રાજકોટ તાલુકા અનુસૂચિત સામુદાયિક ખેતી સહકારી મંડળીના પ્રમુખ રણજિત ગીરધર મકવાણાએ ખેતીની જમીન અપાવી દેવાના બહાને રૂ.3 લાખ મેળવી છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઇ છે. કેનાલ રોડ, લલૂડી વોંકળી પાસે રહેતી ભારતીબેન જગદીશભાઇ સાગઠિયા નામની પરિણીતાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, રાજકોટ તાલુકા અનુસૂચિત સામુદાયિક ખેતી સહકારી મંડળી ખેતી કરવા માટે જમીન આપતી હોવાની માહિતી મળી હતી. જેથી રાજનગર ચોક પાસે ક્રિષ્ના કોમ્પ્લેક્સ આવેલી મંડળીની ઓફિસે ગત વર્ષના માર્ચ મહિનાની તા.4ના રોજ પતિ સાથે ગયા હતા. જ્યાં પ્રમુખ રણજિત મકવાણા બેઠા હતા.
વાતચીતમાં રણજિત મકવાણાએ મંડળીની જમીન ખીજડિયા ગામે આવેલી છે. જો તે જોઇતી હોય તો તમારે સભ્યપદ માટે રૂ.1 હજાર ભરવા પડશે. જે વાત થયા બાદ તુરંત 1 હજાર ભરી સભ્યપદ મેળવ્યું હતું. ત્યાર બાદ રણજિત મકવાણાએ જમીન માટે કુલ રૂ.3 લાખ ભરવાની વાત કરતા બે કટકે તેમને કુલ રૂ.3 લાખ આપ્યા હતા.
જમીનના કાગળો કયારે મળશે તેવું પૂછતા તેને બે મહિનામાં કાગળોની કામગીરી પૂરી થશે એટલે તમને જમીનના કાગળો આપીશું. તપાસ કરતા ઘણા દિવસોથી બંધ હોવાનું ત્યાંથી જાણવા મળ્યું હતું. જેથી રણજિત મકવાણાના મોબાઇલ પર રિંગ કરી હતી. પરંતુ તેનો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો. રણજિત મકવાણાનો રૂબરૂ તેમજ મોબાઇલ પર અનેક વખત સંપર્ક કરવા છતાં કોઇ સંપર્ક નહિ થતા પોતાની સાથે છેતરપિંડી કર્યાનું માલૂમ પડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.