દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મીએ રાજકોટ આવી રહ્યા છે અને આટકોટ ગામે બનાવેલી પટેલ સમાજ સંચાલિત કે.ડી.પી. હોસ્પિટલનું લોકાર્પણ કરશે.જ્યાં PM મોદીની સભામાં અંદાજિત 3 લાખ લોકો એકઠા થશે. અને આ માટે વ્યવસ્થાના ભાગ રૂપે 3500 સ્વયંસૈનિકો સભા સ્થળ પર તૈનાત રહેશે. નોંધનીય છે કે પોતાના અંગત કારણોસર ખોડલધામના ચેરમેન નરેશ પટેલ શનિવારે ગેરહાજર રહેશે. આટકોટ ખાતે નવનિર્મિત હોસ્પિટલ અને સભા સ્થળ તેમજ પાર્કિંગ સ્થળ માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
એક પણ સરકારી બસનો ઉપયોગ કરવામાં નથી આવ્યો
PM મોદીના કાર્યક્રમ અંગે હોસ્પિટલના મેનેજીંગ ટ્રસ્ટી અને ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોધરાએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું. જ્યાં તેમણે જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના આરોગ્ય ક્ષેત્રે આ હોસ્પિટલ સ્વરૂપે મોટી ભેટ મળી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાડા ચાર વર્ષ પહેલાં જાહેર સભા કરી હતી ત્યાર પછી આગામી 28 તારીખે જાહેર સભા સંબોધશે. જ્યાં તેમની સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા અને કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા પણ ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રી આ કાર્યક્રમમાં એક પણ સરકારી બસનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. 250 કરતા વધુ ખાનગી બસમાં લોકો સ્વયંભૂ આવશે.
500 વિધા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ
આ ઉપરાંત હોસ્પિટલના અન્ય ટ્રસ્ટી પરેશ ગજેરાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, શનિવારે સૌરાષ્ટ્રભરમાંથી 3 લાખ કરતા વધુ લોકો લોકાર્પણ કર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. જે માટે સભા સ્થળની આસપાસ અને નજીક 500 વિધા જમીનમાં પાર્કિંગની વ્યવસ્થા ઉભી કરાઈ છે. આ સાથે 600×1200 ફૂટનો વિશાલ મુખ્ય ડોમ અને જાહેર જનતા માટે 4 ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. તથા 4 હેલીપેડ તૈયાર કરવામાં આવ્યા છે. 1500 જેટલા સ્વયંસૈનિકો પાર્કિંગમાં અને ટ્રાફિક મેનેજમેન્ટ માટે સેવા આપશે. જયારે 2000 સ્વયંસૈનિકો બેઠક વ્યવસ્થામાં ખડેપગે રહેશે.
2 કલાકમાં 3 લાખ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, ઉનાળાને કારણે લોકોને પીવાનું પાણી મળી રહે તે માટે 2 લાખ લીટર પીવાનું પાણી ડોમમાં રાખવામાં આવશે અને જે લોકો જાહેર સભામાં આવે તેમને ભોજન માટે પણ ખાસ વ્યવસ્થા કરાઈ છે. જ્યાં 2 કલાકમાં 3 લાખ લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ સહિત રાજ્ય સરકારનું મંત્રી મંડળ ઉપસ્થિત રહેશે.
PM મોદીની વ્યવસ્થામાં રહેનાર અધિકારીના કરાશે RTPCR ટેસ્ટ
કલેક્ટરના અધ્યક્ષસ્થાને PMના આગમનની તૈયારીને લઈને સમીક્ષા બેઠક બોલાવાઈ હતી જેમાં નક્કી કરાયું છે કે પીએમ જ્યારે આવે ત્યારે તેમની આસપાસ રહેનારા તમામ અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ સ્ટેજ પર કે સ્ટેજની આસપાસના તમામના કાર્યક્રમ પહેલા RTPCR ટેસ્ટ કરાશે. વડાપ્રધાન હવાઈ માર્ગે આટકોટ પહોંચવાના હોવાથી કાર્યક્રમ સ્થળે હેલિપેડ, કોન્વોયની કામગીરી ફાયર સેફ્ટી, મેડિકલ ટીમ તેમજ કાર્યક્રમ સ્થળે જ્યાં મેદની છે ત્યાં એમ્બ્યુલન્સ રાખવા માટે આદેશ અપાયા છે.
આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું
આ ઉપરાંત 28મીએ એક દિવસ માટે આટકોટને નો-ફ્લાય ઝોન જાહેર કરાયું છે. આ કાર્યક્રમને લઈને સમગ્ર વહીવટી તંત્ર કામે લાગ્યું છે તો બીજી તરફ ભાજપે પણ પોતાના કાર્યકરોને અલગ અલગ જવાબદારીઓ સોંપી છે જેમાં ભીડ એકત્ર કરવાથી માંડી અલગ અલગ વ્યવસ્થા પૂરી પાડવાનો પણ સમાવેશ થઈ જાય છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.