ગોંડલના આશાપુરા ડેમમાં આજે ન્હાવા પડેલા ત્રણ મિત્રોમાંથી એક ડૂબ્યો હતો. જ્યારે બે મિત્રો બચાવ થયો છે. હાર્દિક મનોજભાઈ ઠુંમર નામનો 19 વર્ષીય યુવાન ડૂબ્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા જ ગોંડલ નગરપાલિકાના ફાયરબ્રિગેડના જવાનો દોડી આવ્યા છે અને હાર્દિકની શોધખોળ હાથ ધરી હતી. જોકે, થોડીવારમાં જ હાર્દિકનો મૃતદેહ શોધી પાણીમાંથી બહાર કાઢ્યો હતો.
પાળી પાસે પગ લપસતા હાર્દિક ડેમમાં પડ્યો
પ્રાપ્ત વિગત મુજબ વોરાકોટડા રોડ પર રામજી મંદિર પાસે રહેતા હાર્દિક મનોજભાઇ ઠુંમર મિત્રો સાથે બપોરે આશાપુરા ડેમમાં ન્હાવા ગયો હતો. હાર્દિકના મિત્રો ડેમમાં ન્હાવાની મજા લૂંટતા હતા ત્યારે ડેમની પાળી પાસે ઉભેલા હાર્દિકનો પગ લપસતા ડેમના ઊંડા પાણીમાં ખાબકતા ડૂબી જવાથી તેનું મોત નીપજ્યુ હતું. બનાવ બનતા દેકારો બોલી ગયો હતો. બનાવના પગલે દોડી ગયેલા નગરપાલિકાના સદસ્ય નિલેશભાઈ કાપડીયાએ ફાયરબ્રિગેડને જાણ કરતા તરવૈયા કિશોરભાઈ ગોહિલે ઊંડા પાણીમાથી હાર્દિકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
હાર્દિક પરિવારનો એકનો એક પુત્ર હતો
મૃતક યુવાન પરિવારમાં એકનો એક પુત્ર હતો અને કોલેજના પહેલા વર્ષમાં અભ્યાસ કરતો હતો. તેના પિતા કારખાનામાં કામ કરતા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટનાની જાણ થતા પોલીસ દોડી આવી હતી અને હાર્દિકના મૃતદેહને પીએમ માટે ગોંડલ સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે સમગ્ર ઘટનમાં બચાવ થયેલા બે યુવાનોનું પોલીસ નિવેદ નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. હાલ કાળઝાલ ગરમીને કારણે લોકો ન્હાવા માટે ડેમો અને નદીમાં પડતા હોય છે. પરંતુ લોકોએ પાણીની ઊંડાઇ જોઇને ન્હાવા પડવું જોઇએ એવી અપીલ પણ અવારનવાર તંત્ર દ્વારા થતી હોય છે. ઘટનાને પગલે લોકોના ટોળા એકત્ર થયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.