ધરપકડ:દિલ્હી બોર્ડના નામે છેતરપિંડી આચરનાર દિલ્હીની મહિલા સહિત વધુ 3ની ધરપકડ

રાજકોટ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખાંભાનો કેતન 7 દી’ના રિમાન્ડ પર, જયંતીનો જેલમાંથી કબજો મેળવવા કવાયત

બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હીના નામે દિલ્હીમાં સંસ્થા શરૂ કરી ગુજરાતની 57 શાળા સાથે એફિલેશન કરી અનેક વિદ્યાર્થીઓને નકલી ડિગ્રી વેચવાના કૌભાંડમાં ધરપકડ પામેલા ખાંભાના શખ્સને પોલીસે સાત દિવસના રિમાન્ડ પર લીધો હતો, તેમજ દિલ્હીની મહિલા સહિત વધુ ત્રણની ધરપકડ કરી હતી. ખાંભા અને દિલ્હીની ઓફિસમાંથી કબજે થયેલા સાહિત્ય પર પોલીસે વિશેષ તપાસ શરૂ કરી હતી.

રાજકોટની એસઇઆઇટી એજ્યુકેશન નામની સંસ્થામાં રૂ.15 હજારમાં કોઇપણ કોર્સની ડિગ્રી અને માર્કશીટ વેચાતી હોવાના કૌભાંડનો ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યા બાદ પોલીસે ખાંભાના કેતન હરકાંત જોશીને ઝડપી લીધો હતો, કેતનની ઓફિસમાંથી પોલીસે બોર્ડ ઓફ હાયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હી નામના સાહિત્યનો જથ્થો મળી આવ્યો હતો. કેતન જોશી, જયંતીલાલ લાલજી સુદાણી, અમૃતલાલ પીઠડિયા અને પરેશ પ્રાણશંકર વ્યાસ ઉપરોક્ત સંસ્થામાં ટ્રસ્ટી બન્યા હતા અને દિલ્હીની ઓફિસ તનુજાસીંગ નામની યુવતી સંભાળતી હતી.

આ તમામ આરોપીઓએ રાજ્યની 57 શાળામાં નકલી સર્ટિફિકેટ ધાબડ્યા હતા. ક્રાઇમ બ્રાંચે ઉપરોક્ત તમામ આરોપીઓ સામે ગુનો નોંધ્યા બાદ કેતન જોશીની ધરપકડ કરી રવિવારે તેને કોર્ટમાં રજૂ કરતાં કોર્ટે તેને સાત દિવસના રિમાન્ડ પર પોલીસ હવાલે કર્યો હતો. ક્રાઇમ બ્રાંચના પીઆઇ વાય.બી.જાડેજાએ જણાવ્યું હતું કે, આ ઉપરાંત કૌભાંડમાં સંડોવાયેલી દિલ્હીની તનુજાસીંગ, અમૃતલાલ પીઠડિયા અને પરેશ વ્યાસની ધરપકડ કરવામાં આવી છે, જયંતીલાલ સુદાણી અગાઉના ગુનામાં જેલહવાલે હોય તેનો જેલમાંથી કબજો મેળવાશે.

અન્ય સમાચારો પણ છે...