રાજકોટના 7 ડેમ ઓવરફ્લો:ભાદર-2ના 3, આજી-2નો 1, છાપરાવાડી-2નો 1, ન્યારી-1ના 2 દરવાજા ખોલાયા, 50થી વધુ ગામને એલર્ટ, આજે ભારે વરસાદની આગાહી

રાજકોટ16 દિવસ પહેલા
ભાદર-2 ડેમ ઓવરફ્લો થતા 3 દરવાજા ખોલવામાં આવ્યા.

રાજકોટમાં શનિવારે પોણા ત્રણ ઇંચ વરસાદ વરસ્યા બાદ રવિવારે વધુ એક ઈંચ વરસાદ પડ્યો હતો. આ સાથે જ રાજકોટમાં સિઝનનો કુલ વરસાદ 37 ઈંચ થયો છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ હજુ આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના 6 જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે. સારા વરસાદથી રાજકોટ જિલ્લાના 7 ડેમ ઓવરફ્લો થયા છે. જેમાં ભાદર-2ના 3, આજી-2નો 1, છાપરાવાડી-2નો 1, ન્યારી-1 ડેમના 2 દરવાજા ખોલાયા છે.

રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમ છલોછલ
રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે. આજી ડેમની કુલ સપાટી 29 ફૂટની છે, જેની સામે 28.85 ફૂટની સપાટીએ પહોંચી છે. હાલમાં 1200 ક્યુસેક પાણીની આવક છે. જેમાં સાંજ સુધીમાં જો વરસાદ પડે તો ડેમ ઓવરફ્લો થઈ શકે છે.

ભાદર-2 ડેમના 3 દરવાજા 3 ફૂટ સુધી ખોલાયા
ધોરાજી તાલુકાના ભૂખી ગામ પાસેનો ભાદર-2 ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમના 3 દરવાજા 3 ફૂટ રાત્રે બાર વાગ્યે ખોલવામાં આવ્યા હતા. આથી ડેમની હેઠવાસમાં આવેલ ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી, ઉપલેટા તાલુકાના ડુમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા સહિતના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે. જ્યારે સૌરાષ્ટ્રના બીજા નંબરના સૌથી મોટો ભાદર-1 ડેમ 90 ટકા ભરાયો છે. હાલ 6430 ક્યુસેક પાણીની આવક શરૂ છે. પાણીની સારી આવક થતા સપાટી 32.60 ફૂટે પહોંચી છે. ભાદર ડેમની કુલ સપાટી 34 ફૂટની છે અને હવે ઓવરફ્લો થવામાં 1.40 ફૂટ બાકી છે.

આજી-2 ડેમનો એક દરવાજો બે ફૂટ સુધી ખોલાયો.
આજી-2 ડેમનો એક દરવાજો બે ફૂટ સુધી ખોલાયો.

આજી-2 ડેમનો 1 દરવાજો બે ફૂટ ખોલયો
રાજકોટ તાલુકાના માધાપર ગામ પાસેનો આજી-2 ડેમ નિર્ધારિત સપાટીએ ભરાય ગયો છે. ડેમનો 1 દરવાજો બે ફૂટ ખોલવામાં આવ્યો છે. ડેમની હેઠવાસમાં આવેલ પડધરી તાલુકાના અડબાલકા, બાધી, દહીંસરડા, ડુંગરકા, ગઢકા, હરીપર, ખંડેરી, નારણકા, ઉકરડા, જુના નારણકા અને ટંકારાના સખપર, કોઠારીયા સહિતના ગામના ગ્રામજનોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

જેતપુરનો છાપરવાડી-2 ડેમના 2 દરવાજા ખોલાયા
જેતપુર તાલુકાના જેપુર ગામ પાસે આવેલ છાપરવાડી-2 ડેમ હાલ ઓવરફ્લો થઈ ગયો હોવાથી ડેમનો 1 દરવાજો 1 ફૂટ તથા 1 દરવાજો 0.5 ફૂટ ખોલવામાં આવ્યો છે. હાલ 2175 ક્યુસેક પાણીનો પ્રવાહ છોડવામાં આવી રહ્યો છે. ઉપરવાસના વરસાદના કારણે હાલ પાણીની આવક સતત ચાલુ હોવાથી ડેમની હેઠવાસમાં આવેલા લુણાગરા, જાંબુડી, કેરાળી, મેવાસા, પ્રેમગઢ, લુણાગરી, રબારીકા ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા સુચિત કરવામાં આવ્યું છે.

ન્યારી-1 ડેમ છલોછલ થતા 2 દરવાજા ખોલાયા.
ન્યારી-1 ડેમ છલોછલ થતા 2 દરવાજા ખોલાયા.

ન્યારી-1 ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલયા
રાજકોટ જિલ્લાના ન્યારી-1 ડેમ નિર્ધારિત સપાટીએ ભરાય ગયો છે. ડેમના 2 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં 1246 ક્યુસેકના પ્રવાહની આવક છે. હાલમાં ડેમમાંથી 1246 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવ્યો છે. જળાશયની ભરપૂર સપાટી 104.5 મીટર છે. જ્યારે જળાશયની હાલની જળસપાટી 104.25 મીટર છે. આથી રાજકોટ તાલુકાના વાજડી વીરડા, વેજા ગામ, ગઢવાળી વાજડી ગામ, લોધીકા તાલુકાના વડવાળી વાજડી અને હરીપર(પાળ), પડધરી તાલુકાના ખુંભાળા, ન્યારા, રંગપુર, તરઘડી મોટા રંગપર સહિતનાં ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

ગોંડલનો વેરી ડેમ ઓવરફ્લો.
ગોંડલનો વેરી ડેમ ઓવરફ્લો.

ગોંડલ પાસે વેરી ડેમ ઓવરફ્લો
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોંડલ ગામ પાસેનો વેરી ડેમ ભારે વરસાદને કારણે ગત રાત્રે 10.50 વાગ્યાની સ્થિતિએ ઓવરફ્લો થઈ ગયો છે. આથી હેઠવાસમાં આવતા ગોંડલ તાલુકાના ગોંડલ, કંટોલીયા અને વારાકોટડા ગામોના લોકોએ નદીના પટમાં કે કાંઠા વિસ્તારમાં અવરજવર નહીં કરવા તેમજ સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવ્યું છે.

કોટડા સાંગાણીનો વાછપરી ડેમ 1 ફૂટથી ઓવરફ્લો
કોટડાસાંગાણી તાલુકાના કોટડાસાંગાણી ગામ પાસેના વાછપરી ડેમ નિર્ધારિત સપાટીએ ભરાય ગયો છે અને 1 ફૂટ ઓવરફ્લો ચાલુ છે. કોટાસાંગાણી તાલુકાના 4 ગામોને એલર્ટ કરાયા છે.ડેમમાં 1550 ક્યુસેકના પ્રવાહની આવક છે, હાલમાં ડેમમાંથી 1550 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવ્યો છે. આથી ડેમની હેઠવાસમાં કોટડાસાંગાણી તાલુકાના પાંચીયાવદર, ગોંડલ, ખરેડા, કોટડા સાંગાણી સહિતનાં ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર નહીં કરવા અને સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમની યાદીમાં જણાવાયું છે.

રાજકોટ જિલ્લાના ડેમની સ્થિતિ.
રાજકોટ જિલ્લાના ડેમની સ્થિતિ.

મોટાદડવાના કરમાળ ડેમના બે દરવાજા ખોલાયા
ગોંડલના મોટાદડવા નજીક આવેલ કરમાળ ડેમના બે દરવાજા 0.5 ફૂટ ખોલવામાં આવ્યા છે. ગત રવિવારના સાંજના પાણીની આવક થોડી વધતા 11:30 કલાકે ચેતવણી સાથે બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. જાણવા મળતા અહેવાલ અનુસાર કુલ પાણીની 753 ક્યુસેક આવક છે. જેમાંથી 753 ક્યુસેકનો પ્રવાહ છોડવામાં આવ્યો છે. જળાશય ભરપૂર સપાટી 169 મીટર છે. હાલની સપાટી 169 મીટર સાથે ભરપૂર કરમાળ ડેમ પાણીના હિલોળા લઈ રહ્યો છે.

જેતપુરમાં દોઢ કલાકમાં અઢી ઇંચ, જસદણમાં ઝાપટાં
રવિવારે રાજકોટ જિલ્લાના જેતપુરમાં દોઢ જ કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો હતો. ઉપરાંત ગોંડલ, જસદણ, આટકોટ, વીરનગર,વીરપુર, ધોરાજી સહિતના શહેરોમાં સાંજ બાદ ગાજવીજ સાથે વાદળો વરસી પડ્યા હતા અને માર્ગો પર પાણી ચાલતા થયા હતા.