પરિક્રમા:3 વૃદ્ધ મિત્ર 36 દી’માં 3600 કિ.મી.નું સાઇક્લિંગ કરી નર્મદા પરિક્રમા કરશે

રાજકોટ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 3 રાજ્યને જોડતી નર્મદા પરિક્રમાનો ઓમકારેશ્વરથી કરાશે પ્રારંભ

મધ્યપ્રદેશના અમરકંટકના પહાડોમાંથી નીકળતી અને ત્રણ રાજ્ય સાથે જોડાયેલી નદી નર્મદા આસ્થાનું પ્રતીક છે. આ નર્મદા નદીની કઠિન પરિક્રમા કરી ભાવિકો પુણ્યનું ભાથું બાંધે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ભાવિકો આ પરિક્રમા પગપાળા, સાઇકલ ઉપર કે અન્ય વાહનો મારફતે કરી રહ્યાં છે. ત્યારે રાજકોટના 60થી વધુની ઉંમરના ત્રણ મિત્રએ 3600 કિ.મી.ની નર્મદા પરિક્રમા કરવા સાઇકલ સાથે રવાના થયા છે.

દૂરસંચાર વિભાગમાંથી નિવૃત્ત થયેલા વિક્રમસિંહ આર.જાડેજા (63)એ રાજકોટથી રવાના થતા પૂર્વે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, દૂરસંચાર વિભાગમાં સબ ડિવિઝનલ એન્જિનિયર તરીકે નિવૃત્ત થયેલા મિત્ર ઘનશ્યામસિંહ જે.ચુડાસમા (66) અને મહાનગરપાલિકા સંચાલિત શાળાના નિવૃત્ત શિક્ષક રમેશભાઇ કોયાણી (61)ને નર્મદા પરિક્રમા અંગે વાત કરી હતી.

ત્રણેય મિત્ર નિયમિત સાઇક્લિંગ કરતા હોય આ વખતે નર્મદા પરિક્રમા સાઇકલ પર કરવાનું નક્કી કર્યુ. મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી પસાર થતી નર્મદાની પરિક્રમાનું અંતર 3600 કિ.મી. છે. જે અંતર અમે રોજ 100 કિ.મી. સાઇક્લિંગ કરી 36 દિવસમાં પૂર્ણ કરીશું. અમે રાજકોટથી ટ્રેન મારફતે ઇન્દોર અને ત્યાંથી ઓમકારેશ્વર પહોંચશું. ઓમકારેશ્વરથી અમે સાઇકલ પર નર્મદા પરિક્રમા ચાલુ કરીશું. પરિક્રમા દરમિયાન રૂટ પર આવતા ગ્રામ્ય વિસ્તારના લોકો ભોજન કરાવતા હોય ખર્ચ પણ નથી થતો.

અન્ય સમાચારો પણ છે...