બેઠકનું રાજ‘કારણ’ કે સમાજ:કોંગ્રેસના નારાજ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલની ખોડલધામ નરેશ સાથે બંધબારણે 3 કલાકની મેરેથોન બેઠક, નવાજૂનીના એંધાણ

એક મહિનો પહેલા
  • રાજકોટ સ્થિત નરેશ પટેલના ઘરે જ બંને નેતાઓએ બેઠક યોજી
  • હાર્દિક પટેલે અગાઉ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવવા આહવન કર્યુ હતુ

હાર્દિક પટેલની કથિત નારાજગી વચ્ચે મહત્વના સમાચાર આવી રહ્યા છે. એક તરફ ખોડલધામના નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાય તેવા સંકેતો મળી રહ્યા છે, એવામાં કોંગ્રેસથી કથિત રીતે નારાજ ચાલતા હાર્દિક પટેલે તેમની સાથે બેઠક યોજી છે. રાજકોટમાં આજે 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બંધબારણે મેરેથોન બેઠક યોજાઈ હતી. રાજકીય વર્તૂળોમાં આ બેઠકને નવાજૂના એંધાણના રૂપમાં જોવામાં આવી રહી છે. એટલું જ નહીં, બંને પાટીદાર નેતાઓની બેઠકને લઈ અનેક અટકળો લગાવવામાં આવી રહી છે.

બંનેની બેઠકમાં સમાજ હિત કે રાજકારણ?
આજે 3 કલાક સુધી હાર્દિક પટેલ અને નરેશ પટેલ વચ્ચે બેઠક ચાલી હતી. આ બેઠક રાજકોટમાં નરેશ પટેલના નિવાસસ્થાને યોજાઈ હતી. નરેશ પટેલને કોંગ્રેસમાં જોડવા માટે હાર્દિક પટેલે અગાઉ ખૂબ પ્રયાસો કર્યા હતા. જેમાં હાર્દિકે જાહેરમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આહ્વાન કર્યુ હતુ. પરંતુ ત્યારબાદ હાર્દિકની કોંગ્રેસ સાથે કથિત નારાજગી હોવાનું પણ સામે આવ્યુ હતુ. ત્યારે હવે આ બેઠકને લઈ સવાલો ઉઠી રહ્યા છે કે, હાર્દિકે આ બેઠકમાં નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવા આગ્રહ કર્યો હશે? કે પછી માત્ર સમાજના હિત અંગે જ ચર્ચા વિચારણા કરવામાં આવી હશે?

PTIના ઈન્ટર્વ્યુમાં દર્દ છલકાયું; હું પાર્ટીનું ભલું ઈચ્છું છું: હાર્દિક
હાર્દિક પટેલે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, મને એટલો હેરાન કરવામાં આવે છે કે તેનું મને બહુ ખરાબ અનુભવાય છે. ગુજરાત કોંગ્રેસના નેતાઓ ઈચ્છે કે હું પાર્ટી છોડી દઉં. મને દુઃખ છે કે રાહુલ ગાંધીને ઘણીવાર પરિસ્થિતિની જાણ કરી પરંતુ કોઈ એક્શન લેવાઈ નથી. ત્યારબાદ હાર્દિક પટેલે પોતાના સોશિયલ મીડિયાના એકાઉન્ટ ટ્વિટર પર જણાવ્યું છે કે, સાચું બોલાવું જોઈએ કેમ કે હું પાર્ટીનું ભલું ઈચ્છું છું. રાજ્યની જનતા અમારી તરફ અપેક્ષા રાખે છે અને અમે તે અપેક્ષા ખરાં ઉતરી ન શકીએ તો પછી આ નેતાગીરીનો કોઈ અર્થ છે! મેં આજ સુધી પાર્ટીને શ્રેષ્ઠ આપવાનું કામ કર્યું છે અને આગળ પણ કરવાનું છે. પદનો મોહ નથી કામનો ભૂખ્યો છું.

કોંગ્રેસે નરેશ પટેલ મામલે ઝડપથી નિર્ણય લેવો જોઈએ
હાર્દિક પટેલે અગાઉ દિવ્યભાસ્કરને જણાવ્યું હતું કે ભાજપ કોઈપણ વ્યક્તિ સાથે વાત કરવા અથવા તો તેને પોતાની તરફ ખેંચવા માટે આક્રમક હોય છે, પરંતુ કોંગ્રેસમાં માત્ર વાતો થઈ રહી છે. છેલ્લા બે મહિનાથી નરેશભાઈને કોંગ્રેસમાં લેવા માટેની ચર્ચાઓ થઈ રહી છે. કોંગ્રેસના કેટલાક કહેવાતા નેતાઓ એવું કહે છે કે નરેશ પટેલે ડિમાન્ડ રાખી છે, પરંતુ હું કહું છું કે નરેશભાઈએ કોઈ ડિમાન્ડ રાખી નથી. કોંગ્રેસને કોઈ સમાજનું અપમાન કરવાનો અધિકાર નથી, જેથી હવે કોંગ્રેસ હાઈકમાન્ડે ઝડપથી આ મુદ્દે નિર્ણય લેવો જોઈએ.

અન્ય સમાચારો પણ છે...