બાળકીએ રબરનો ટુકડો નાકમાં નાખ્યો:3 મહિના દુર્ગંધ મારતું પ્રવાહી, લોહી નીકળ્યું, માતા-પિતા પરેશાન બન્યાં, રાજકોટના ENT સર્જને દૂરબીનથી ગણતરીની મિનિટમાં બહાર કાઢ્યો

રાજકોટ15 દિવસ પહેલા

મૂળ રાજસ્થાનના મદનભાઈ ત્રિવેદી પરિવાર સાથે ઘણાં વર્ષોથી રાજકોટમાં રહે છે. તેની 10 વર્ષની પુત્રી સુહાનીએ ત્રણ મહિના પહેલાં નાકમાં રબરનો ટુકડો નાખ્યો હતો, જે ઊંડે જઈને ફસાઈ ગયો હતો. બાદમાં બાળકીના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અને લોહી નીકળવા લાગ્યું હતું તેમજ સતત શરદી અને નાક બંધ થઈ જવાની તકલીફ ઊભી થઈ હતી. આવું છેલ્લા ત્રણ મહિના સુધી ચાલ્યું. માતા-પિતાએ અનેક જગ્યાએથી દવા લીધા, પણ બાળકીને કોઈ ફેર જણાતો નહોતો, આથી માતા-પિતા પણ દીકરીને થતી પીડાને લઈને પરેશાન બન્યાં હતાં. અંતે, રાજકોટના ઇયર, નોઝ એન્ડ થ્રોટ (ENT)ના સર્જન પાસે પુત્રીને લઈને આવ્યા હતા. ડોક્ટરે દૂરબીન વડે સુહાનીના નાકમાંથી એક ઇંચ જેટલા રબરના ટુકડાને બહાર કાઢ્યો હતો. બાદમાં દીકરીને રાહત થતાં માતા-પિતાએ હાશકારો અનુભવ્યો હતો.

બાળકીને વારંવાર શરદી થતી હતી
ENT સર્જન ડો.હિમાંશુ ઠક્કરે જણાવ્યું હતું કે નાનાં બાળકો રમતાં રમતાં કાન કે નાકમાં અમુક વસ્તુઓ નાખી દેતાં હોય છે. એનાથી કેવી ગંભીર પરિસ્થિતિ ઉદભવે એવો જ એક કિસ્સો અમારી હોસ્પિટલમાં તાજેતરમાં નોંધાયો હતો. સુહાની ત્રિવેદીને ત્રણ મહિનાથી જમણી બાજુના નાકમાંથી દુર્ગંધ મારતું પ્રવાહી અને લોહી આવતું હતું તેમજ નાક બંધ રહેવાની ફરિયાદ સાથે તેનાં માતા-પિતા મારી પાસે લઈ આવ્યા હતા. પ્રાથમિક અમે દૂરબીન વડે જોયું તો એવું લાગ્યું કે નાકમાં કંઈક પીળા કલરનું છે, જે રસી જેવું લાગતું હતું. સુહાનીનાં માતા-પિતાએ જણાવ્યું હતું કે વારંવાર સુહાનીને શરદી થઈ જતી હતી. આથી અમે અનેક જગ્યાએથી દવા લીધી હતી.

સર્કલમાં બાળકીના નાકમાંથી બહાર કાઢવામાં આવેલો રબરનો ટુકડો.
સર્કલમાં બાળકીના નાકમાંથી બહાર કાઢવામાં આવેલો રબરનો ટુકડો.

બાળક રમતું હોય ત્યારે માતા-પિતા ખાસ ધ્યાન રાખે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે પરંતુ દૂરબીનથી તપાસ કરી ઓપરેશન થિયેટરમાં લઈ જઈને આ વસ્તુ કાઢવામાં આવી. જે જોઈને હું અને તેનાં માતા-પિતા પણ અચંબિત થઈ ગયાં હતાં, કારણ કે એ એક રબરનો ટુકડો હતો અને છેલ્લા ત્રણ મહિનાથી નાકની જમણી બાજુમાં ફસાયેલો હતો. રબરના ટુકડાને લીધે જ બાળકીને આ બધી તકલીફ થતી હતી, આથી બાળકો જ્યારે કાન, નાક કે ગળામાં કોઈપણ વસ્તુ નાખી દે ત્યારે સામાન્ય બાબત ગંભીરતામાં પરિણમે છે. વાલીઓ માટે ચેતવણીરૂપ આ કિસ્સો છે. તમારું બાળક રમતું હોય ત્યારે ધ્યાન રાખો.

બાળકીના પિતા મદનભાઈએ હાશકારો અનુભવ્યો.
બાળકીના પિતા મદનભાઈએ હાશકારો અનુભવ્યો.

રબરનો ટુકડો ક્યારે નાકમાં નાખ્યો એ વિશે માતા-પિતા અજાણ હતાં
તેમણે આગળ જણાવ્યું હતું કે બાળકીનાં માતા-પિતા પણ ખૂબ જ અચંબામાં પડી ગયાં કે બાળકીએ ક્યારે આ રબર નાકમાં નાખી દીધું એ તેમને પણ જાણ નહોતી. છેલ્લા ત્રણ મહિનાથી બાળકી ખૂબ જ પરેશાન હતી, પરંતુ દૂરબીનથી ફસાયેલા રબરનો ટુકડો ગણતરીની મિનિટોમાં બહાર કાઢી બાળકીને યાતનામુકત કરી હતી.

રબરનો ટુકડો નકામાં ઊંડે સુધી જતો રહ્યો હતો.
રબરનો ટુકડો નકામાં ઊંડે સુધી જતો રહ્યો હતો.

ઘણી જગ્યાએથી દવા લીધી, પણ કોઈ ફેર પડતો નહોતો
સુહાનીના પિતા મદનભાઈએ જણાવ્યું હતું કે મારી દીકરીના નાકમાં છેલ્લા બે-ત્રણ મહિનાથી કંઈક ફસાયેલું હતું. અમે જોયું તો તેના નાકમાં રસી આવતા હતા, લોહી નીકળવું જેવી તકલીફ થતી હતી. અમે ઘણા ડોક્ટર પાસેથી દવા લીધી, પણ કોઈ યોગ્ય નિદાન થયું નહીં. બાદમાં ડો.ઠક્કર પાસે આવ્યા તો તેમણે દૂરબીનથી જે વસ્તુ કાઢી એ એક રબરનો ટુકડો હતો. અમે મૂળ રાજસ્થાનના છીએ, પરંતુ ઘણા સમયથી રાજકોટમાં રહીએ છીએ.

પીડામાંથી મુક્તિ મળતાં સુહાનીના ચહેરા પર ખુશી જોવા મળી.
પીડામાંથી મુક્તિ મળતાં સુહાનીના ચહેરા પર ખુશી જોવા મળી.

અગાઉ 9 વર્ષની બાળકીને આવી જ તકલીફ થઈ હતી
9 મહિના પહેલાં રાજકોટમાં આરિફા રહીમભાઈ સૈયદ નામની 9 વર્ષની બાળકીના નાકમાં સાડાત્રણ વર્ષથી નાકમાં ક્રેયોન (રંગીન ચાકની સળી) ફસાયેલી હતી, આથી તેને રોજ અસહ્ય પીડામાં કણસવું પડતું હતું. આ માટે પરિવારે ઘણી હોસ્પિટલોમાં એક્સ-રે કરાવ્યા, પણ સચોટ ઇલાજ થતો નહોતો. બાદમાં વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી એક હોસ્પિટલમાં બાળકી સાથે પરિવાર પહોંચ્યો હતો અને અહીં ઈએનટી સર્જન ડો.હિમાંશુ ઠક્કરે દૂરબીનથી તપાસ કરતાં નાકમાં કંઈક ફસાયેલું હોવાનું માલૂમ પડ્યું હતું. બાદમાં દૂરબીનથી ઓપરેશન કરી ગણતરીની મિનિટોમાં ફસાયેલી વસ્તુ બહાર કાઢી હતી. આ વસ્તુ ક્રેયોન હોવાનું માલૂમ પડ્યું હતું. ક્રેયોનના બે ટુકડાનું માપ લેતા અઢી ઇંચ જેટલી લંબાઈના જોવા મળ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...