વર રહેતા મુકેશ રાઠોડ નામના યુવાનનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ યુવકને કોવિડ પોઝિટિવ હતો પણ હજુ સુધી તેના કોઇ વાલીવારસ મળ્યા નથી તેથી પોલીસે આ યુવકના વાલીવારસ હોય તો વીરપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જણાવ્યું છે.
આગામી સપ્તાહમાં પ્રતિદિન 2500 સુધી જશે, 15 દિવસ પછી ઘટશે
અત્યારે જે કેસ આવી રહ્યા તેમાં હજુ પણ વધારો થઈ શકે છે. હાલ ઓપીડીમાં તેમજ કેસમાં દરરોજ બમણા દર્દીઓ આવી રહ્યા છે. હાલની સ્થિતિ જોતા આગામી સપ્તાહ સુધીમાં એક જ દિવસમાં 2500થી વધુ કેસ આવી શકે છે. ત્યારબાદ કેસ ઘટશે અને 15 દિવસ પછી કેસ ઓછા થશે. - ડો. મયંક ઠક્કર, ક્રિટિકલ કેર નિષ્ણાત
બે સિન્ડિકેટ સભ્ય, એક વિદ્યાર્થી સંક્રમિત, યુનિવર્સિટીની લેબ બંધ
રાજકોટ સહિત રાજ્યમાં છેલ્લે ઘણા દિવસોથી કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ બે સિન્ડિકેટ સભ્યો અને એક વિદ્યાર્થીને કોરોના પોઝિટિવ આવતા યુનિવર્સિટીના ટીચિંગ અને નોન ટીચિંગ કર્મચારીઓમાં ફફડાટ ફેલાયો છે. યુનિવર્સિટીના ફિઝિક્સ ભવનનો એક વિદ્યાર્થી પણ સંક્રમિત થતા આ ભવનની લેબોરેટરી એક સપ્તાહ માટે બંધ કરી છે અને આખા ભવનને સેનિટાઈઝ કરવામાં આવ્યું છે. તાજેતરમાં જ યુનિવર્સિટીના બે સિન્ડિકેટ સભ્યો પણ કોરોના પોઝિટિવ થયા છે જેમાંથી એક સભ્યને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. જ્યારે એક વિદ્યાર્થી સંક્રમિત થતા આખું ભવન સેનિટાઈઝ કરાયું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.