શહેરના જિલ્લા પંચાયત ચોક નજીક યાજ્ઞિક રોડ પર દુકાન ધરાવતા વેપારી પર વહેલી સવારે બાજુમાં આવેલી ચાની હોટેલના સંચાલક સહિત ત્રણ શખ્સે હુમલો કર્યો હતો. વેપારી યુવક જીવ બચાવીને પોલીસ કમિશનર કચેરીમાં ઘૂસી જતા હુમલાખોરો પરત ભાગી ગયા હતા, જોકે દુકાનમાં જઇ તોડફોડ કરી રૂ.1.10 લાખની રોકડ અને 95 હજારના ચેઇનની લૂંટ ચલાવી ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
રૈયા રોડ પર ગુલાબનગરમાં રહેતા અને યાજ્ઞિક રોડ પર ચંદુભાઇ ભેળવાળાની બાજુમાં પટેલ માર્કેટિંગ નામે દુકાન ચલાવી વેપાર કરતાં રાહુલ કિશોરભાઇ પાદરિયા (ઉ.વ.32)એ પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે તેની દુકાનની બાજુમાં આવેલી ઠાકરધણી ચાની હોટેલના સંચાલક ઘુઘા મપા અને બે અજાણ્યા શખ્સના નામ આપ્યા હતા. રાહુલ પાદરિયાએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે, શનિવારે વહેલી સવારે 5 વાગ્યે પોતે પોતાની દુકાન પાસે ઊભો હતો.
ત્યારે શેરીમાં ઠાકરધણી હોટેલ વાળો ઘુઘા મેપા તથા એક અજાણ્યો શખ્સ ધસી આવ્યા હતા અને ‘તું અમારી વિરુદ્ધ કોર્પોરેશનમાં અવાર નવાર કેમ અરજી કરશ’ તેમ કહી પાઇપથી હુમલો કર્યો હતો અને આ દુકાન ખાલી કરીને જતો રહે એ દુકાન મારે જોઇએ છે તેમ કહી વધુ મારકૂટ કરવા લાગ્યા હતા તે સાથે જ અન્ય એક શખ્સ પાઇપ સાથે ધસી આવ્યો હતો, ત્રણ ત્રણ શખ્સે હુમલો કરતાં રાહુલ પાદરિયા પોલીસ કમિશનર કચેરી તરફ ભાગ્યો હતો, રાહુલની પાછળ ઘુઘા સહિતના ત્રણેય શખ્સો પણ ભાગ્યા હતા, જોકે રાહુલ દોડીને કમિશનર કચેરીમાં ઘૂસી જતાં હુમલાખોરો ત્યાંથી પરત ફરી ગયા હતા,
જોકે હુમલા વખતે આરોપીઓએ રાહુલની ડોકમાંથી રૂ.95 હજારની કિંમતનો સોનાનો ચેઇન લૂંટી લીધો અને દુકાને જઇ ફર્નિચરમાં તોડફોડ કરી ટેબલના ખાનામાં રહેલા રોકડા રૂ.1.10 લાખ પણ લૂંટી લઇ ત્રણેય શખ્સ નાસી ગયા હતા. પોલીસે આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
કોઠારિયા રોડ પર રત્નકલાકારને શખ્સે માર માર્યો
કોઠારિયા રોડ પર આવેલી સિદ્ધાર્થ સોસાયટી-1માં રહેતા અરજણ દેસુર ગુજરિયા નામના યુવાનને વિવેક દેવીપૂજકે પાઇપથી હુમલો કરી પાંસળીમાં ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે. આજી ડેમ પોલીસની પૂછપરછમાં પોતે કોઠારિયા રોડ પર જેન્સી ડાયમંડ નામના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતો હોય ઘસેલા હીરાને દોરી કામ માટે વિવેકને આપવા ગયો હતો.
જેથી વિવેક ઉશ્કેરાય જઇ પોતાને ગાળો ભાંડી માર માર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. જ્યારે ગોંડલ રોડ, આવકાર સિટીમાં રહેતા અસ્મિતાબેન જીતુભાઇ મકવાણા નામની પરિણીતાને એપાર્ટમેન્ટમાં પાણીના મોટર રિપેર કરવાના મુદ્દે મુકેશ, રીના, પાર્થ અને એક અજાણ્યા શખ્સે ઝઘડો કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.