મધ્યપ્રદેશમાં અકસ્માત:રાજકોટથી વતન જઇ રહેલું દંપતી સહિત 3નાં મોત

રાજકોટ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાંદપુર ગામ નજીક ખાનગી બસ 15 ફૂટ નીચે નદીમાં ખાબકી
  • ​​​​​​​ડ્રાઇવરને ઝોકું આવતા અકસ્માત, વધુ મુસાફરો ભર્યા’તા

મધ્યપ્રદેશના ચાંદપુર નજીક 15 ફૂટ નીચે નદીમાં બસ ખાબકતા રાજકોટથી વતન જઇ રહેલા દંપતી સહિત ત્રણનાં મોત નીપજ્યા હતા, જ્યારે 28 મુસાફરને ઇજા થઇ હતી. બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફર ભરવામાં આવ્યા હતા, ડ્રાઇવરને વહેલી સવારે ઝોકું આવી જતાં દુર્ઘટના ઘટી હતી.

એમ.પી.ના જોબટ તાલુકાના કાલીખેતર ગામના વતની અને ગોંડલના પાટખિલોરી ગામે એક ફેક્ટરીમાં મજૂરી કરતાં કૈલાસ નવલસિંહ મેડા અને તેના પત્ની મહજાબાઇ રાજકોટથી ખાનગી બસમાં વતન જવા નીકળ્યા હતા, રવિવારે સવારે 5 વાગ્યે બસ અલીરાજપુરથી નવ કિલોમીટર દૂર ખંડવા વડોદરા હાઇવે પર ચાંદપુર પહોંચી હતી ત્યારે બસના ડ્રાઇવરને ઝોકું આવતા સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને બસ 15 ફૂટ નીચે નદીમાં ખાબકી હતી.

મુસાફરોની ચિચિયારીથી રોડ ગૂંજી ઉઠ્યો હતો, નજીકમાં આવેલા ગામના લોકો ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા લાગ્યા હતા, અકસ્માતમાં કૈલાસ મેડા, તેના પત્ની મહજાબાઇ અને ગાંધીધામમાં મજૂરીકામ કરતાં સંજય કિરાડના એક વર્ષના પુત્ર યુગનું મોત નીપજ્યું હતું. અકસ્માતમાં 28 મુસાફરને ઇજા થઇ હતી તે તમામને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અકસ્માતનો ભોગ બનનાર દંપતી કાલીખેતર ગામનું વતની હતું અને તે ગોંડલના પાટખિલોરી ગામે ફેક્ટરીમાં કામ કરતું હતું, તેના પરિવાર પર દેણું થઇ ગયું હોય દંપતી મજૂરી કરીને એકઠા કરેલા પૈસાથી દેણું ચૂકવવા માટે વતન જતા હતા ત્યારે રસ્તામાં જ તેને કાળ ભેટી ગયો હતો. બસમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો ભરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...